રાજકીય પાર્ટીઓએ છેલ્લા બે વર્ષમાં જાહેરાતો પાછળ આટલા કરોડ ખર્ચ્યા
ચૂંટણીઓ પાછળ રાજકીય પક્ષો કરોડો રૂપિયા ખર્ચી નાખે છે. ચૂંટણી નજીક આવતા જ ટીવીમાં જાહેરાત, સમાચાર પત્રો અને રસ્તા પર બેનરોમાં રાજકીય નેતાઓના મોટા મોટા ફોટોઝ છપાય છે. આ જાહેરાતો અને પ્રચાર પાછળ રાજકીય પાર્ટીઓ અધધ ખર્ચો કરી નાખે છે અને કેટલીક વાર તેને લઇને વિવાદ પણ સર્જાય છે.
હાલમાં જ ગુજરાતની આગામી વિધાનસભા ચૂંટણીને લઇને દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલની જાહેરાતો અખબારોમાં છપાવા લાગી જેને લઇને ભાજપે તેમના પર નિશાનો સાધ્યો હતો. ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ દિલ્લી સરકારની જાહેર ખબરો પર સવાલો ઉઠાવ્યા હતા. ભાજપે કેજરીવાલ સરકાર પર ટિપ્પણી કરતા કહ્યુ કે, દિલ્લી સરકાર જાહેરાત પર વધારે ખર્ચ કરવાના બદલે કોરોનામાં જે બાળકોએ પોતાના માતા-પિતા ગુમાવ્યા છે તેમની મદદ કરવા પાછળ વધુ ખર્ચ કરવો જોઇએ.
આરોપોને બાજુએ મુકીને જો આપણે આંકડાઓની વાત કરીએ તો હાલમાં જ ગુગલે એક રિપોર્ટ જાહેર કર્યો છે, જે પ્રમાણે ભાજપે ફેબ્રુઆરી 2019 થી લઇને હમણાં સુધીમાં ગુગલના વિવિધ પ્લેટફોર્મ પર જાહેરાત પાછળ લગભગ 17.63 લાખ રૂપિયા ખર્ચી નાખ્યાં છે. કૉગ્રેસે જાહેરાત પાછળ 3 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. આ તો ફક્ત ગુગલમાં આપેલી જાહેરાતનો ખર્ચ છે, આ સિવાય પ્રચારના અન્ય વિકલ્પો પાછળ પણ મોટા પ્રમાણમાં ખર્ચ કરવામાં આવ્યો છે.
આ સમયગાળા દરમિયાન એક વર્ષ તો કોરોના મહામારીનો હતો. કોરોનાકાળમાં જ્યારે દેશભરના લોકો લૉકડાઉન અને પ્રતિબંધો વચ્ચે ફસાયેલા હતા, ત્યારે દેશની સરકારો જાહેરાતો અને પ્રચારમાં કરોડો રૂપિયા ખર્ચી રહી હતી. ફક્ત કેજરીવાલ જ નહી પરંતુ દેશની બધી જ રાજકીય પાર્ટીઓનો જાહેરાત પાછળનો ખર્ચ કરોડો રૂપિયામાં છે.