‘તાઉ તે’ વાવાઝોડાથી થયેલ નુકસાની વળતર માટે PM મોદીએ ગુજરાત માટે 1000 કરોડના પેકેજની કરી જાહેરાત
ગાંધીનગર :
ભાવનવગર, અમરેલી અને ગીર સોમનાથના હવાઈ નિરીક્ષણ બાદ પ્રધાનમંત્રી મોદીએ ગુજરાત માટે 1000 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. તાઉ તેનો સૌથી વધારે ભોગ બનેલા ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથનું હવાઈ સર્વેક્ષણ કર્યાં બાદ પ્રધાનમંત્રીએ ગુજરાત માટે 1000 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે.
વાવાઝોડામાં મોતને ભેટેલા લોકોના પરિવારજનોને 2-2 લાખની તથા ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત કરવામાં આવી છે. પ્રભાવિત વિસ્તારોના આકલન માટે એક કેન્દ્રીય ટીમ પણ ગુજરાત આવશે અને જાત માહિતી મેળવીને સરકારને રિપોર્ટ આપશે. સર્વે માટે એક ટીમ પણ ગુજરાત આવશે.
ગુજરાતમાંથી વાવઝોડુ આગળ વધીને હવે રાજસ્થાન તરફ વળ્યુ છે. ત્યારે ગુજરાતમાં વાવાઝોડાએ વિનાશ સર્જતા હજારો કરોડોનું નુકસાન કર્યું છે. રાજ્યમાં વાવાઝોડાના કારણે થયેલા નુકસાનને લઈને ડિઝાસ્ટર વિભાગ દ્વારા પ્રાથમિક સર્વેનો ડેટા જાહેર કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યમાં 3000 કરોડનું નુકસાન થયું હોવાનું કહેવામાં આવ્યું છે. સાથે જ કૃષિ, ઉર્જા અને માર્ગ મકાન સેક્ટરમાં મોટુ નુકસાન થયું છે. ઉર્જા સેક્ટરમાં અંદાજે 1400 કરોડનું નુકસાન થયું છે. ત્યારે કૃષિ ક્ષેત્રમાં 1200 કરોડના નુકસાનનો અંદાજો લગાવવામાં આવ્યો છે. વાવાઝોડાએ કેરીના પાકને ખૂબ નુકસાન પહોંચાડ્યું છે. સૌરાષ્ટ્રમાં 13800 હેક્ટરમાં આવેલા આંબાના વૃક્ષો વાવાઝોડાની ઝપેટમાં આવતા 60 કરોડનું નુકસાન થયું છે. રોડ અને બિલ્ડીંગ ક્ષેત્રમાં અંદાજે 50 કરોડનું નુકસાન થયુ છે જ્યારે અન્ય ક્ષેત્રોમાં 350 કરોડના નુકસાનનો અંદાજ લગાવવામાં આવ્યો છે.
તાઉ તે વાવાઝોડાએ ગુજરાતમાં જે વિનાશ સર્જો તેમાં જાનમાલનું પણ નુકશાન થયું છે. ગુજરાતમાં વાવાઝોડાના કારણે કુલ 45 લોકોના મોત થયા છે. અનેક જગ્યાએ મકાનો, વૃક્ષો, વીજપોલ ધરાશાયી થયા છે. જ્યારે અનેક પશુઓના પણ મોત થયા છે.