રાહુલ ગાંધીએ ખેડૂત આંદોલન મુદ્દે સરકારને ઘેરી, કહ્યું- વિજય માટે ફક્ત એક સત્યાગ્રહી જ કાફી
નવી દિલ્હી :
કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ મહાત્મા ગાંધીની જયંતિ પર કેન્દ્ર સરકારને ટાર્ગેટ કરી હતી. તેમણે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કરી હતી અને ખેડૂત આંદોલન મુદ્દે કેન્દ્ર સરકાર પર કટાક્ષ કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, ‘વિજય માટે ફક્ત એક જ સત્યાગ્રહી કાફી છે. મહાત્મા ગાંધીને વિનમ્ર શ્રદ્ધાંજલિ.’
રાહુલ ગાંધીએ જે વીડિયો પોસ્ટ કરી છે તેમાં મહાત્મા ગાંધીનું સત્યાગ્રહ આંદોલન અને ખેડૂત આંદોલન છે. આ વીડિયોની શરૂઆતમાં લખ્યું છે કે, ‘સત્યાગ્રહ ત્યારે અને અત્યારે.’ બાપુએ અસત્ય અને અન્યાય વિરુદ્ધ સત્યાગ્રહ કર્યો હતો, આજે અન્નદાતા સત્યાગ્રહ કરી રહ્યા છે. ત્યાર બાદ વીડિયોમાં ખેડૂતો પર જે લાઠીચાર્જ થયો હતો તેના ફુટેજ બતાવ્યા છે. સાથે જ લખ્યું હતું કે, ‘અહીં દરેક હૃદયમાં બાપુ છે, હજુ કેટલા ગોડસે લાવશો? તમારા અત્યાચારથી ડરતા નથી, તમારા અન્યાય સામે નમતા નથી, અમે ભારતવાસી છીએ, સત્યના રસ્તે અટકતા નથી.’
ઉલ્લેખનીય છે કે, કૃષિ કાયદા બિલને લઈ ખેડૂતો લાંબા સમયથી પ્રદર્શન કરી રહ્યા છે. ગત રોજ ખેડૂતોએ ભારત બંધનું આહ્વાન પણ કર્યું હતું. તેના પહેલા પણ ખેડૂતો ઉગ્ર પ્રદર્શન કરી ચુક્યા છે. આ આંદોલનને લઈ કોંગ્રેસ પણ સરકાર પર નિશાન સાધી રહી છે અને ખેડૂતોની સાથે સાથે કૃષિ કાયદા બિલને પાછું લેવા માગણી કરી રહી છે.