કોરોના સંક્રમણ ફરીથી વધતાં ઓફલાઇન શિક્ષણ મુદ્દે જીતુ વાઘાણીએ શું કરી મોટી જાહેરાત?
ગુજરાતમાં ફરી એકવાર કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને વિદ્યાર્થીઓ પણ મોટા પ્રમાણમાં કોરોના સંક્રમિત થઈ રહ્યા છે, ત્યારે હવે ઓફલાઇન શિક્ષણ બંધ કરવા માંગ ઉઠી રહી છે. આવા સમયે રાજકોટમાં રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ ઓફલાઇન શિક્ષણ મુદ્દે મોટી જાહેરાત કરી છે.
વાઘાણીએ કહ્યું કે, ઓનલાઈન માટે વિકલ્પ રહેશે. ઓફલાઈન માટે વાલીઓના ફરીથી સંમતિપત્ર મંગાવવામાં આવશે. કોરોના ગાઈડલાઇનનું કડક પાલન કરવાનું રહેશે. કોરોનાના કેસ વધતા રાજકોટમાં રાજ્ય સરકારના મંત્રી જીતુ વાઘાણીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.
તેમણે કહ્યું કે, આરોગ્ય વિભાગ સાથે અમારો વિભાગ પરામર્શમાં છે. અનેકવાર અમારા વિભાગો દ્વારા પરીપત્રો પણ થયા છે. કોવિડ ગાઇડલાઇનનું કડક પાલન થાય. આમ પણ વાલીની સંમતિથી વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવતા હોય છે. એ પુનઃ એકવાર સંમતિપત્ર લેવાનું અને ડીપીઓ-ડીઇઓ દ્વારા એક ડ્રાઇવ લેવાનું પણ નક્કી કર્યું છે. ઓફલાઇન જેમને ભણવું છે, તેમના માટે વ્યવસ્થા સૂચારું રૂપે બને એના માટે એજ્યુકેશન વિભાગે સૂચનાઓ આપી છે. આગામી દિવસોમાં પરિસ્થિતિઓ ધ્યાને રાખવામાં આવશે. પણ હાલ, આ પ્રકારની કડક સૂચનાઓ સાથે આપણી જે ગાઇડ લાઇન છે, તેની જાળવણી થાય.
રાજકોટ શહેર અને જિલ્લામાં 24 કલાકમાં 15 પોઝિટિવ કેસ નોંધાયા છે. મોદી સ્કૂલનો વિદ્યાર્થી, આત્મીય કોલેજના પ્રોફેસર સહિત 15 પોઝિટિવ આવ્યા છે. રાજકોટ શહેરમાં 7 જ્યારે જિલ્લામાં 8 પોઝિટિવ કેસ નોંધાયા છે. નવસારી જિલ્લામાં ગઈ કાલે વધુ ૦૪ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા હતા. ૦૪ પૈકી એક ૧૨ વર્ષીય વિદ્યાર્થી પોઝિટીવ આવ્યો હતો. ચીખલી તાલુકામાં આવેલ ટાંકલ ગામમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા અન્ય વિદ્યાર્થીઓના સેમ્પલ લેવામાં આવ્યા. નવસારી જિલ્લામાં એક મહિનામાં ૧૫થી વધુ વિદ્યાર્થીઓના રિપોર્ટ પોઝિટિવ નોંધાયા.
વડોદરાની વધુ એક સ્કૂલમાં કોરોના સંક્રમણ ફેલાયું છે. શૈશવ સ્કૂલની ધોરણ 12ની વિદ્યાર્થીની કોરોના સંક્રમિત થઈ. શાળાના સંચાલકોએ વાલીઓને જાણ કરી. વિદ્યાર્થીઓમાં સંક્રમણનો ચોથો કેસ નોધાયો. એક પછી એક કેસો નોંધાતા વાલીઓમાં ચિંતા છે.