18 વર્ષથી ઘરની ટાંકીમાં સંગ્રહેલું વરસાદી પાણી જ પીવે છે મહેસાણાનો શિક્ષક પરિવાર
મહેસાણા :
મહેસાણાના ધોબીઘાટ રોડ સ્થિત જયવિજય સોસાયટીમાં રહેતા કર્વે હાઇસ્કૂલના શિક્ષક સુરેશભાઇ મિસ્ત્રીનો પરિવાર છેલ્લા 18 વર્ષથી પીવા માટે વરસાદી પાણીનો ઉપયોગ કરી રહ્યો છે. આ માટે તેમણે વરસાદી પાણીના સંગ્રહ માટે વર્ષ 2002માં ઘર બનાવ્યું ત્યારે 4000 લિટર અને 1000 લિટરની એમ બે ટાંકી બનાવી હતી.
જેમાં ચોમાસામાં મઘા નક્ષત્રનું વરસાદી પાણી ભરી આખું વર્ષ પીવા માટે વાપરે છે. જેને લઇ છેલ્લા 18 વર્ષમાં શિક્ષક અને તેમનાં પત્ની કોઇને પાણીજન્ય તકલીફ કે સાંધાનો દુ:ખાવો પણ થયો નથી. તેઓ કહે છે, ઘરમાં આરઓ પ્લાન્ટની જરૂર જ પડી નથી, વરસાદી પાણી પીવામાં ઉત્તમ રહે છે.
શિક્ષક સુરેશભાઇ મિસ્ત્રીએ કહ્યું કે, ઘરમાં ભોંયતળિયે 4000 લિટરની અને છત ઉપર 1000 લિટરની ટાંકી છે. ચોમાસામાં મઘા નક્ષત્ર પહેલાં બંને ટાંકી સાફ કર્યા પછી વરસાદી પાણીથી છલોછલ ભરીએ છીએ. છતની પાઇપથી સીધુ વરસાદી પાણી ટાંકીમાં ઉતરે છે. ટાંકી સિવાય વરસાદી પાણીસંગ્રહ માટે કોઇ ખર્ચ નથી.
કુદરતી પાણી પીવાના ઉપયોગમાં સારું રહેતું હોવાનો 18 વર્ષનો અનુભવ છે. હાલ 55 વર્ષની વયે પણ કોઇ સાંધાનો દુ:ખાવો શરીરમાં નથી. હાલ બે સંતાનો અભ્યાસ અર્થે બહાર છે, અમે બંને આખુ વર્ષ વરસાદી પાણી જ પીએ છીએ. ઘર વપરાશ માટે 3500 લિટરની અલગથી ટાંકી છે. રોજ 10 લિટર પાણી પીવામાં આખુ વર્ષ ચાલી રહે છે.
વરસાદી પાણીમાં પોરા પડતા નથી
શિક્ષક સુરેશભાઇ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, વરસાદી પાણીથી બે સીધા ફાયદા છે. એક તો વેડફાતા પાણીનો સદુપયોગ થાય છે અને તેની કોઇ આડઅસર નથી. તેમાં પોરા પણ પડતા નથી. વરસાદી પાણીના ટીડીએસ તપાસતાં નોર્મલ 80 થી 100 રહે છે. આ પાણી પીવામાં ખૂબ ઉત્તમ છે. ઘરની ઓસરીમાં જગ્યા હોય તો ટાંકી બનાવી વરસાદી પાણી સંચય કરી તેનો ઉપયોગ કરવો જોઇએ.