મુંબઈમાં બુધવારથી ચોમાસાની શરૂઆત
દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના ડેપ્યૂટી ડિરેક્ટર જનરલ ડૉ. જયંતા સરકારે દાવો કર્યો છે કે, મુંબઈમાં બુધવારથી ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. તેમણે જણાવ્યું કે, સામાન્ય રીતે 10થી 12 જૂન સુધી મુંબઈમાં ચોમાસું પહોંચતું હોય છે, પરંતુ આ વખતે સમય કરતાં પહેલાં ચોમાસું મુંબઈ પહોંચી ગયું છે. પરિણામે 9થી 12 જૂન દરમિયાન મુંબઈમાં ભારે વરસાદ થવાની શક્યતા ચે. દરિયામાં હાઈટાઈડ આવવાની પણ શક્યતા છે. આ દરમિયાન 4થી 5 મીટરની લહેરો ઉંચી ઉઠી શકે છે.મુંબઈમાં બુધવારે સવારથી વરસાદ થઈ રહ્યો છે. શહેરના કિંગ સર્કલ, સાયન, અંઘેરી, ચેમ્બુર, બોરિવલી, કાંદિવલી અને ઘાટકોપર વિસ્તારોમાં ઘૂંટણી સુધી પાણી ભરાઈ ગયા છે. ઘણાં વિસ્તારોમાં ગાડીઓ રસ્તા પર ફસાઈ ગઈ છે. BMC અને પોલીસ વિભાગના કર્મચારી રસ્તા પર તહેનાત કરવામાં આવ્યા છે. વર્કિંગ દિવસ હોવાના કારણે લોકોને ઓફિસ જવામાં મુશ્કેલી થઈ રહી છે.
મહારાષ્ટ્રના આ જિલ્લામાં પણ ભારે વરસાદ
મુંબઈ સિવાય દરિયા કિનારાના કોંકણના સિંધુદુર્ગ, પાલઘર અને થાણેના ઘણાં વિસ્તારોમાં આગામી એકથી બે દિવસમાં ભારે વરસાદ થવાનો અંદાજ રજૂ કરવામાં આવ્યો છે. IMDએ મહારાષ્ટ્રમાં શનિવારે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું પહોંચવાની આગાહી કરી દીધી છે. અત્યારે ચોમાસું દરિયા કિનારાના રત્નાગિરી જિલ્લાના હરનાઈ બંદરે પહોંચ્યું છે.