સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, વિભવ કુમારની કરી ધરપકડ
દિલ્હી પોલીસની FIRમાં વિભવ કુમારનું નામ છે. તેની પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસે સીએમ કેજરીવાલના ઘરેથી વિભવ કુમારની ધરપકડ કરી હતી.
આમ આદમી પાર્ટી (AAP) સાંસદ સ્વાતિ માલીવાલ (Swati Maliwal) પર કથિત હુમલાના કેસમાં દિલ્હી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. દિલ્હી પોલીસે (Delhi Police) વિભવ કુમારની (Bibhav Kumar) ધરપકડ કરી હતી. દિલ્હી પોલીસની FIRમાં વિભવ કુમારનું નામ છે. તેની પૂછપરછ માટે ધરપકડ કરી હતી.
દિલ્હી પોલીસે સીએમ કેજરીવાલના ઘરેથી વિભવ કુમારની ધરપકડ કરી હતી. પોલીસ તેને સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. વિભવ કુમારનું કહેવું છે કે તેમને એફઆઈઆરની માહિતી મીડિયા દ્વારા મળી હતી. સાથે જ વિભવ કુમારે પણ ઈમેલ મારફતે પોલીસને ફરિયાદ કરી છે. વિભવે અપીલ કરી છે કે દિલ્હી પોલીસે તેની ફરિયાદ પર ધ્યાન આપવું જોઈએ. વિભવનું કહેવું છે કે તેને કોઈ નોટિસ મળી નથી.
સ્વાતિ માલીવાલે વિભવ કુમાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. સ્વાતિ માલીવાલનું કહેવું છે કે જ્યારે તે સીએમ કેજરીવાલના ઘરે પહોંચી તો વિભવ કુમારે તેની સાથે ગેરવર્તન કર્યું અને મારપીટ કરી હતી. બીજી તરફ સ્વાતિ માલીવાલની ફરિયાદ પર દિલ્હી પોલીસે FIR નોંધી છે. FIR બાદ સ્વાતિ માલીવાલની એઈમ્સમાં મેડિકલ તપાસ કરવામાં આવી હતી. જેના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સ્વાતિના ડાબા પગ પર અને જમણી આંખની નીચે ઈજાના નિશાન છે. સ્વાતિએ માથામાં દુખાવો અને ગરદન અકડાઈ જવાની ફરિયાદ પણ કરી છે.