ભોપાલની શિવાંગીએ GMAT માં દેશમાં પ્રથમ અને વિશ્વ કક્ષાએ બીજો ક્રમ હાંસલ કર્યો
મધ્યપ્રદેશની શિવાંગીએ મેનેજમેન્ટ ટેસ્ટમાં સમગ્ર દેશનું નામ રોશન કર્યું છે. ભોપાલની રહેવાસી શિવાંગી ગવાંડેએ વિશ્વની સૌથી અઘરી મેનેજમેન્ટ કસોટી ગ્રેજ્યુએટ મેનેજમેન્ટ એપ્ટિટ્યુડ ટેસ્ટ (GMAT) માં વૈશ્વિક સ્તરે બીજો અને દેશમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. ભારતમાં આજ સુધી કોઈએ વૈશ્વિક સ્તરે સ્થાન મેળવ્યુ નથી. શિવાંગીએ (Shivangi) ઇતિહાસમાં નવો અધ્યાય લખ્યો છે એમ કહેવું અતિશયોક્તિ નહીં ગણાય.
GMAT માં દેશમાં પ્રથમ અને વિશ્વ કક્ષાએ બીજો ક્રમ હાંસલ કર્યો
તમને જણાવી દઈએ કે, ઇંગ્લેન્ડ દ્વારા આ પરીક્ષા લેવામાં આવે છે. શિવાંગીએ GMAT માં 800 માંથી 798 સ્કોર મેળવ્યા છે. જે એક ખૂબ મોટો રેકોર્ડ છે, કારણ કે આજ સુધી દેશમાં કોઈ ઉમેદવારે આ પરીક્ષામાં (Exams) આટલા માર્ક્સ મેળવ્યા નથી. જણાવી દઈએ કે આ વર્ષે GMAT ની પરીક્ષા 12 ફેબ્રુઆરીના રોજ યોજાઈ હતી. તેનું પ્રથમ તબક્કાનું પરિણામ 27 માર્ચે અને અંતિમ પરિણામ 23 એપ્રિલના રોજ આવ્યું હતુ.
ખેડૂત પુત્રીએ દેશને ગૌરવ અપાવ્યું
શિવાંગીના પિતા મહેન્દ્ર ગવાંડે વ્યવસાયે ખેડૂત છે અને માત્ર ખેતી (Farming) સંબંધિત વ્યવસાય કરે છે. શિવાંગીની માતા માધુરી આનંદ વિહાર સ્કૂલમાં ગણિતની શિક્ષિકા છે. દીકરીની આ સફળતાથી બંને માતા-પિતા ખૂબ ખુશ છે.
શિવાંગીએ વિશ્વની ટોચની યુનિવર્સિટીઓની સ્ક્રીનીંગ ટેસ્ટમાં 100 ટકા ગુણ મેળવ્યા છે
GMAT પરિણામ બાદ શિવાંગીની સ્ક્રીનીંગ ટેસ્ટ વિશ્વની ટોચની મેનેજમેન્ટ કોલેજો (Top Management College) દ્વારા લેવામાં આવી હતી અને ગ્રુપ ડિસ્કશન થયું હતું. જેનું પરિણામ 23 ઓગસ્ટે આવ્યું હતુ. જેમાં શિવાંગીએ 100 ટકા ગુણ મેળવ્યા છે. જે પછી કેમ્બ્રિજ, ઓક્સફોર્ડ, હાર્વર્ડ, યેલ, સ્ટેનફોર્ડ યુનિવર્સિટી, લંડન સ્કૂલ ઓફ બિઝનેસ અને દેશના તમામ IIMs એ તેમના પ્રવેશ પસંદગી પત્રો મોકલ્યા છે.
માતાના કહેવાથી એન્જિનિયરિંગને બદલે મેનેજમેન્ટ પસંદ કર્યુ
શિવાંગીએ જણાવ્યુ હતુ કે, ધોરણ 10 પાસ કર્યા બાદ માતાએ એન્જિનિયરિંગને (Engineering) બદલે મેનેજમેન્ટ પસંદ કરવા જણાવ્યુ હતુ. વધુમાં જણાવ્યુ કે, તેથી જ તેણે ધોરણ 11 માં કોમર્સ પસંદ કર્યુ અને દરરોજ 8-10 કલાકનો અભ્યાસ શરૂ કર્યો. તેના પિતાએ જણાવ્યુ હતુ કે, શિવાંગીને ત્રણ વર્ષ સુધી ગળામાં થોડી તકલીફ હતી છતા તેણે હિંમત અને ધીરજથી કામ કરીને સફળતા મેળવી.