ગાંધીનગર

જિલ્લાની 204 શાળામાં ધો.9થી 12ના પુસ્તકો હજુ મળ્યા જ નથી!

કોરોના કાળ દરમિયાન નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ બે મહિના અગાઉ થઈ ગયો છે. ઓનલાઈન શિક્ષણ બાદ હવે ઓફલાઈન પણ વર્ગો શરૃ કરવામાં આવી રહયા છે ત્યારે ગાંધીનગર જિલ્લામાં દસ સરકારી અને ૧૯૪ જેટલી ગ્રાન્ટેડ શાળાઓમાં યોજના અંતર્ગત આપવામાં આવતાં ધો.૯થી ૧રના મફત પાઠયપુસ્તકો હજુ સુધી મળ્યા નથી જેના કારણે વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ ચિંતામાં મુકાયા છે. ખાનગી દુકાનોમાંથી પણ પુસ્તકો નહીં મળતાં વિદ્યાર્થીઓ અભ્યાસ કેવી રીતે શરૃ કરવો તેની મૂંઝવણમાં મુકાઈ ગયા છે.

ગત માર્ચ ર૦૨૦થી શરૃ થયેલો કોરોનાનો કાળ હજી સમવાનું નામ લેતો નથી ત્યારે આવી સ્થિતિમાં પણ સરકાર દ્વારા શૈક્ષણિક સત્રનો તા.પ જુનથી પ્રારંભ કરી દેવામાં આવ્યો હતો. જો કે વિદ્યાર્થીઓને શાળાએ નહીં બોલાવવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી અને સરકારી અને ખાનગી શાળાઓ દ્વારા ઓનલાઈન વર્ગો શરૃ કરી દેવામાં આવ્યા હતા. જો કે શૈક્ષણિક સત્ર શરૃ થયા બાદ પાઠયપુસ્તકોના અભાવે વિદ્યાર્થી વાલીઓની સાથે શિક્ષકો પણ મુંઝાયા હતા. ધીરેધીરે ખાનગી દુકાનોમાં આ પુસ્તકો પહોંચતા થઈ ગયા હતા પરંતુ સરકાર દ્વારા સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં મફત પુસ્તકો આપવામાં આવતાં હોય છે તે યોજના અંતર્ગત હજુ શાળાઓમાં આ પુસ્તકો નહીં પહોંચતાં વિદ્યાર્થીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. ગાંધીનગર જિલ્લામાં ધો.૯થી ૧રનો અભ્યાસ કરાવતી ૧૦ જેટલી સરકારી શાળા અને ૧૯૪ જેટલી ગ્રાન્ટેડ શાળાઓમાં દર વર્ષે સરકાર દ્વારા મફત પાઠયપુસ્તક પહોંચાડવામાં આવતાં હોય છે. ત્યારે ચાલુ વર્ષે પાંચ જુનથી ઓનલાઈન શિક્ષણ સત્ર શરૃ થઈ ગયા બાદ અને તા.ર૬ જુલાઈથી ઓફલાઈન વર્ગો પણ શરૃ થઈ ચુકયા છે ત્યારે જિલ્લાની આ ર૦૪ જેટલી શાળાઓમાં હજુ પાઠયપુસ્તક નહીં પહોંચતાં અભ્યાસક્રમ કેવી રીતે શરૃ કરવો તે શિક્ષકોને સમજાતું નથી. હાલ તો આર્થિક સધ્ધર ઘણાં વાલીઓ ખાનગી દુકાનોમાંથી પણ બાળકો માટે પુસ્તકો ખરીદી રહયા છે પરંતુ જે બાળકોની આર્થિક સ્થિતિ સારી નથી તેવા બાળકો હજુ પુસ્તકોથી વંચિત રહયા છે ત્યારે પાટનગર ગાંધીનગર જિલ્લાની આ સ્થિતિ જોઈને રાજય સરકારે તાકીદે તમામ શાળાઓમાં પાઠયપુસ્તકો પહોંચતાં કરવા માટે સંબંધિત તંત્રને તાકીદે સૂચના આપવી જોઈએ તેમ લાગી રહયું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x