સ્કૂલોમાં વોટ્સએપ આધારીત પરીક્ષામાં ૬થી૧૫ ટકા જ વિદ્યાર્થીઓે જોડાયા
શિક્ષણ વિભાગ દ્વારા આ વર્ષે ઓનલાઈન શિક્ષણ હેઠળ સ્કૂલોમાં ધો.૩થી૧૦માં વોટ્સએપ આધારીત સ્વમુલ્યાંકન માટે રીઅલ ટાઈમ એસેસમેન્ટ પ્રક્રિયા શરૃ કરી છે.જે અંતર્ગત ધો.૩થી૫ ,ધો.૬થી૮ અને ધો.૯થી૧૦માં એકંદરે ૬થી૧૫ ટકા જ વિદ્યાર્થીઓ જોડાયા છે.
સ્કૂલોમાં વિદ્યાર્થીઓ પોતાની રીતે સ્વમુલ્યાંકન કરી શકે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા વોટસએપ આધારીત પરીક્ષા પદ્ધતિ લાગુ કરાઈ છે.જેમાં એક વોટ્સએપ નંબર જાહેર કરવામા આવ્યો છે.વિદ્યાર્થીઓએ આ નંબર પર મેસેજ કર્યા બાદ રજિસ્ટર્ડ થઈને ઓનલાઈન પરીક્ષા આપવાની હોય છે.જેમાં વિદ્યાર્થીઓને સ્ક્રીન પર એમસીક્યુ આધારીત પ્રશ્નો આવે છે અને જેમાં વિદ્યાર્થીઓ જેમ જેમ પ્રશ્નનના જવાબ આપતા જાય તેમ તેમ ૧૦ પ્રશ્નો સ્ક્રિન પર આવે છે. વિદ્યાર્થીને આ વોટ્સેપ આધારીત પરીક્ષાનું પરિણામ પણ તરત જ મળી જાય છે અને વિદ્યાર્થી પોતાની રીતે સ્વમુલ્યાંકન કરી શકે છે. આ રીઅલ ટાઈમ એસેસમેન્ટ યોજના એક રીતે શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માટે સારા હેતુ માટે સારી રીતે શરૃ કરાઈ હતી પરંતુ તેનાથી જોઈએ તેટલો ફાયદો થયો ન હોઈ વિદ્યાર્થીઓ ખૂબ જ ઓછા જોડાયા છે.
સ્વમુલ્યાંકનના પ્રોગ્રેસ રિપોર્ટ મુજબ ધો.૩થી૫માં તમામ જિલ્લાવાર કુલ મળીને ૧૮૯૪૦૦૩ વદ્યાર્થીઓમાંથી ૪૨૫૮૭૮ વિદ્યાર્થી રજિસ્ટર્ડ થયા હતા અને જેમાંથી એપીઆઈ દ્વારા ૨૫૪૮૧૭ વિદ્યાર્થીએ સ્વમુલ્યાંકન પરીક્ષા આપી હતી.આમ ૧૩.૪૫ ટકા જ વિદ્યાર્થી જોડાયા હતા. જ્યારે ધો.૬થી૮માં કુલ ૧૮૧૨૪૧૭ વિદ્યાર્થીમાંથી ૪૭૬૭૮૨ વિદ્યાર્થીમાંથી ૨૮૭૪૦૪ વિદ્યાર્થી જોડાયા છે.૧૫.૮૪ ટકા જ વિદ્યાર્થીએ સ્વમુલ્યાંકનમા રસ દાખવ્યો છે. ધો.૯થી૧૦માં ૧૧૪૬૭૭૪ વિદ્યાર્થીમાંથી ૧૧૭૮૧૭ વિદ્યાર્થી રજિસ્ટર્ડ થયા બાદ એપીઆઈ દ્વારા ૬૮૫૪૦ વિદ્યાર્થીએ સ્વ મુલ્યાંકન પરીક્ષા આપી હતી.આમ માંડ ૬.૦૬ ટકા જ વિદ્યાર્થી જોડાયા હતા.કેટલાક જિલ્લામાં તો માંડીએકથી બે ટકા અને કેટલાક જિલ્લામાં એક ટકાથી પણ ઓછા વિદ્યાર્થી જોડાયા હતા. ધો.૩થી૧૦માં એકંદરે સૌથી વધુ ૫૫થી૫૮ જેટલા વિદ્યાર્થીઓ નવસારી જિલ્લામાં સ્વમુલ્યાંકન પદ્ધતિમાં રજિસ્ટર્ડ થયા હતા.