વેપાર

લીંબુ, મોસંબી, સંતરાંના ભાવ હવે 120થી 160 સુધી થઈ ગયા

કોરોનાની મહામારીમાં ઘરગથ્થુ ઉપચારો અક્સીર સાબિત થઈ રહ્યા છે. એમાંય ખાસ કરીને વિટામિન- સી પૂરું પાડતાં એવાં લીંબુ, મોસંબી અને સંતરાં સહિતનાં ફ્રૂટ્સની માગમાં જબરદસ્ત વધારો થયો છે. પરિણામે, આ ફળોના ભાવો આસમાને પહોંચી ગયા છે. લીંબુ, મોસંબી, સંતરાંના ભાવો સામાન્ય રીતે પ્રતિકિલોના રૂપિયા 40થી 80 રહેતા હતા. એનો ભાવ હવે 120થી 160 સુધી થઈ ગયા છે.

લીંબુ, મોસંબી અને સંતરાં સહિતના ફ્રૂટ્સના ભાવોમાં વધારો થયો
કોરોનાની મહામારીમાં વિટામિન-સીની ઊણપ દૂર કરતા એવાં લીંબુ, મોસંબી અને સંતરાં સહિતનાં ફ્રુટ્સના ભાવોમાં વધારો થઇ ગયો છે. કોરોનાની મહામારીમાં લોકો લીંબુનો રસ, મોસંબીનો રસ અને સંતરાંનો રસ, વધુ પ્રમાણમાં પી રહ્યા છે. પરિણામે, આ તમામ ફ્રૂટ્સની માગમાં વધારો થયો છે.

ઉનાળામાં લીંબુની માગ રહેતી હોવાથી લીંબુના ભાવમાં વધારો થયો
વેપારીએ એસોસિયેશનના અગ્રણી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે ઉનાળામાં લીંબુની માગ રહે છે, જેને કારણે લીંબુના ભાવમાં વધારો થયો છે. ઉનાળામાં લીંબુની આવક ઓછી હોય છે. આ વખતે લીંબુની આવક કરતાં માગ વધુ હોવાને કારણે ભાવ વધી ગયા છે. એ જ રીતે વિટામિન-સીની ઊણપ દૂર કરતાં મોસંબી અને સંતરાંની માગમાં પણ વધારો થયો હોવાથી એના ભાવમાં વધારો થયો છે.

મોસંબી અને સંતરાંનો ભાવ પણ ડબલ થઈ ગયો
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સામાન્ય રીતે ઉનાળામાં લીંબુના ભાવ પ્રતિકિલો રૂપિયા 40થી 50 હોય છે. એને બદલે આ વખતે લીંબુના ભાવ પ્રતિકિલો રૂપિયા 130થી 150 જેટલો થઈ ગયો છે. તે જ રીતે મોસંબી અને સંતરાંનો ભાવ પણ ડબલ થઈ ગયો છે, એટલે કે 140થી 160માં પ્રતિકિલો વેચાઈ રહ્યાં છે. આ ભાવ આવનારા એક માસ સુધી રહે એવી શક્યતાઓ છે.

લીંબુ, સંતરાં, મોસંબીની આવક વધે નહીં ત્યાં સુધી રહેશે
વેપારી પંકજભાઈ પટેલે જણાવ્યું હતું કે કોરોનાની મહામારીને કારણે લીંબુ અને સંતરાં જેવાં વિટામિન- સી પૂરું પાડતાં ફળોના ભાવમાં 50 ટકા જેટલો વધારો થયો છે. ઉનાળાની ઋતુમાં લીંબુ, સંતરાં, મોસંબીની આવક ઓછી હોય છે, તેની સામે કોરોનાને કારણે માગમાં વધારો થઈ જતાં ભાવ ડબલ થઇ ગયા છે. આ ભાવવધારો જ્યાં સુધી લીંબુ, સંતરાં, મોસંબીની આવક વધે નહીં ત્યાં સુધી રહેવાની શક્યતાઓ છે.

આયુર્વેદિક ડોકટરો લીંબુ, મોસંબી, સંતરાં જેવાં ફળોનો રસ વધુ પીવાની સલાહ આપે છે
તેમણે ઉમેર્યું હતું કે કોરોનાની મહામારીમાં સ્વસ્થ રહેવા માટે લીંબુ પાણી, મોસંબીનો રસ અને સંતરાંનો રસ અકસીર ઇલાજ મનાય છે. આયુર્વેદિક ડોકટરો દ્વારા પણ હાલમાં ચાલતી કોરોનાની મહામારીમાં લીંબુ, મોસંબી, સંતરાં જેવાં ફળોનો રસ વધુ પીવાની સલાહ આપી રહ્યા છે, જેને કારણે લોકો અન્ય ફળો કરતાં લીંબુ, મોસંબી અને સંતરાં જેવાં ફળોની વધુ ખરીદી કરી રહ્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x