રાજ્ય સરકારે માત્ર પોણા આઠ લાખ ટન મગફળીની જ ખરીદી કરી. : Paresh Dhanani
Gujarat વિધાનસભા ગૃહમાં નિયમ-૪૪ હેઠળ કૃષિ મંત્રીના નિવેદન બાબતે ઉભી થયેલ ચર્ચામાં ભાગ લેતાં વિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ગત ચોમાસાની સીઝનમાં ખેડૂતોના મગફળીના પાક ઉત્પાદનના ભાવ ખૂબ જ નીચે જતાં મગફળી ટેકાના ભાવે ખરીદાય તે માટે મોટા પ્રમાણમાં વિપક્ષ દ્વારા માંગણીઓ થઈ હતી. રાજ્યમાં અંદાજે ૩૩ લાખ ટન મગફળીનું ખેડૂતો દ્વારા ઉત્પાદન કરવામાં આવ્યું હતું અને કેન્દ્ર સરકારે ૧૦ ફેબ્રુઆરી સુધી મગફળી ટેકાના ભાવે ખરીદવાની મંજૂરી આપી હતી. ચૂંટણી પહેલાં મગફળી ટેકાના ભાવે ખરીદીની જાહેરાતો કરવામાં આવી, પરંતુ પૂરતા પ્રમાણમાં તેની ખરીદી કરાઈ નહિ.
રાજ્ય સરકારે માત્ર પોણા આઠ લાખ ટન મગફળીની જ ખરીદી કરી. આજે રપ લાખ ટન જેટલી મગફળી ખરીદાયા વગરની સડી રહી છે. ખેડૂતો પાયમાલ છે. સરકાર જો મન ફાવે તેવા નિર્ણયો એજન્ડા વગર લાવી શકતી હોય તો આ સડી રહેલ રપ લાખ ટન મગફળીની ખરીદીનું નિવેદન પણ જો ગૃહ સમક્ષ લઈને આવ્યા હોત તો અમે તાળીઓથી વધાવી લેત.
ધાનાણીએ કડક શબ્દોમાં સરકારની આલોચના કરતાં જણાવ્યું હતું કે, મગફળીની ખરીદીની પ્રક્રિયા છ મહિના પહેલાં એટલે કે લગભગ ચૂંટણી પહેલાનાં દિવસોમાં શરૂ થઈ ગઈ હતી, તેની કેન્દ્ર સરકારે મંજૂરી પણ આપી હતી અને વધારાની ખરીદીની મંજૂરી આપ્યા પછી એક મણ મગફળીની ખરીદી થઈ નથી, જે ખરીદી સત્વરે થવી જોઈએ તેવી માંગણી શ્રી ધાનાણીએ કરી હતી.
ધાનાણીએ ગૃહમાં જણાવ્યું હતું કે, એજન્ડામાં સમાવ્યા સિવાયની બાબત અધવચ્ચે અને સરકારશ્રી મનફાવે તે રીતે ઉભી કરી શકે નહિ. કૃષિ મંત્રીશ્રીએ અગત્યની બાબત ગણીને નિવેદન રજૂ કર્યું અને અધ્યક્ષશ્રીએ પરવાનગી પણ આપી, આવી જ અગત્યની બાબતો વિપક્ષો પણ રજૂ કરી શકે છે. વિપક્ષના તેવર જોઈ સરકારે પોતાની ભુલ સ્વીકારી હતી અને આવી ભુલનું પુનરાવર્તન નહિ થાય તેવું જણાવ્યું હતું.
ધાનાણીએ જણાવ્યું હતું કે, સત્તા પક્ષ હંમેશા બહુમતીમાં હોય છે અને વિપક્ષ લધુમતીમાં હોય છે, પરંતુ ગૃહની ગરીમા તો જ જળવાશે જ્યારે ગુજરાત વિધાનસભાએ ધડેલા વિધાનસભાના નિયમોની મર્યાદામાં રહી સરકારે અને વિરોધપક્ષે ચાલવું પડશે. લોકશાહીના પવિત્ર મંદિર જેવી વિધાનસભામાં ભાજપ ભયનું વાતાવરણ ઉભું કરી શાસનની નિષ્ફળતાઓને ઢાંકવાનો નિરર્થક પ્રયાસ કરી રહી છે.
સત્તાપક્ષને નીતિ ધડવાનો અધિકાર છે, પણ ગૃહની અંદર ભાજપ હોય કે કોંગ્રેસ, સત્તાપક્ષ હોય કે વિપક્ષ, ગૃહના નેતા હોય કે વિપક્ષના નેતા, એ ગુજરાતની જનતાની બે આંખો છે, જો એ વહીવટમાં સુધારો સુચવે અને તે સુધારો સ્વીકારાય તો જનતાનું કલ્યાણ થાય.