માતા હીરાબાને યાદ કરતાં ભાવુક થયા વડાપ્રધાન મોદી
લોકસભા ચૂંટણી પાંચમા તબક્કામાં પ્રવેશી ગઈ છે. પીએમ મોદી સતત રેલીઓ અને સભાઓ કરી રહ્યા છે ત્યારે તેમણે મંગળવારે સવારે વારાણસી બેઠક પરથી સતત ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી હતી. ત્યાર પછી પીએમ મોદીએ મીડિયા સાથે વાત કરતાં મુસ્લિમો સાથે તેમના સંબંધો, ગોધરાકાંડ, કોંગ્રેસ, એનડીએને 400 બેઠકો જેવા મુદ્દાઓ પર ખુલીને વાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે, મારા ઘરની પાસે મુસ્લિમ પરિવારો રહેતા હતા. અમારા ઘરે પણ ઈદ ઊજવાતી હતી અને હું સેવૈયા ખાવા તેમના ઘરે જતો હતો. આ સાથે ઉમેદવારી ફોર્મ ભરતા પહેલાં પીએમ મોદી માતા હીરા બાને યાદ કરીને ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું કે, માતા હિરાબાના નિધન પહછી હવે મા ગંગા જ મારાં માતા છે. તેમણે મને દત્તક લઈ લીધો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સવારે દશાશ્વમેઘ ઘાટ પહોંચી મા ગંગાની પૂજા-અર્ચના કરી. ત્યાર પછી પીએમ મોદી કાલ ભૈરવ મંદિર પહોંચ્યા હતા. મંદિરમાં કાલ ભૈરવના દર્શન કર્યા પછી નરેન્દ્ર મોદી સીધા જ વારાણસીની ડીએમ ઓફિસ પહોંચ્યા હતા અને સતત ત્રીજી વખત વારાણસીમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ બેઠક પર છેલ્લા તબક્કામાં ૧ જૂને મતદાન થવાનું છે.
વડાપ્રધાને અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારંભનું શુભ મુહૂર્ત નીકાળનારા પંડિત ગણેશ્વર શાસ્ત્રી, ઓબીસી સમાજના બૈજનાથ પટેલ, લાલચંદ કુશવાહા તથા દલિત સમાજના સંજય સોનકરને પ્રસ્તાવક બનાવ્યા હતા.
ઉમેદવારી ફોર્મ ભરતા પહેલાં પીએમ મોદીએ કહ્યું કે, માતા હિરાબાના નિધન પછી પહેલી વખત તેઓ તેમના આશિર્વાદ વિના કોઈ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી રહ્યા છે. હવે મા ગંગા જ મારી માતા છે. તેમણે મને દત્તક લઈ લીધો છે. વારાણસી સાથે હવે મારો એવો સંબંધ થઈ ગયો છે કે હું બનારસિયા થઈ ગયો છું. માતા હિરાબાને યાદ કરતાં મોદીએ કહ્યું કે, તેમના ૧૦૦મા જન્મદિને તેમણે આશીર્વાદ આપતા મને મંત્ર આપ્યો હતો કે કામ કરો બુદ્ધિથી અને જીવન જીવો શુદ્ધિથી.
નરેન્દ્ર મોદીએ મુસ્લિમો સાથે તેમના સંબંધો અંગે કહ્યું કે, મારી પડોશમાં અનેક મુસ્લિમ પરિવારો રહેતા હતા. મારા ઘરે ઈદના દિવસે ભોજન નહોતું બનતું. અનેક મુસ્લિમ પરિવારોના ઘરેથી મારા ત્યાં ભોજન આવતું. મારા ઘરે ઈદ ઊજવાતી હતી. હું તેમના ત્યાં સેવૈયા ખાતો હતો. હું એવા પરિવારમાંથી આવું છું, જ્યં મુહર્રમના પ્રસંગે પણ પરિક્રમા કરવાની મંજૂરી હતી. આજે પણ મારા અનેક મિત્રો મુસ્લિમ છે.
તમણે ઉમેર્યું કે ગોધરાકાંડ પછી મારી છબી ખરડવામાં આવી છે. જોકે, ગોધરાકંડ પછી રમખાણો થવા છતાં મુસ્લિમ સમાજ માટે અનેક સારા કામ કરવાના કારણે અમદાવાદમાં મુસ્લિમ પરિવારો મારું સન્માન કરતા હતા.
મુસ્લિમો વધુ બાળકો પેદા કરતા હોવાના આક્ષેપો મુદ્દે મોદીએ કહ્યું કે, વધુ બાળકોવાળી વાત કરીને તમે મુસ્લિમો સાથે અન્યાય કરો છો. આપણે ત્યાં ગરીબ પરિવારોમાં આ જ સ્થિતિ છે. તેઓ બાળકોને ભણાવી નથી શકતા. જ્યાં ગરીબી છે ત્યાં વધુ બાળકો છે. મેં હિન્દુ નથી કહ્યું કે મુસ્લિમ પણ નથી કહ્યું. મેં કહ્યું છે કે તમારે એટલા જ સંતાનો પેદા કરવા જોઈએ જેટલાનું તમે ભરણ-પોષણ કરી શકો. હું જે દિવસે હિન્દુ-મુસ્લિમ કરીશ તે દિવસે જાહેર જીવનમાં રહેવા યોગ્ય નહીં રહું.
ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ ચૂંટણી અંગે પણ વિસ્તારથી વાત કરી હતી. તેમણે કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં જનતાએ તેમને ખૂબ આશીર્વાદ આપ્યો છે. ઉત્તર પ્રદેશની જનતા કોંગ્રેસને ઓળખી ગઈ છે. આ વખતે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ એક પણ બેઠક જીતી નહીં શકે. રાયબરેલીથી રાહુલ ગાંધીના વિજયની સંભાવનાઓ પર તેમણે કહ્યું કે, આ પરિવારને મીડિયાએ જ ઊભો કર્યો છે. છેલ્લા ૭૦ વર્ષથી આ લોકોને મીડિયાએ મહત્વ આપ્યું છે. પરંતુ ઉત્તર પ્રદેશની જનતા હવે પરિવારવાદ પર વિશ્વાસ નથી કરતી.
રાહુલ ગાંધી પર પ્રહાર કરતા મોદીએ કહ્યું કે, કોંગ્રેસ નેતાએ પહેલાં અમેઠીથી વાયનાડ ભાગવું પડયું. હવે વાયનાડથી રાયબરેલી ભાગવું પડયું છે. વાયનાડમાં તેમને પરાજય સ્પષ્ટ દેખાઈ ગયો. તેથી તેમણે રાયબરેલી આવવાનો નિર્ણય કર્યો. ઉત્તર પ્રદેશના લોકો ખૂબ જ ઉદાર ચરિત્રવાળા છે. પરંતુ આ વખતે તેઓ કોંગ્રેસને એક પણ બેઠક જીતવા નહીં દે. ઉત્તર પ્રદેશની જનતાએ અનુભવ્યું છે કે યોગીજીના નેતૃત્વમાં જે પરિવર્તન આવ્યું છે તેણે લોકોનું જીવન બદલી નાંખ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કોંગ્રેસ પર ભગવાન રામ મુદ્દે શરમજનક રાજકારણ કરવાનો આક્ષેપ કરતા કહ્યું કે, કોંગ્રેસે ‘રામલલાને ફરીથી ટેન્ટમાં’ મોકલવાનું કાવતરું ઘડી કાઢ્યું છે. ઝારખંડના ગિરિડિહમાં ચૂંટણી સભાને સંબોધન કરતાં મોદીએ કહ્યું કે, ભગવાન રામની નગરી અયોધ્યામાં રામલલાનું મંદિર બનવાથી કોંગ્રેસના નેતાઓ ખુશ નથી. તેઓ રામલલાને ફરી એક વખત ટેન્ટમાં મોકલવા માગે છે. તેથી જ તેઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાના વિરોધમાં વાત કરી રહ્યા છે. તેઓ નવા મંદિર પરિસર પર ફરીથી તાળુ મારી દેવા માગે છે.