ગુજરાતમાં લોકડાઉન અંગે નિર્ણય અમારી કમિટીની બેઠકમાં લેવાશે : મુખ્યમંત્રી
ગાંધીનગર :
રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ સંબોધી હતી. મુખ્યમંત્રી રૂપાણીએ ગુજરાત હાઇકોર્ટના કરફ્યુ લગાવવાના નિર્ણયને લઇને કહ્યુ કે, ગુજરાતમાં વિકેન્ડ કરફ્યુ અને લોકડાઉન વિશે હાઇકોર્ટના ડિરેક્શનનો સરકાર અભ્યાસ કરશે અને યોગ્ય નિર્ણય કરશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યુ કે, આજે હાઇકોર્ટના ચીફ જસ્ટિસની બેન્ચમાં ચર્ચા થઇ છે, કમલ ત્રિવેદી સાથે વાતચીત થઇ છે, આખો રિપોર્ટ ગાંધીનગરમાં મળશે તેના આધારે ચર્ચા વિચારણા કરી હાઇકોર્ટની જે લાગણી છે તે બદલ યોગ્ય નિર્ણય કરીશુ. હાઇકોર્ટે જે કહ્યુ છે તે સંદર્ભમાં અમારી મીટિંગ મળશે અને તેના આધારે નિર્ણય કરીશું.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યુ કે, દેશભરમાં કોરોનાના કેસ વધ્યા છે, ઝડપથી વેક્સીન લાગે તે જરૂરી છે. 4 મહાનગરોમાં સૌથી વધુ કેસ જોવા મળી રહ્યા છે, અત્યારે આપણી પાસે રસી અને માસ્ક જ હથિયાર છે. લોકો માસ્ક વગર બહાર ના જાય તે જરૂરી છે. CM રૂપાણીએ કહ્યુ કે માસ્ક પહેરનારા 98 ટકા લોકો કોરોનાથી બચી જાય છે. એક વર્ષથી પ્રજાના સહકારથી કોરોના સામે સંઘર્ષ કર્યો છે. રસી બધા લગાવે તેવી પણ મુખ્યમંત્રીએ વિનંતી કરી હતી. રસીકરણ કોરોના સામેનો સૌથી મોટો ઇલાજ હોવાનું પણ CM રૂપાણીએ જણાવ્યુ હતું.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરતમાં 300 વેન્ટીલેટર આપવાની જાહેરાત પણ કરી હતી. CM રૂપાણીએ કહ્યુ કે, રેમડેસિવીર ઇન્જેક્શનની અછત નહી સર્જાય. લોકડાઉન અંગે લોકોની ચિંતા વ્યક્ત કરતા મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યુ કે, ચિંતા ના કરો સરકારનું સ્પષ્ટ અભિગમ છે, કોરોના સામેના સંઘર્ષમાં કોઇને તકલીફ નહી પડે, લોકોને તકલીફ ના પડે તેની તકેદારીની સાથે સાથે કોરોના વાયરસ ના ફેલાય તે અમારી જવાબદારી છે.