ગુજરાત

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કોરોના પોઝિટિવ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાવાયરસનું સંક્રમણ અટકવાનું નામ નથી લઈ રહ્યું. કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં દરરોજ રેકોર્ડબ્રેક કોરોના કેસ સામે આવી રહ્યા છે. એવામાં હવે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નીતિન પટેલ પણ કોરોના સંક્રમિત હોવાની વિગતો મળી રહી છે. તેમને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ગઈકાલે અને આજે સવારે પણ તેઓ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે હતા.

નીતિન પટેલ કોરોના પોઝિટિવ
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ટ્વિટ કરીને પોતે કોરોના પોઝિટિવ હોવાની જાણકારી આપી હતી. તેમણે લખ્યું હતું કે, મને કોરોનાનાં સામાન્ય લક્ષણો જણાતા મેં કોરોનાનો RT-PCR ટેસ્ટ કરાવેલ હતો. જેનો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. ડૉક્ટરોની સલાહ પર હું યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યો છું. મારી આપ સૌને આગ્રહભરી વિનંતી છે કે હાલમાં મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને પોતે સ્વસ્થ છે તેની કાળજી લેવા વિનંતી.

બે દિવસથી અમિત શાહ અને વિજય રૂપાણી સાથે હતા
નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલ ગઈકાલે દિવસભર રાજ્ય સરકાર, રક્ષા મંત્રાલય અને ગૃહ મંત્રાલયની સહાયતાથી અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર તૈયાર થતી 950 બેડની ધન્વંતરી કોવિડ હોસ્પિટલના નિરીક્ષણ માટે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ઉપસ્થિત હતા. આ ઉપરાંત આજે સવારે પણ ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલ, કોલવડા ખાતે 300 લીટર પ્રતિ મિનિટની ક્ષમતા ધરાવતા PSA ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્‌ઘાટન સમયે ઉપસ્થિત હતા. આ દરમિયાન તેઓ અનેક ટોચના અધિકારીઓ તથા રાજનેતાઓના સંપર્કમાં આવ્યા હતા.

સી.આર પાટીલે જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે પણ ટ્વીટ કરીને નાયબ મુખ્યમંત્રી જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના કરી હતી. તેમણે ટ્વીટ કર્યું હતું કે, ‘નાયબ મુખ્યમંત્રી @Nitinbhai_Patel કોરોના સંક્રમિત થયા હોવાનાં સમાચાર મળ્યા, આપ શીઘ્ર સ્વસ્થ થાવ અને ગુજરાતની સેવામાં ઝડપથી પાછા ફરો એવી ઇશ્વરને પ્રાર્થના કરું છું.’

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા પણ થયા હતા કોરોના સંક્રમિત
રાજ્યમાં મંત્રીઓ તથા ધારાસભ્યો કોરોના સંક્રમિત આવી રહ્યા છે. 16 દિવસ પહેલા જ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને ભાજપના નેતા આઈ.કે.જાડેજાને પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. તબીબી સલાહ પ્રમાણે, તેમને અમદાવાદ ખાતેની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત IAS પંકજ કુમાર અને તેમનો પરિવાર પણ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા.

અત્યાર સુધી કોરોનાગ્રસ્ત થયેલા ધારાસભ્યો, મંત્રીઓ અને સાંસદો

વિજય રૂપાણી મુખ્યમંત્રી
ઈશ્વર પટેલ રાજ્યકક્ષાના મંત્રી
બાબુ જમના પટેલ ધારાસભ્ય
શૈલેશ મહેતા ધારાસભ્ય
વિજય પટેલ ધારાસભ્ય
ભીખા બારૈયા ધારાસભ્ય
પુંજા વંશ ધારાસભ્ય
ભરતજી ઠાકોર ધારાસભ્ય
નૌશાદ સોલંકી ધારાસભ્ય
કેશુભાઈ પટેલ પૂર્વ મુખ્યમંત્રી
હર્ષ સંઘવી ધારાસભ્ય
કિશોર ચૌહાણ ધારાસભ્ય
નિમાબહેન આચાર્ય ધારાસભ્ય
બલરામ થાવાણી ધારાસભ્ય
પૂર્ણેશ મોદી ધારાસભ્ય
જગદીશ પંચાલ ધારાસભ્ય
કેતન ઈનામદાર ધારાસભ્ય
વી.ડી. ઝાલાવાડિયા ધારાસભ્ય
રમણ પાટકર રાજ્યકક્ષાના મંત્રી
પ્રવીણ ઘોઘારી ધારાસભ્ય
મધુ શ્રીવાસ્તવ ધારાસભ્ય
ધર્મેન્દ્રસિંહ જાડેજા રાજ્યકક્ષાના મંત્રી
ગોવિંદ પટેલ ધારાસભ્ય
અરવિંદ રૈયાણી ધારાસભ્ય
રાઘવજી પટેલ ધારાસભ્ય
જયેશ રાદડિયા કેબિનેટ મંત્રી
અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી
ડો.કિરીટ સોલંકી સંસદસભ્ય
રમેશ ધડુક સંસદસભ્ય
હસમુખ પટેલ સંસદસભ્ય
અભય ભારદ્વાજ સંસદસભ્ય
જિજ્ઞેશ મેવાણી ધાારાસભ્ય

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x