ધોરણ.12 બોર્ડની પરીક્ષાઓને લઈ CM રૂપાણીએ આપ્યું મહત્વપૂર્ણ નિવેદન
ગુજરાત સરકારે કોરોનાના અસામાન્ય સંજોગોને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં ધોરણ-10ની SSC બોર્ડની પરીક્ષાઓ રદ કરી હતી. ધોરણ-10ના નિયમિત વિદ્યાર્થીઓને પરીક્ષા વગર જ ઉપલા વર્ગ માટે માસ પ્રમોશન આપવાનું જાહેર કર્યુ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને ગુરૂવારે કોરગ્રુપની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.
HSC બોર્ડને આધિન ધોરણ- 12ની પરીક્ષાઓ યોજવી કે નહીં, કે પછી ધો.10ની જેમ માસ પ્રમોશન આપવું આ સંદર્ભે આજે એક બેઠક મળી હતી. જેમાં સર્વાનુંમતે ધો.12ની બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નહીં આપવાનો નિર્ણય કર્યો છે અને કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણમાં આવ્યા પછી પરીક્ષા લેવાશે.
ધોરણ. 12ની બોર્ડની પરીક્ષા મુદ્દે મુખ્યમંત્રી રૂપાણીએ આજે એક નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, ધો. 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નહીં અપાય, કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણમાં આવ્યા પછી પરીક્ષા લેવાશે. માસ પ્રમોશન આપવાથી કોલેજ પ્રવેશમાં મુશ્કેલી સર્જાઈ શકે છે. જેના કારણે શિક્ષણ વિભાગના અધિકારીઓ અને શિક્ષણમંત્રી સાથેની બેઠક બાદ આ નિર્ણય લીધો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ ધોરણ-10માં નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાના નિર્ણય બાદ ધોરણ-12 સંદર્ભે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડસામાએ હાલના તબક્કે HSC સિવાય બીજો કોઈ નિર્ણય કર્યો નથી. તેમ કહીને HSC માટે અગાઉ નક્કી કર્યા મુજબ પરીક્ષા યોજવાનો નિર્ણય યથાવત હોવાનું ઉમેર્યુ હતુ.