રાજ્યમાં કોરોનાની સ્થિતિ હજી વધુ વકરવાની શક્યતા, જાણો વધુ
સેકન્ડ વેવમાં કોવિડ-૧૯ના વાયરસમાં બદલાયેલા મ્યુન્ટન અને તેના ફેલાવાની ગતિના આધારે માત્ર ૧૨ જ દિવસમાં ગુજરાતમાં દૈનિક કેસોની સંખ્યામાં ત્રણ ગણો ઉછાળો આવ્યો છે. એપ્રિલ મહિનાના ૨૩ દિવસમાં જ વિક્રમજનક ૧,૫૯,૯૪૨ કેસ અને ૧,૫૦૦ દર્દીના મોત નોંધાયા છે. આ ગતિ ઉપર નજર રાખતા નિષ્ણાતો મે મહિનાના પ્રારંભે દૈનિક કેસોની સંખ્યા ૩૦ હજારથી વધુ અને મૃત્યુઆંક ૫૦૦ને પાર જવાની શક્યતાઓ બાંધી રહ્યા છે.
આમ કોરોનાની સ્થિતિ હજી વધુ વકરવાની શક્યતા છે ત્યારે સરકાર અને પ્રજાની સહિયારી ભાગીદારીથી સ્થિતિની તીવ્રતા ઓછી કરી શકાય એમ છે. ખાસ કરીને લોકો જવાબદારીપૂર્વક વર્તે અને રસી લઇ લે, માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે, ગેધરિંગમાં જવાનું ટાળે અને વારંવાર હાથ ધોવે તે સમયની તાતી માંગ છે અન્યથા સરકારના કોરોનાને નિયંત્રિત કરવાના પ્રયાસો પણ નિષ્ફળ જઇ શકે છે.
ગુજરાત સરકારની કોવિડ ટાસ્ક ફોર્સના તજજ્ઞા ડોક્ટરો પહેલાથી જ યુરોપ અને અમેરિકાના સેકન્ડ વેવ સાથે ભારતની તુલના કરી રહ્યા છે. યુરોપના દેશમાં અઢી મહિના સુધી કોરોનાનો કહેર રહ્યો હતો. ભારતમાં અને વિશેષતઃ ગુજરાત- મહારાષ્ટ્રમાં માર્ચના છેલ્લા મહિનાથી શરૂ થયેલો સેકન્ડ વેવ ઓછામાં ઓછા જુન- જુલાઈ ચાલશે તેવી ધારણા બાંધી રહ્યા છે.
બીજી તરફ નિષ્ણાતોએ અગાઉ ગુજરાતમાં દૈનિક કેસની સંખ્યા ૭,૦૦૦થી ઉપર જશે તે પછી ઘટાડો આવશે એવી આગાહી કરી હતી, પરંતુ એને બદલે કેસ સતત વધીને ૧૩,૦૦૦ને પણ પાર કરી ગયા છે, ત્યારે હવે આ જ નિષ્ણાતો મે મહિનામાં કેસનો આંકડો ૩૦,૦૦૦ની સપાટીને વટાવે એવી શક્યતા વ્યક્ત કરે છે. કોરોના સામેની લડાઈમાં ફરજિયાત વેક્સિનેશન અને SMS એટલે કે સોસિયલ ડિસ્ટન્સ, માસ્ક અને વારંવાર હાથ ધોવા સેનિટાઈઝેશન કરવુ તે જ મજબૂત હથિયાર છે.