કોરોનાએ સુરતને બાનમાં લીધું, કેસ વધતા મુખ્યમંત્રી, નાં.મુખ્યમંત્રીના સુરતમાં ધામા
આખા ગુજરાતમાં સૌથી વધુ કોરોના વિસ્ફોટ સુરત શહેર જિલ્લામાં થઈ રહ્યો છે. કેસની સામે મોતની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. જેને પગલે હાલ સુરતની હાલત ગંભીર સ્થિતિ પર આવીને ઉભી રહી ગઈ છે. જેના પગલે આખી ગુજરાત સરકાર જાણે આજે સુરતમાં આવી પહોંચી હોવાનો માહોલ સર્જાયો છે. હાલ આરોગ્ય સચિવ જયંતિ રવિ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે. જેને પગલે કલેક્ટરથી લઈને પાલિકા કમિશનર, આરોગ્ય વિભાગ સાથે જોડાયેલા તમામ ઉચ્ચઅધિકારીઓ સાથે બેઠક ચાલી રહી છે. જ્યારે બપોર બાદ 3 વાગ્યે મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના સંદર્ભે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ કરવાના છે.
સુરત શહેર જિલ્લાના કોરોનાનો વિસ્ફોટ થયો છે. અત્યાર સુધીમાં 68653 કેસ અને 1203 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે. ત્યારે આજે અચાનક આરોગ્ય સચિવ જયંતિ રવિ સુરત દોડી આવ્યા છે. હાલ મેડિકલ કોલેજ ડિન અને સિવિલ સુપ્રિટેન્ડન્ટ, કલેક્ટર, ખાસ ફરજ પરના અધિકારી, પાલિકા કમિશનર સાથે બેઠક શરૂ કરી છે. જેમાં કોરોના સંક્રમણને કાબૂમાં લેવા અંગે ચર્ચા ચાલી રહી છે.
સુરતમાં કોરોનાના કારણે મોતના આંકમાં વધારો થયો છે. આ સાથે સ્મશાનોમાં બેથી વધુ કલાકના વેઈટિંગ ચાલી રહ્યા છે. જોકે, તંત્ર દ્વારા મોતના આંકડા છુપાવીને લોકો સમક્ષ સંપૂર્ણ ગંભીર સ્થિતિ લાવી રહ્યા નથી. એક દિવસમાં 60થી વધુ કોરોના પ્રોટોકોલથી મૃતેદહોના અંતિમ સંસ્કાર થાય છે. જોકે, સાંજે પાલિકા દ્વારા માત્ર સાતથી આઠ દર્દીના જ કોરોનાથી મોત થયા હોવાનું જાહેર કરવામાં આવે છે.