ગાંધીનગર

શુ હવે DPS સ્કૂલને તાળા મારવાની ફરજ પડશે? સ્કૂલ શરૂ કરવા માટેની અપીલ ફગાવી દેવાઇ

ગાંધીનગર:
DPS ઈસ્ટ પ્રાથમિક સ્કૂલ નવી શરૂ કરવા માટેની અપીલ પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા નામંજુર કરી દીધી છે. જેથી હવે સ્કૂલને તાળા મારવાની ફરજ પડશે. આમ, હવે સ્કૂલ શરૂ કરવાની છેલ્લી તક પણ જતી રહી છે. આ સાથે DPS ઈસ્ટ દ્વારા પ્રમાણપત્ર મેળવ્યા સિવાય જો શાળા ચાલુ રાખવામાં આવશે તો રૂ. 1 લાખનો દંડ થઈ શકશે અને ઉલ્લંઘન ચાલુ રહેશે તો પ્રતિ દિન રૂ. 10 હજાર સુધીનો દંડ પણ થઈ શકે છે તેમ પણ હુકમમાં જણાવાયું છે.
CBSE બોર્ડ દ્વારા 2019માં DPS ઈસ્ટ શાળાનું એફીલીએશન રદ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા 2020માં શાળાની માન્યતા એપ્રિલ-2021થી રદ કરવાનું નક્કી કરાયું હતું. ઉપરાંત એપ્રિલ-2021થી વિદ્યાર્થીઓને અન્ય શાળામાં ખસેડી 2008થી 2011 સુધીની અમાન્ય શાળા તરીકે ચલાવેલી શાળાને અંકે રૂ. 50 લાખનો દંડ બે માસમાં ચલણથી જમા કરાવવા માટે જે તે સમયે હુકમ કર્યો હતો. જેની સામે શિક્ષણ વિભાગે પણ આ હુકમને કાયમ રાખ્યો હતો.
CBSE દ્વારા 2020માં રાજ્ય સરકારનું એનઓસી રજૂ કરવા માટે શાળાને જણાવ્યું હતું. જેની સામે સ્કૂલ દ્વારા સરકાર સમક્ષ એનઓસી માટે અરજી કરી હતી. જોકે, શિક્ષણ વિભાગ દ્વારા શાળાની એનઓસીની દરખાસ્ત નામંજુર કરી હતી. ત્યારબાદ DPS ઈસ્ટ દ્વારા પ્રાથમિક સ્કૂલની મંજુરી માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સમક્ષ અરજી કરી હતી. આ અરજી પણ નામંજુર કરવામાં આવી હતી. ઉપરાંત બોર્ડ સમક્ષ માધ્યમિક સ્કૂલ શરૂ કરવા માટે કરેલી અરજી પણ નામંજુર થઈ હતી.
આ કાર્યવાહી દરમિયાન અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ દ્વારા 2 જુલાઈ, 2021ના રોજ શાળા બંધ કરવા માટે જણાવ્યું હતું. પરંતુ સ્કૂલ બંધ કરવામાં આવી ન હતી. જેથી સ્કૂલના વહીવટદાર એવા અમદાવાદ શહેર ડીઈઓ દ્વારા તપાસ માટે ટીમ મોકલી હતી અને ત્યારબાદ સ્કૂલને બંધ કરવા માટે નોટીસ ફટકારી હતી. જેમાં માન્યતા વગર શાળા ચલાવવા માટે સ્કૂલ સામે શિક્ષાત્મક કાર્યવાહી કેમ ન કરવી તે બાબતે શો-કોઝ નોટીસ ફટકારી હતી અને તે અંગેની સુનાવણી પણ રાખવામાં આવી હતી.
અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ અને ડીપીઈઓની સંયુક્ત સુનાવણી રાખવામાં આવી હતી. જેમાં શાળાના આચાર્યનું રૂબરૂ નિવેદન લેવામાં આવ્યું હતું. જેમાં તેમણે ધોરણ-9 અને 11ના વર્ગ જ બંધ કરશે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ સંપુર્ણ હકીકતની ચકાસણી કર્યા બાદ DPEO અમદાવાદ દ્વારા રૂ. 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ઉપરાંત ઉલ્લંઘન ચાલુ રાખે તો પ્રતિદિન રૂ. 10 હજારનો દંડ નક્કી કર્યો હતો. જ્યારે DEO અમદાવાદ ગ્રામ્યએ રૂ. 2 લાખનો દંડ કરવા માટે શિક્ષણ બોર્ડને ભલામણ કરી હતી.
જોકે, સ્કૂલની નવી પ્રાથમિક શાળા શરૂ કરવાની અરજી પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા નામંજુર કરાયા બાદ અપીલમાં પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીમાં અરજી કરવામાં આવી હતી. જેની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણીમાં શાળાએ DEO અને DPEOની નોટીસ અને હુકમનો અનાદર કર્યો હોવાનું જણાયું હતું. ઉપરાંત માન્યતા ન હોવા છતાં શાળા ચાલુ રાખી હતી, તથા હાલમાં પણ માન્યતા વગર શાળા ચાલુ રાખવામાં આવેલી બાબતોને ધ્યાને લેતા સંસ્થા સરકારના હુકમો અને નિયમોની જોગવાઈઓનું ઉલ્લંઘન કરવાની ભુલો કરવા ટેવાયેલી હોવાનું જણાયું હતું.
શાળા મંડળે વિશ્વસનિયતા ગુમાવી હોવાથી અંગ્રેજી માધ્યમની ધોરણ-6થી 8ની માન્યતા આપવી ઉચિત જણાતી ન હોવાનું જણાવી પ્રાથમિક શિક્ષણ નિયામક એમ.આઈ.જોષીએ હુકમ કર્યો હતો કે, DPS ઈસ્ટ સ્કૂલની બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળા શરૂ કરવાની દરખાસ્ત વિવિધ તારણમાં જણાવેલી વિગતો, કારણોસર અંગ્રેજી માધ્યમની ધોરણ-6થી 8ની નવી શાળા શરૂ કરવાની અપીલ નામંજુર કરવાનો આદેશ કરૂ છું. RTEની જોગવાઈ અનુસાર, માન્યતા પ્રમાણપત્ર મેળવ્યા સિવાય શાળા મંડળ શાળા ચાલુ રાખે તો તેને રૂ. 1 લાખ સુધીનો દંડ થઈ શકે છે અને ઉલ્લંઘન ચાલુ રાખવાની બાબતમાં જેટલા દિવસ આ ઉલ્લંઘન ચાલુ રહે તે દરમિયાન દરેક દિવસના રૂ. 10 હજાર સુધીનો દંડ થઈ શકશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x