રાષ્ટ્રીય

દેશમાં રેકોર્ડ 3.86 લાખ નવા કોરોના કેસ નોંધાયા

કોરોનાને કારણે દેશમાં પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ છે. આનો અંદાજ લગાવી શકાય છે કે હવે દેશમાં દર 100 લોકોમાં 21થી વધુ કોરોના પોઝિટિવ જોવા મળી રહ્યા છે. આ અઠવાડિયામાં ટેસ્ટ પોઝિટિવિટી દર 21.51 રહ્યો છે. ગયા અઠવાડિયે આ પોઝિટિવિટી દર 18.32% હતો. એનો અર્થ એ કે એ સમયે દર 100 લોકોમાંથી ફક્ત 18 લોકો જ પોઝિટિવ મળતા હતા.

ગુરુવારે પ્રથમ વખત એક જ દિવસમાં 3 લાખ 86 હજાર 854 નવા દર્દીની પુષ્ટિ કરવામાં આવી છે. 24 કલાકમાં નોંધાયેલા નવા દર્દીઓની આ સૌથી મોટી સંખ્યા છે. અગાઉ 28 એપ્રિલના રોજ 3.79 લાખ દર્દીઓની ઓળખ થઈ હતી. આ સિવાય 24 કલાકમાં 3,501 લોકોનાં મોત થયાં છે. આ સતત ત્રીજો દિવસ હતો, જ્યારે ત્રણ હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. આ પહેલાં બુધવારે 3,646 મૃત્યુ નોંધાયાં હતાં. રાહતની વાત છે કે આ 24 કલાકમાં 2 લાખ 91 હજાર 484 લોકો સ્વસ્થ થયા અને તેમના ઘરે ગયા.

જ્યારે દેશમાં 10 લાખ એક્ટિવ કેસ હતા ત્યારે હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજન, દવાઓ અને વેન્ટિલેટરની અછત હતી. હવે આ આંકડો 31 લાખથી વધુ પર પહોંચી ગયો છે. તેમાં દરરોજ એક લાખથી વધુનો વધારો થઈ રહ્યો છે. જો સક્રિય કેસની સંખ્યામાં આ રીતે જ વધારો થતો રહ્યો, એટલે કે દર્દીઓની સારવાર કરવામાં આવે છે, તો આગામી દિવસોમાં આખા દેશમાં મુશ્કેલીઓ ખૂબ વધી જશે. હાલમાં જે સંસાધનો એકઠાં કરવામાં આવી રહ્યાં છે એ ફક્ત 10% દર્દીઓ માટે જ કામ આવી શકશે, બાકીના 90% દર્દીઓએ અવ્યવસ્થાનો ભાર સહન કરવો પડશે.

દેશમાં કોરોના મહમારીના આંકડા
છેલ્લા 24 કલાકમાં કુલ નવા કેસ આવ્યા: 3.86 લાખ
છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુ: 3,501
છેલ્લા 24 કલાકમાં કુલ રિકવરી: 2.91 લાખ
અત્યારસુધીમાં કુલ કેસ: 1.87 કરોડ
અત્યારસુધી સાજા થયા: 1.53 કરોડ
અત્યારસુધીમાં કુલ મૃત્યુ: 2.08 લાખ
હાલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની કુલ સંખ્યા: 31.64 લાખ

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x