સુરત : હજીરાથી દીવ વચ્ચે શરૂ થશે ક્રુઝ સેવા, અઠવાડીયામાં દીવની બે રાઉન્ડ ટ્રીપ કરશે
સુરત :
સુરત (Surat) નાં હજીરા પોર્ટ (એસ્સાર પોર્ટ)થી દીવ (Diu) વચ્ચે ‘ક્રુઝ’ સેવાની શરૂઆત કેન્દ્રીય પોર્ટસ, શીપીંગ અને વોટરવેઝ મંત્રી મનસુખ માંડવિયા (Mansukh Mandaviya) ના હસ્તે તા.૩૧.૩.૨૦૨૧ના રોજ સાંજે ૪:૩૦ કલાકે હજીરા (Hazira) ખાતેથી વર્ચ્યુઅલી કરવામાં આવશે.
દર સોમવારે તથા બુધવારે સાંજે હજીરા (Hazira) થી ઉપડીને ક્રુઝ (cruise) બીજા દિવસે સવારે દીવ આવશે તથા તે જ દિવસે સાંજે દીવ (Diu) થી ઉપડીને તેના પછીના દિવસે સવારે હજીરા (Hazira) પરત ફરશે. એક બાજુની મુસાફરી માટે અંદાજે ૧૩ થી ૧૪ કલાકનો સમય લાગશે.
૩૦૦ પેસેન્જરની કેપેસીટી ધરાવતા આ ક્રુઝમાં ૧૬ જેટલી કેબીન પણ આવેલી છે. આ ક્રુઝ અઠવાડીયામાં દીવની બે રાઉન્ડ ટ્રીપ કરશે, તથા શુક્રવાર, શનિવાર અને રવિવારનાં દિવસે સુરત હાઇ-સીમાં મુસાફરી કરાવશે. આ ક્રુઝ ગેમીંગ લાઉન્જ, વી.આઈ.પી. લાઉન્જ, એન્ટરટેઈનમેન્ટ ઓન ડેક વિગેરે આધુનિક સુવિધાઓથી સજ્જ છે.
ચાર માસ પૂર્વે જ માન. પ્રધાનમંત્રીનાં હસ્તે ‘હજીરા-ધોધા’ રો-પેક્સ સેવાની શરૂઆત ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી છે. માત્ર ૪ માસમાં ૧ લાખથી વધુ પેસેન્જર્સ તથા હજ્જારો વાહનો દ્વારા આ સેવાનો લાભ લીધેલ છે. આ સેવાની ભવ્ય સફળતા બાદ હજીરાથી દીવ માટેનાં ક્રુઝ સેવાની શરૂઆત કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનાં હસ્તે તા.૩૧.૩.૨૦૨૧નાં રોજ વર્ચ્યુઅલી કરવામાં આવી રહેલ છે.