આજે કટોકટીની વર્ષગાંઠ, જાણો ઇન્દિરા ગાંધીએ જાહેર કરેલી ઇમરજન્સીની કેટલીક વરવી વાસ્તવિક્તાઓ
ભારતમાં કટોકટીની ઘટનાને ચાર દાયકાથી વધુ સમય વીતી ચૂક્યો છે, ભારતના ઇતિહાસમાં આ પ્રથમ ઘટના હતી કે જ્યારે દેશ આવા તબક્કામાંથી પસાર થયો હોય. દેશમાં કટોકટીની ઘોષણા સાથે, દેશના નાગરિકોના તમામ અધિકાર પણ સમાપ્ત થઈ ગયા. આ સાચા અર્થમાં શાસક પક્ષ અને લોકો વચ્ચેના સંઘર્ષની શરૂઆત હતી. જેમાં અંતિમ વિજય પણ લોકોનો હતો.
વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ 25-26 જૂન 1975 ની રાત્રે દેશમાં કટોકટીની ઘોષણા કરી. જેની પાછળનું મોટું કારણ એ હતું કે ઇન્દિરા ગાંધીને કોર્ટ દ્વારા સત્તામાંથી હાંકી કાઢવાનો ડર હતો. આ ઇમરજન્સી 21 માર્ચ, 1977 સુધી 21 મહિના માટે લાદવામાં આવી હતી.
તો ચાલો આપણે કટોકટીના એ દિવસોને યાદ કરીએ.
હકીકતમાં, 12 જૂન 1975માં અલ્હાબાદ કોર્ટના નિર્ણયથી ઈન્દિરા ગાંધીની રાજકીય કારકિર્દી પર જોખમ વધ્યું હતું. ન્યાયાધીશ જગમોહન લાલસિંહાએ 1971ની ચૂંટણીમાં ગેરરીતિ બદલ ઇન્દિરાને દોષિત ઠેરવ્યા બાદ છ વર્ષ માટે સંસદનું સભ્યપદ રદ કર્યું હતું. એટલું જ નહીં કોર્ટે તેમને છ વર્ષ સુધી ચૂંટણી લડવાની મનાઈ ફરમાવી હતી. તે ઈન્દિરા ગાંધીના રાજકીય જીવનમાં ભૂકંપ સમાન હતું.
કોર્ટના આદેશ બાદ ઈન્દિરા ગાંધી ખૂબ જ વ્યથિત થયા હતા. એવું માનવામાં આવે છે કે ઇન્દિરા ગાંધીએ રાજીનામું આપવાનું મન બનાવી લીધું હતું. પરંતુ, તે સમયે ઇન્દિરા ગાંધીનું મન બદલવાનું કામ સંજય ગાંધીએ કર્યું હતું. તેમણે ઇન્દિરા ગાંધીને સલાહ આપી કે તેઓ કટોકટી જાહેર કરીને આ સમસ્યાથી બચી શકે છે. તે સમયે સંજય ગાંધી ઇન્દિરા ગાંધીના સૌથી મોટા સલાહકાર પણ હતા. સંજય ગાંધીની આ સલાહ બાદ ઈન્દિરા ગાંધીએ કટોકટી જાહેર કરી હતી. જોકે ઈંદિરા ગાંધીને 24 જૂનના રોજ કોર્ટના નિર્ણય પર સ્ટે મળ્યો હતો, તે પછી પણ તેમણે કટોકટી જાહેર કરી હતી.
કટોકટીની ઘોષણાની સાથે, આખો દેશ કોંગ્રેસ વિરુદ્ધ વિપક્ષ બની ગયો હતો. ઈન્દિરા ગાંધીના આ નિર્ણય સામે પ્રથમ રણશિંગુ લોકનાયક જય પ્રકાશ નારાયણ દ્વારા ફૂંકાયું હતું. તેમણે દિલ્હીના રામલીલા મેદાન ખાતે એક વિશાળ રેલી યોજી હતી. અને લોકોને આ નિર્ણયની વિરુદ્ધ ઉભા થવા હાંકલ કરી હતી. જયપ્રકાશ નારાયણે દેશવાસીઓને ઈન્દિરા ગાંધીને સત્તામાંથી હાંકી કાઢવા અપીલ કરી હતી.
લોકનાયકની અપીલ દેશભરમાં અગ્નિની જેમ ફેલાઈ હતી. ઈન્દિરા ગાંધીની વિરુદ્ધ દેશભરના લોકો એકસંપ થયા હતા. દેશભરમાં દેખાવોનો દૌર શરૂ થઈ ગયો હતો. તે સમયે, સરકાર દ્વારા આ પ્રદર્શનોને રોકવા ભરપૂર પ્રયાસો થયા હતા. હજારો લોકોની ધરપકડ કરી જેલમાં ધકેલી દેવાયા. સરકાર દ્વારા 100થી વધારે સંગઠનો પર પણ પ્રતિબંધ મૂકાયો હતો.
ઈન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી કટોકટી દરમિયાન મીડિયાની સ્વતંત્રતા પણ છીનવી લેવામાં આવી હતી. અખબારોમાં આવતા દરેક સમાચારો પહેલા જોવામાં આવતા હતા અને તે પછી જ તેને પ્રકાશિત કરવાની મંજૂરી અપાઇ હતી. સરકારે મનસ્વી અખબારો રાતોરાત બંધ રાખવાની ઝુંબેશ શરૂ કરી હતી. બીજી તરફ, જેપીના આંદોલનથી આખો દેશ એક થઈ ગયો. દેશના ખૂણે ખૂણે સરકાર વિરોધી વિરોધ શરૂ થયો. તેમનો હેતુ માત્ર ઇન્દિરા ગાંધીની આગેવાનીવાળી સરકારને હટાવવાનો હતો.
દેશના ખૂણે ખૂણે રાજકારણીઓની ધરપકડ કરવામાં આવી રહી હતી. જનસંઘના ઘણા મોટા અને નાના નેતાઓને કેદ કરવામાં આવ્યા હતા. દેશના પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને પણ આ સમયગાળા દરમિયાન જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા હતા. જેલમાં હતા ત્યારે તેમણે ઈંદિરા ગાંધીના શાસન વિરુદ્ધ એક કવિતાની રચના કરી હતી, જે પાછળથી ખૂબ પ્રખ્યાત થઈ હતી.
આ સમયગાળામાં દેશમાં અનેક નારાઓ ગુંજતા થયા હતા. જેમાં ભૂતપૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પણ એક સૂત્ર આપ્યું હતું ” जेल का ताला टूटेगा, जॉर्ज हमारा छूटेगा” તે સમયે જ્યારે આખા દેશમાં ઇન્દિરા ગાંધી વિરુદ્ધ દેખાવો થયા હતા, તે જ સમયે સુષ્મા અને જ્યોર્જ ફર્નાન્ડિઝ પણ આ અભિયાનને આગળ વધારવામાં રોકાયેલા હતા. તે સમયે તે ટ્રેડ યુનિયનના મોટા નેતા હતા. ધરપકડ ટાળવા માટે તે સતત પોતાનો વેશ બદલી રહ્યા હતા. જ્યારે તેમની ધરપકડ કરી જેલમાં ધકેલી દેવામાં આવી. ત્યારે સુષ્માએ આ સૂત્ર આપ્યું હતું. તે સમયે, સુષ્માએ કટોકટીની વિરુદ્ધ લોકોને જાગૃત કર્યા જ નહીં, પરંતુ આ અભિયાનને આગળ ધપાવવા અંગે બ્લુપ્રિન્ટ પણ તૈયાર કરી હતી.
કટોકટી અને તેના વિરોધના પરિણામનું પરિણામ એ હતું કે 1977 ની ચૂંટણીમાં ઇન્દિરા ગાંધીની પોતાની બેઠક ગુમાવી હતી. તેમને પીએમ હાઉસ છોડવાની ફરજ પડી હતી. તે ઇન્દિરા ગાંધી માટે ખૂબ જ શરમજનક ક્ષણ હતી.