ગુજરાત

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઇડર ખાતે રાજ્યકક્ષાના કલા ઉત્સવ-વાર્તા સ્પર્ધાને શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિડોંરે ખુલ્લો મુક્યો: બે દિવસ ચાલશે

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઇડર સાબરકાંઠા દ્વારા આયોજિત આઝાદીકા અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત રાજ્ય કલા ઉત્સવ અને નિપુણ ભારત અન્વયે ગિજુભાઈ બધેકાની જન્મ જયંતિ અવસરે રાજ્ય કક્ષા વાર્તા કાર્યક્રમ ૨૦૨૨-૨૩ ઇડર ખાતે તારીખ ૧૦-૧૧ જાન્યુઆરીના રોજ યોજાયો છે. જેનું ઉદઘાટન રાજ્યના આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણમંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરના હસ્તે તારીખ ૧૦-૧-૨૦૨૩ના રોજ ગઈ કાલે સાંજે ૬:00 વાગ્યે રાજ્યકક્ષાના કલા ઉત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં રાજ્યભરના વિદ્યાર્થીઓ,વાલીઓ, મહાનુભાવો, શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે શિક્ષણમંત્રીશ્રી ડૉ.કુબેરભાઈ ડીંડોરે શિક્ષણ જગતના સારસ્વતોને સંબોધતા જણાવ્યું હતું કે શિક્ષકો માત્ર કર્મચારી નથી. આપણે ભારતના રાષ્ટ્રનિર્માણના આધાર સ્તંભો છીએ. ઈડરની ઐતિહાસિક ધરા પર આપનું સ્વાગત અભિવાદન કરું છું. અહીં ચિત્ર,ગાયન,વાદન,વાર્તાકાર,બાળ કલાકારોના સુંદર પરફોર્મન્સને બિરદાવી પ્રોત્સાહિત કરું છું. તેઓ ઉત્તરોઉત્તર પ્રગતિ કરે અને પોતાની કલામાં પારંગત બને તેવી શુભેચ્છા પાઠવું છું. શિક્ષકો દ્વારા બાળકોમાં પડેલી શક્તિને બહાર લાવવાનું આ કલા ઉત્સવ પ્લેટફોર્મ છે. હમ બદલેગા તો યુગ બદલેગા કલા ઉત્સવમાં ઉત્સાહભેર ભાગ લઈ ઇનામ મળે કે ન મળે પણ સૌ વિદ્યાર્થીઓએ ભાગીદાર બનવું જોઈએ. જેનાથી સ્કિલ બહાર લાવવાનું સરળ બનશે. આપણે નેશનલ એજ્યુકેશન પોલિસી ૨૦૨૦નો અમલ કરવાનો છે. બેકલેસ એજ્યુકેશન થકી ૪૯૧ પ્રાથમિક શાળાની પસંદગી કરીશું. જેમાં વિદ્યાર્થીઓની સ્કિલને બહાર લાવવાનું કામ કરીએ. ૧૦૦૦ કલાક વિધ્યાર્થી વર્ગમાં રહે ૧૦૦ કલાક બહાર જશે. પ્રવાસન સ્થળો, કંપની, અકાદમી ઔતિહાસિક સ્થળ ડેમ,જંગલ ટ્રેકીંગ ઇત્તરપ્રવૃત્તિ, રમતગમત જેવી બાબતો આવરી લેવામાં આવશે.
મંત્રીશ્રી ડીંડોરે સાબરકાંઠાના સાહિત્યના મુરધન્યશ્રી ઉમાશંકર જોષી, પનાલાલ પટેલ અભિનય સમ્રાટશ્રી ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી તથા મહેશ-નરેશ-કનોડીયાને યાદ કર્યા હતા અને આદિજાતિ સંસ્કૃતિને ઉજાગર કરનારશ્રી ભગવાનદાસ પટેલે આપેલા યોગદાનની કદર કરી હતી. ઇડરિયો ગઢ શ્રીમદ રાજચંદ્રની તપોભૂમિ છે. મારી કર્મભૂમિ તલોદ કોલેજમાં રહી છે. જ્યાં એન.એસ.એસ.તેમજ વિદ્યાર્થીઓના ઘડતરમાં કામ કર્યું છે. ઉત્તર ગુજરાતએ શિક્ષણની પ્રયોગ ભૂમિ છે. નવા ઇનોવેશન સંશોધન કરવા આપણા બધાની ફરજ બને છે અને દરેકે નેશનલ પોલિસીમાં સારા સૂચનો આવકાર્ય છે. આત્મ નિર્ભર ભારત,આત્મ નિર્ભર ગુજરાત આત્મ નિર્ભર યુવાન બને પરિશ્રમ કરીને આગળ વધીએ. કલા અને શિક્ષણની સાથે લઈને જ ચાલવાની વાત કરીએ છે. શિક્ષણની સાથે કલા પણ એટલી જ જરૂરી છે. કલાએ પણ શિક્ષણનો ભાગ છે. કલા મનુષ્યને ઉત્તમ માનવી બનાવે છે. વિદ્યાર્થીઓમાં કલા-સંસ્કૃતિના એકીકરણ દ્વારા ભારતીય નૈતિકતાને આત્મસાત કરશે તેવો મને વિશ્વાસ છે.
જી.સી.ઈ.આર.ટી દ્વારા વર્ષ ૨૦૧૬થી કલા ઉત્સવની ઉત્તમ રીતે ઉજવણી થાય છે. આ સ્પર્ધામાં શાળા કક્ષાથી લઈને રાજ્યકક્ષા સુધી ઉજવાય છે. શાળા કક્ષાથી ઝોન કક્ષા સુધી અંદાજિત ૧૫,૫૯૦૦૦/- જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. નિપુણ ભારત અંતર્ગત રાજ્યકક્ષાનો વાર્તા કાર્યક્રમ રાજ્યમાં શ્રી ગિજુભાઈ બધેકાના જન્મદિવસ ૧૫ નવેમ્બરને બાળવાર્તા દિન તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે અને વર્ષ ૨૦૨૨-૨૩ને વાર્તાવર્ષ તરીકે ઉજવવાનું જાહેર કરેલ છે. ઉત્તમ વાર્તાઓનું રેકોર્ડિંગ કરીને ઓનલાઈન ઉપલબ્ધ કરાવાશે. એક થી ત્રણ વિજેતાઓને ટ્રોફી પ્રમાણપત્ર અને ઇનામ આપવામાં આવશે.
આ પ્રસંગે મંત્રીશ્રી ડીંડોડ દ્વારા વાસળીવાદક, ઢોલવાદક, વાર્તા કથન ગાયક તથા ઉત્તમ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું ઇનામ આપી સન્માનિત કર્યા હતા. જ્યારે ઇડર ડાયટને ભારત સરકાર તરફથી ગ્રીન અને ક્લીનનેસ એવોર્ડ ડાયટના પ્રાચાર્યશ્રી કે.ટી પુરણીયાને અર્પણ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે પૂર્વ શિક્ષણમંત્રી અને ઈડરના ધારાસભ્યશ્રી રમણલાલ વોરાએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે બાળકોમાં પડેલી સર્જનાત્મક શક્તિને કલાને બહાર લાવનારો આ કલા ઉત્સવ થકી ઉત્તમ પ્રયાસ છે.બાળકો વિષયમાં ૧૦૦ માંથી ૯૫ માર્ક્સ લાવ્યા હશે તે સંપૂર્ણ નથી. પણ તેમાંથી સંગીત, રમતગમત, પ્રવાસ, કલા,કૌશલ્ય જેવા ગુણો ખીલવી સર્વાંગી વિકાસ થાય સાનુકૂળ વાતાવરણ પૂરું પાડવુંએ પણ શિક્ષણનો ભાગ છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવી શિક્ષણનીતિમાં આ બધી બાબતોને આવરી લીધી છે. કલા કૌશલ્યનો સુભગ સમન્વય થાય તોજ સફળ થવાય તમામે શિક્ષણ ધર્મ બજાવવાનો રહ્યો. સારા નાગરિકો તૈયાર થાય રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપી સંસ્કારી બને. ધારાસભ્યશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે સંગીતનું ઉદભવ સ્થાન ઉત્તર ગુજરાત છે. અહીંથી જ અભિનય સમ્રાટ અને ખ્યાતનામ સાહિત્યકારો પેદા થયા છે. કેટલાક જન્મજાત કલાકારો હોય છે. કેટલાકને જન્મથી જ વાતાવરણ આપીને તૈયાર કરવામાં આવે છે. સારા ડાયરાના કલાકાર અને ક્રિકેટરોનો ખેલાડીઓના ભાવ ઘણો ઊંચો છે. જેવો પોતાની મહેનતથી આત્મ નિર્ભર બન્યા છે. ધારાસભ્યશ્રીએ ઉત્તમ પર્ફોર્મન્સ કરનારને રોકડ ઇનામ આપી પ્રોસાહિત્ય કર્યા હતા.
આ પ્રસંગે કવિ ગીતકારશ્રી પ્રશાંત કેદાર જાદવે જણાવ્યું હતું કે બોલીએ મારી અભણ માં છે અને ભાષા એ મારી ભણેલી માં છે. ઉત્તર ગુજરાતની બોલી લાવ્યા હોય તો શ્રી પન્નાલાલ પટેલ અને અહીંના જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા શ્રી ઉમાશંકર જોશીએ સાહિત્ય ક્ષેત્રે જબરજસ્ત કાઠું કાઢ્યું છે. તેમજ શ્રી પ્રશાંત કિશોરે પોતાની કવિતા રજૂ કરીને સૌને ભાષા બોલીની તાકાતનો પરિચય કરાવ્યો હતો.
આ પ્રસંગે જી.સી.આર.ટી.સીના નિયામકશ્રી ડી.એસ પટેલે કલા ઉત્સવની રૂપરેખા આપી હતી અને સૌને આવકારી બે દિવસીય કાર્યયોજના અંગે સમજ આપી હતી અને ઈડર ડાયટમાં પોતે આપેલી સેવાની સુવાસ વાગોળી હતી.વિદ્યાર્થીઓને ઉત્તમ પ્લેટફોર્મ મળી રહે હર હંમેશાં સારા પ્રયાસો અને કાર્ય યોજના ઘડવામાં આવશે તેવો વિશ્વાસ અપાવ્યો હતો. જ્યારે પ્રાચાર્યશ્રી ડૉ.કે.ટી પુરણીયા દ્વારા સૌનું શાબ્દિક સ્વાગત કરી ડાયટની પ્રવૃત્તિઓ અને સંશોધન અને આયોજન અંગેની રૂપરેખા આપી સૌને પુસ્તક,બુક અને પેનના હારથી મોમેન્ટો આપી સ્વાગત સત્કાર કર્યો હતો. સંગીત વાદન યજ્ઞેશભાઇ ગોર, સંગીત ગાયન નેહાબેન આચાર્ય, બાળવાર્તા ધ્વનિત મિસ્ત્રી, સંગીતવાદન વાંસળી રાવલ અમિત તથા વીર ગાથા પ્રોજેક્ટ અંતર્ગત બોટાદની વિદ્યાર્થીની તથા હેલીબેનનું સન્માન કરવામાં આવ્યું હતું અને રાત્રી દરમિયાન કચ્છના લોક ગાયકશ્રી નૂર મહંમદ અને સાથી કલાકારો દ્વારા સુંદર કચ્છી ડાયરો રજૂ કર્યો હતો.
આ પ્રસંગે ડૉ.દર્શનાબેન જોષી નાયબ નિયામક વસ્તી શિક્ષણ, શ્રી મિતાબેન ગઢવી જિલ્લા શિક્ષણ અધિકારી, આચાર્ય સંઘના પ્રમુખશ્રી મહેન્દ્રભાઈ પટેલ,શ્રી ગીરીશભાઈ બ્રહ્મભટ,શ્રી પી.સી પટેલ, તાલુકા પંચાયત, નગરપાલિકા સદસ્યશ્રીઓ, મહાનુભાવો, ડાયટના સિનિયર, જુનિયર લેક્ચરરો અને શિક્ષકો કલાકારો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં આભાર દર્શન હર્ષદભાઈ ચૌધરી પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા કરવામાં આવ્યું હતુ.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x