બોલિવુડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યનખાનને ન મળી રાહત, કોર્ટે ફગાવી જામીન અરજી
શાહરૂખખાનના દિકરા આર્યનખાનની જામીન અરજી પર ફેંસલો આવ્યો છે.ડ્રગ્સ કેસમાં ફસાયેલા શાહરૃખ ખાનના દીકરા આર્યન અને તેના સાથીદારો અરબાઝ મર્ચન્ટ, મુનમુન ધામેચાની જામીન અરજી કોર્ટે નકારી દીધી હતી. વધુ એક વખત અરજી નકારી દેતા હવે આર્યનની દીવાળી જેલમાં પસાર થાય એવી શક્યતા ઉભી થઈ છે.
સ્પેશિયલ કોર્ટે આજે થયેલી સુનાવણીમાં જામીન અરજી નકારી દીધી હતી. શાહરૃખ ખાને આર્યનને બચાવવા ગમે તેવા નિષ્ણાત વકીલોની ફોજ ઉતારી હોય પરંતુ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો સામે એ બધા નિષ્ફળ સાબિત થયા છે. 2જી ઓક્ટોબર (ગાંધી જયંતિ)એ આર્યન ખાન અને તેના અન્ય સાથીદારોની નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)એ ધરપકડ કરી હતી. ત્યારથી 23 વર્ષિય આર્યન અને તેના સાથીદારો જેલમાં જ છે.
આ બધા વચ્ચે એક સ્ફોટક વાત સામે આવી છે. જાણવા મળ્યા મુજબ ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં આર્યન ખાન સાથે બોલિવુડની એક ઉભરતી અભિનેત્રી સાથેની ચેટ પણ એનસીબીને હાથ લાગી છે. તે ચેટ્સમાં નશા અંગે વાતચીત થઈ રહી હતી. કોર્ટમાં દલીલ દરમિયાન એનસીબીની ટીમે આરોપીઓની જે ચેટ્સ કોર્ટને સોંપી છે તેમાં આર્યન સાથે આ અભિનેત્રીની ચેટ્સ પણ સામેલ છે.
તે સિવાય આર્યનની કેટલાક ડ્રગ પેડલર્સ સાથેની ચેટ્સ પણ કોર્ટને સોંપવામાં આવી હતી.એનસીબીના કહેવા પ્રમાણે આર્યન ઈન્ટરનેશનલ ડ્રગ પેડલર્સ સાથે કનેક્શન ધરાવે છે. આ એક મોટું ષડયંત્ર છે જેની તપાસ થાય તે જરૂરી છે.
આર્યન અરબાઝ પાસેથી ડ્રગ્સ લેતો હતો.આ તરફ આર્યન ખાનના વકીલ અમિત દેસાઈએ સ્ટારકિડની ધરપકડને પાયાવિહોણી ગણાવી છે. તેમના કહેવા પ્રમાણે આર્યન પાસેથી કોઈ જ ડ્રગ્સ નથી મળી આવ્યું. તે સિવાય એનસીબીને કોઈ રોકડ પણ નથી મળી. જે વ્યક્તિએ આર્યનને પાર્ટીમાં બોલાવેલો તેની ધરપકડ નથી થઈ. આર્યનને મુનમુન ધમેચા સાથે કોઈ જ કનેક્શન નથી.