કોંગ્રેસ રાજમાં ‘રામ રામ’ બોલનારાને પણ જેલ ભેગા કરી દેવાશે, વડાપ્રધાન મોદીએ તાક્યું નિશાન
લોકસભા ચૂંટણી અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણાના મહેન્દ્રગઢમાં ગુરુવારે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ એકદમ કોમવાદી, જાતિવાદી અને પરિવારવાદી છે. કોંગ્રેસ સત્તા પર હતી ત્યાં સુધી અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થઈ શક્યું નહોતું. હવે તે સત્તા પર આવશે તો દેશમાં ‘રામ રામ’ બોલનારા લોકોને પણ જેલમાં ધકેલી દેશે.
દેશમાં સાત તબક્કાની લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે મતદાનના બે દિવસ પહેલાં ચૂંટણી પ્રચાર પૂરો થવાના કલાકો અગાઉ જ પીએમ નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ સહિત વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. હરિયાણામાં ૨૫ મેના રોજ ૧૦ લોકસભા બેઠકો પર મતદાન થવાનું છે ત્યારે મોદીએ કહ્યું કે, ઈન્ડિયા ગઠબંધન દલિતો, આદિવાસીઓ અને ઓબીસી પાસેથી અનામત આંચકીને મુસ્લિમોને આપી દેવા માગે છે, પરંતુ પોતે જીવિત છે ત્યાં સુધી તેઓ વિપક્ષને આમ કરવા નહીં દે.
ઈન્ડિયા બ્લોક સત્તા પર આવતા પાંચ વર્ષમાં પાંચ વડાપ્રધાન બનાવવાની વાતો કરતા હોવાનો દાવો કરતા મોદીએ કહ્યું કે, ગાયે હજુ દૂધ આપ્યું નથી ત્યારે ગઠબંધનના પક્ષો ‘ઘી’ની વહેંચણી માટે લડી રહ્યા છે.
તેમણે ઉમેર્યું કે, કોંગ્રેસ સત્તા પર આવશે તો છેલ્લા ૧૦ વર્ષમાં અમે કરેલી બધી જ સખત મહેનત ધોવાઈ જશે. તમારે માત્ર દેશના વડાપ્રધાનની જ પસંદગી નથી કરવાની પરંતુ દેશનું ભવિષ્ય પણ નિશ્ચિત કરવાનું છે. કોંગ્રેસ નેતા મણિશંકર ઐયરનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું કે કોંગ્રેસ નેતાનું કહેવું છે કે પાકિસ્તાન પાસે એટમ બોમ્બ છે તેથી તેનું સન્માન કરવું જોઈએ. જોકે, હું પોતે જ લાહોર જઈને તેમની તાકાત જોઈ આવ્યો છું. તેમનો એક પત્રકાર કહેતો હતો કે હાય અલ્લાહ તૌબા. આ વિઝા વિના પાકિસ્તાન કેવી રીતે આવી ગયો. મોદીએ ઉમેર્યું કે, પાકિસ્તાનથી શું ડરવાનું, એક સમયે તો તે આપણો જ એક ભાગ હતું.દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને સ્ટાર પ્રચારક આદિત્યનાથે બિહારના મોતિહરીમાં જણાવ્યું કે, ઔરંગઝેબનો આત્મા કોંગ્રેસના નેતાઓમાં પ્રવેશી ગઈ છે. કોંગ્રેસ ઘૂસણખોરોમાં તમારી સંપત્તિ વિતરિત કરવા માટે દેશમાં જજિયા કર જેવો વારસા કર લાદવા માગે છે, પરંતુ ભાજપ તેને તેમ કરવા નહીં દે. કોંગ્રેસ અને રાજદને ભારત વિરોધી, રામ વિરોધી જનતા બોધપાઠ શીખવાડશે.