જમ્મુ-કાશ્મીરના બારામૂલા સોપોરમાં આતંકી હુમલો
જમ્મુ-કાશ્મીરના બારામૂલામાં આતંકીઓએ શનિવારે પોલીસ અને CRPFની ટીમને નિશાન બનાવી. સોપોરમાં આતંકીઓએ ટીમ પર ગોળીઓનો વરસાદ કર્યો. હુમલામાં બે પોલીસ કર્મચારીઓ શહીદ થયા અને બે નાગરિકોના મૃત્યુ થયા. વિસ્તારને હાલ ઘેરીને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
કાશ્મીર IG વિજય કુમારે જણાવ્યું કે હુમલાની પાછળ લશ્કર-એ-તૈયબાના આતંકીઓનો હાથ છે. હુમલામાં બે પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા છે. તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે.
માર્ચમાં પણ બે જવાનો શહીદ થયા હતા
આ પહેલા માર્ચમાં લશ્કર-એ-તૈયબાના આતંકીઓએ CRPFની પેટ્રોલિંગ પાર્ટી પર ફાયરિંગ કર્યું હતું. આ હુમલો શ્રીનગરના બહારી વિસ્તાર લવેપોરામાં કરવામાં આવ્યો હતો. હુમલામાં બે જવાનો શહીદ થયા હતા. હુમલામાં 3 જવાનો ઘાયલ થયા હતા. આ પૈકીના એકે સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો હતો.
14 માર્ચે પણ થયું હતું એન્કાઉન્ટર
આ હુમલાના 11 દિવસ પહેલા 14 માર્ચે પણ સુરક્ષાદળો અને આતંકીઓની વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. તેમાં સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કર્યો હતો. આ ઓપરેશન શોપિયાના રાવલપોરા વિસ્તારમાં આખી રાત ચાલ્યુ હતું તે પછી બીજા દિવસે રવિવારે લશ્કર એ તૈયબા સાથે જોડાયેલા આતંકી જહાંગીર અહમદ વાનીને ઠાર કરવામાં આવ્યો હતો. આ એન્કાઉન્ટર વાળી જગ્યાએથી M4 કાર્બાઈન રાઈફલ પણ મળી હતી. આ રાઈફલનો ઉપયોગ અમેરિકાની મિલિટ્રી કરે છે.