દેશમાં કોરોનાને રોકવા લોકડાઉન જરૂરી, કોવિડ-19 ટાસ્ક ફૉર્સની સરકારને સલાહ
કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેરે આખા દેશમાં કોહરામ મચાવી દીધો છે. દરરોજ કોરોનાના નવા કેસો રેકૉર્ડ તોડી રહ્યા છે. શુક્રવારની વાત કરીએ તો કોરોનાના નવા કેસોનો આંકડો 4 લાખના આંકડાને પણ પાર કરી ગયો છે. કોરોનાના વધતા કેસોને જોતા કોવિડ-19 ટાસ્ક ફોર્સના સભ્યોએ કેન્દ્ર સરકારથી રાષ્ટ્રીય લોકડાઉન લગાવવાની અપીલ કરી છે. દેશમાં અત્યારે કોરોના સંક્રમણમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે.
કોરોનાની બીજી લહેર પહેલા કરતા વધારે ખતરનાક છે. કોવિડ-19 ટાસ્ક ફોર્સ પ્રમાણે કોરોના ઝડપથી પોતાનું રૂપ બદલી રહ્યો છે, જેના કારણે કોરોના પર કાબૂ મેળવવો મુશ્કેલ થઈ ગયો છે. ટાસ્ક ફોર્સે ભારપૂર્વક કહ્યું છે કે જો આ જ રીતે કોરોનાના કેસો વધતા રહ્યા તો દેશમાં સ્વાસ્થ્ય માળખુ સંપૂર્ણ રીતે તૂટી જશે. ઉલ્લેખનીય છે કે ભારતમાં શનિવારના 4.01 લાખથી વધારે કેસ સામે આવ્યા, જ્યારે 3,523 લોકોના મોત થયા. કોવિડ ટાસ્ક ફોર્સમાં એમ્સ અને આઈસીએમઆર જેવા પ્રમુખ સ્વાસ્થ્ય સંસ્થાઓના નિષ્ણાતો સામેલ છે.
કોરોનાના વધતા કેસને જોતા આ અધિકારીઓની અનેકવાર બેઠક થઈ ચુકી છે. આ બેઠકમાં જે પણ વાત રાખવામાં આવે છે તેની જાણકારી ટાસ્ક ફોર્સના અધ્યક્ષ વી.કે. પોલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુધી પહોંચાડે છે. ઉલ્લેખનીય છે કે દેશમાં ઝડપથી વધી રહેલા કોરોનાના કેસોને જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 20 એપ્રિલના રાષ્ટ્રના નામે સંબોધમાં સ્પષ્ટ કહ્યું હતુ કે, તમામ લોકોએ મળીને લોકડાઉનથી બચવાનો પ્રયત્ન કરવો જોઇએ. તેમણે કહ્યું હતુ કે લોકડાઉન ફક્ત અંતિમ ઉપાય તરીકે હોવું જોઇએ.