વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત છઠ્ઠા તબક્કામાં 39 MoU કરાયા
દર સોમવારે ગુજરાત સરકાર વાઇબ્રન્ટ સમિટના (Vibrant Summit) પ્રિ ઈવેન્ટ હેઠળ વિવિધ કંપનીઓ સાથે એમઓયુ કરે છે. આવતા સોમવારથી જ્યારે વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો (Vibrant Summit) પ્રારંભ થવાનો છે. ત્યારે આજે છઠ્ઠા અને છેલ્લા તબક્કાના એમઓયુ કરાયા. અગાઉના ઉદ્યોગો સાથે કરોડોના એમઓયુ (MoU)પર હસ્તાક્ષર થયા છે. જેનાથી ગુજરાતમાં રોકાણ અને યુવાઓ માટે રોજગારીની તક ઉભી થશે.
જ્યારે ભૂતકાળમાં યોજાયેલ વાઈબ્રન્ટમાં સમિટ ખુલ્લી મુકાયા બાદ MoU થતાં હતાં. જ્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) સરકારમાં પહેલીવાર એવું બન્યું છે કે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ શરૂ થાય તે પૂર્વે જ MoU થઈ રહ્યા હોય. આ એમઓયુ સાઈનીંગ સેરેમનીમાં વિવિધ ક્ષેત્રના ઉદ્યોગો ભાગ લેતા હોય છે.
આજે ગુજરાત સરકારના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી, રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ પંચાલની હાજરીમાં MoU થયા. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ગીર સોમનાથ જિલ્લામાં સરકારના કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી ઉપસ્થિત રહી શક્યા ન હતા. પરંતુ વિકાસના કામો ના અટકે તે માટે રાબેતા મુજબ જ આ કાર્યક્રમ યોજાયો.
છઠ્ઠા તબક્કામાં થયેલ એમઓયુ પર નજર કરીએ તો સ્ટીલ, સિમેન્ટ, મેન્યુફેક્ચરિંગ, કેમિકલ, બુલેટ પ્રુફ જેકેટ, એગ્રો પ્રોસેસિંગ, પ્લાસ્ટિક અને ઊર્જા જેવા અનેક ક્ષેત્રોની કંપનીઓ સાથે એમઓયુ ગુજરાત સરકાર દ્વારા વાયબ્રન્ટ સમિટ હેઠળ કરાયા.
આ સાથે સરકારના વિવિધ વિભાગો અને ખાનગી યુનિવર્સીટીઓ વચ્ચે સ્ટ્રેટેજિક MoU પણ થયા. આવું જ એક MoU ગોધરા, પોલીસ વિભાગ અને એક ખાનગી યુનિવર્સિટી વચ્ચે કરાયું. આ MoU હેઠળ પોલીસ વિભાગને યુનિવર્સિટી તરફથી કાયદાકીય રીતે મદદ મળી રહેશે અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પ્રેક્ટીકલ જ્ઞાન પોલીસ વિભાગ તરફથી પૂરું પાડવામાં આવશે.
આજે 39 જેટલા MoU થયા અને શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ હાજર તમામ ઉદ્યોગજગતના અગ્રણીઓનો ગુજરાતની વિકાસ ગાથામાં સામેલ થવા માટે આભાર વ્યક્ત કર્યો હતો. તેમને જણાવ્યું કે આ તમામ પ્રોજેક્ટને આપણે જમીન ઉપર ઉતારવાના છે અને સરકાર તરફથી જે જોઈએ તે મદદ મળી રહેશે તેવું આશ્વાસન આપ્યું હતું.
અત્યાર સુધી 6 તબક્કામાં 135 થી વધારે MoU ગુજરાત સરકાર અને ખાનગી કંપનીઓ વચ્ચે થઈ ચૂક્યા છે. ત્યારે તે કેટલા કરોડનું રોકાણ લાવે છે, કેટલી રોજગારી ઊભી કરે છે અને નિર્ધારિત સમયમાં પૂર્ણ થાય છે કે નહિ તે જોવાનું રહ્યું.