રાષ્ટ્રીય

શા માટે 23 ડિસેમ્બરે જ મનાવાય છે કિસાન દિવસ? જાણો તેના મહત્વ વિશે

ભારત એક કૃષિપ્રધાન દેશ છે અને આજે પણ અડધાથી વધુ વસ્તી કૃષિ અથવા સંલગ્ન પ્રવૃત્તિઓ પર નિર્ભર છે. ત્યારે તમે વિચારતા જ હશો કે આખરે 23મી ડિસેમ્બરે શું ખાસ છે કે આ દિવસે કિસાન દિવસ મનાવવામાં આવે છે, તો જવાબ છે કે 23મી ડિસેમ્બર દેશના પાંચમા વડાપ્રધાન (Former Prime Minister of India)અને પીઢ ખેડૂતની જન્મજયંતિ છે.

તેમનું નામ નેતા ચૌધરી ચરણ સિંહ (Chaudhary Charan Singh)છે. તેમણે જગતના તાતના હિતમાં અને ખેતી માટે ઘણા મહત્વપૂર્ણ કાર્યો કર્યા છે, જેમાં તેઓને આ દિવસે યાદ કરવામાં આવે છે. ચૌધરી ચરણ સિંહ કહેતા હતા કે ખેડૂતોની હાલત બદલાશે, તો જ દેશનો વિકાસ થશે અને તેઓ આ દિશામાં કામ કરતા રહ્યા.

ભારત સરકારે 2001માં આ નિર્ણય લીધો

ચૌધરી ચરણ સિંહ, જેઓ થોડા મહિનાઓ માટે દેશના વડાપ્રધાન હતા, તેમણે ખેડૂતો અને કૃષિ ક્ષેત્રના ઉત્થાનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેઓ દેશના સૌથી પ્રખ્યાત ખેડૂત નેતાઓમાંના એક તરીકે ઓળખાય છે. 2001 માં, ભારત સરકારે (Government of India)કૃષિ ક્ષેત્ર અને ખેડૂતોના હિતમાં કરેલા તેમના કાર્યો માટે 23 ડિસેમ્બરને ખેડૂત દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. ત્યારથી દર વર્ષે આ દિવસે આપણી થાળીમાં ભોજન આપનારા ખેડૂતો પ્રત્યે આભાર વ્યક્ત કરવા આ દિવસ ઉજવાઈ છે.

23 ડિસેમ્બર, 1902ના રોજ ઉત્તર પ્રદેશમાં એક ખેડૂત પરિવારમાં જન્મેલા ચૌધરી ચરણ સિંહ ગાંધીજીથી ખૂબ જ પ્રભાવિત હતા અને જ્યારે દેશ ગુલામ હતો ત્યારે તેમણે અંગ્રેજો સામે આઝાદીની લડાઈ પણ લડી હતી. આઝાદી બાદ તેમણે ખેડૂતોના હિત માટે કામ કરવાનું શરૂ કર્યું. તેમનું રાજકારણ મુખ્યત્વે ગ્રામીણ ભારત, ખેડૂત અને સમાજવાદી સિદ્ધાંતો પર કેન્દ્રિત હતું.

જમીન સુધારાના અમલીકરણમાં મહત્વની ભૂમિકા

તેઓ બે વખત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા. જો કે બંને વખત તેમનો કાર્યકાળ લાંબો ચાલ્યો ન હતો. તેમ છતાં, મુખ્યમંત્રી તરીકે, તેમણે જમીન સુધારણા લાગુ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી અને ખેડૂતોના હિતમાં ઘણા મોટા નિર્ણયો લીધા. એવું કહેવાય છે કે ચૌધરી ચરણ સિંહે જ ઉત્તર પ્રદેશ જમીનદારી અને જમીન સુધારણા બિલનો ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો.

દેશના કૃષિ મંત્રી રહીને તેમણે જમીનદારી પ્રથાને ખતમ કરવા માટે અથાક પ્રયાસો કર્યા હતા. પછીના વર્ષોમાં તેમણે કિસાન ટ્રસ્ટની સ્થાપના કરી, જેનો ધ્યેય દેશના ગ્રામવાસીઓને અન્યાય સામે શિક્ષિત કરવાનો અને તેમની વચ્ચે એકતા વધારવાનો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x