Uncategorizedગાંધીનગર

સ્માર્ટ મીટરની લગાવવા પર અનિશ્ચિત મુદતની રોક, હવે સોસાયટીઓમાં જઈને લોકોને જાણકારી અપાશે

વડોદરામાં સ્માર્ટ વીજ મીટરો સામે ઉઠેલા પ્રચંડ વિરોધ વંટોળ બાદ હવે મધ્ય ગુજરાત વીજ કંપનીએ રહેણાંક વિસ્તારોમાં સ્માર્ટ મીટરો લગાવવાની કામગીરી અનિશ્ચિત મુદત માટે રોકી દીધી છે.

મધ્ય ગુજરાત વીજ કંપનીના સૂત્રોએ કહ્યુ હતુ કે, હાલના તબક્કે રહેણાંક વિસ્તારોમાં સ્માર્ટ મીટરો લગાવવાની કામગીરી આગળ નહીં ધપાવાય, પાયલોટ પ્રોજેકટના ભાગરુપે જ્યાં પણ મીટરો લાગેલા છે તે વિસ્તારોમાં લોકોને કોઈ ફરિયાદો હોય તો તેઓ વીજ કચેરીમાં અરજી આપી શકે છે.વીજ કંપની દ્વારા તેમની ફરિયાદોનુ નિરાકરણ લાવવામાં આવશે. આ માટે તેમણે ગ્રાહક નંબર જણાવવો જરૂરી છે. વીજ કંપનીના ટોલ ફ્રી નંબર પણ ફરિયાદ થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, 6 દિવસથી સ્માર્ટ મીટરો સામે વિરોધ ચાલી રહ્યો છે. જોકે વિરોધ વચ્ચે પણ વીજ કંપનીએ સ્માર્ટ મીટરો નાંખવાની કામગીરી ચાલુ જ રાખી હતી પણ હવે વિરોધની આગ બીજા વિસ્તારોમાં પ્રસરી છે. વીજ કંપનીના એક અધિકારીએ જણાવ્યુ હતુ કે, હવે સરકારી કચેરીઓમાં મીટર લગાવવાની કામગીરીને પ્રાથમિકતા અપાશે.સોસાયટી અને રહેણાંક વિસ્તારોમાં ભવિષ્યમાં મીટરો લગાવતા પહેલા વીજ કંપનીના અધિકારીઓ જશે અને લોકોને સ્માર્ટ મીટરની જાણકારી આપશે અને તેમની તમામ શંકાઓનુ સમાધાન કરશે અને એ પછી જ મીટરો લગાવવામાં આવશે. જોકે મીટરો લગાવવાની કામગીરી કેટલા દિવસ માટે બંધ રહેશે તે કહી શકાય નહીં. અનિશ્ચિત મુદત માટે રોક લગાવાઈ છે. સરકારને પણ વિરોધ અંગેની જાણકારી પૂરી પાડવામાં આવી છે.

બીજી તરફ વડોદરાના એક્ટિવિસ્ટ અને રાજકીય આગેવાનો, કોંગ્રેસના કોર્પોરેટરો સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને લોકોને અપીલ કરી રહ્યા છે કે, જો વીજ કંપનીની ટીમ સ્માર્ટ મીટર લગાવવા માટે આવે તો વિરોધ કરીને અમને જાણ કરજો. આમ સોશિયલ મીડિયા પર પણ સ્માર્ટ મીટરનો મુદ્દો જ બે દિવસથી ટ્રેન્ડ કરી રહ્યો છે.

 

 

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x