ગુજરાતની સ્કૂલોમાં કોરોનાનો કાળો કહેરઃ જાણો કયા શહેરની કઈ સ્કૂલોમાં વિદ્યાર્થી થયા સંક્રમિત?
રાજ્યમાં કોરોના સંક્રમણ હવે વધવા લાગ્યું છે, ત્યારે સ્કૂલોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. અમદાવાદની મહારાજા અગ્રસેન અને સત્વ વિકાસ સ્કૂલમાં એક એક વિદ્યાર્થીને કોરોના પોઝિટિવ આવ્યો છે. અમદાવાદની સ્કૂલમાં અત્યાર સુધી ૮ વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવ્યો છે. અગાઉ નિરમાં સ્કૂલમાં ત્રણ , ઉદગમમાં ૧ , આનંદનિકેતનમાં ૧ અને અમદાવાદ ઇન્ટરનેશનલમાં ૧ વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા હતા. અમદાવાદની સ્કૂલોમાં ધીમે ધીમે કોરોના પ્રવેશ કરી રહ્યો છે. ડિઈઓએ બંને સ્કૂલોને ૧૦ દિવસ વર્ગો બંધ રાખવા સૂચના આપી છે.
રાજકોટ શહેર અને જિલ્લામાં 24 કલાકમાં 15 પોઝિટિવ કેસ નોંધાયા છે. મોદી સ્કૂલનો વિદ્યાર્થી, આત્મીય કોલેજના પ્રોફેસર સહિત 15 પોઝિટિવ આવ્યા છે. રાજકોટ શહેરમાં 7 જ્યારે જિલ્લામાં 8 પોઝિટિવ કેસ નોંધાયા છે. નવસારી જિલ્લામાં ગઈ કાલે વધુ ૦૪ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા હતા. ૦૪ પૈકી એક ૧૨ વર્ષીય વિદ્યાર્થી પોઝિટીવ આવ્યો હતો. ચીખલી તાલુકામાં આવેલ ટાંકલ ગામમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા અન્ય વિદ્યાર્થીઓના સેમ્પલ લેવામાં આવ્યા. નવસારી જિલ્લામાં એક મહિનામાં ૧૫થી વધુ વિદ્યાર્થીઓના રિપોર્ટ પોઝિટિવ નોંધાયા.
વડોદરાની વધુ એક સ્કૂલમાં કોરોના સંક્રમણ ફેલાયું છે. શૈશવ સ્કૂલની ધોરણ 12ની વિદ્યાર્થીની કોરોના સંક્રમિત થઈ. શાળાના સંચાલકોએ વાલીઓને જાણ કરી. વિદ્યાર્થીઓમાં સંક્રમણનો ચોથો કેસ નોધાયો. એક પછી એક કેસો નોંધાતા વાલીઓમાં ચિંતા છે.