આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી, રાજ્યમાં 1000 જન્મ સામે 955 દીકરીઓ
મહિલા બાળ કલ્યાણ વિભાગનો સ્વતંત્ર્ય હવાલો ધરાવતા રાજય મંત્રી મનીષાબેન વકીલે જણાવ્યું છે કે, સશકત સમાજના નિર્માણ માટે મહિલા બાળ જાતિદરને પ્રોત્સાહન આપવુ અત્યંત અનિવાર્ય હોઈ, સમાજના સૌ નાગરિકો આ માટે સંકલ્પબધ્ધ બને એ આજના સમયની તાતી જરૂરિયાત છે. તેમણે દીકરાઓના જન્મ, શિક્ષણ અને સલામતી માટે દિકરીઓ પ્રત્યેની સંકુચિત જાતિગત માનસિકતામાં બદલાવ લાવી એક સ્વસ્થ અને સમાન રાષ્ટ્રની રચનામાં ભાગીદાર બનવા પણ આહવાન કર્યુ છે.
આઝાદી કા અમૃત મહોત્સવ (Azadi Ka Amrut Mahotsav) અંતર્ગત રાષ્ટ્રીય બાલિકા દિવસ (National Girls Day) ની ઉજવણી (Celebration) નિમિત્તે યોજાયેલ રાજયકક્ષાના સમારોહમાં વર્ચ્યુઅલ સહભાગી બનીને દિકરીઓ સાથે સંવાદ કરતા મંત્રીએ જણાવ્યુ હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) એ ગુજરાતમાં ‘બેટી બચાવો બેટી પઢાવો’ અભિયાન શરૂ કરીને દેશને નવો રાહ ચીધ્યો હતો અને આજે દેશભરમાં આ અભિયાન ચાલી રહ્યુ છે જે આપણા માટે ગૌરવરૂપ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) ના માર્ગદર્શન હેઠળ આ અભિયાનને વધુ વેગવાન બનાવીને દીકરીઓના જન્મ માટે જનજાગૃતિ કેળવવા સંનિષ્ઠ પ્રયાસો રાજ્ય સરકાર કરી રહી છે ત્યારે રાજ્યના નાગરિકો પણ સહભાગી બનીને સક્રિય યોગદાન આપે એ જરૂરી છે.
મંત્રીએ કહ્યુ કે, કચ્છ જીલ્લા દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરીને ગ્રામ્યકક્ષાએ બાલિકા પંચાયતની રચના કરવામાં આવી છે આ બાલિકા પંચાયતએ કિશોરીઓનું એક મંડળ છે, જેમાં સરપંચથી લઈને ગ્રામ પંચાયતના વોર્ડ મુજબ તમામ સભ્યોમાં બાલિકાઓ પ્રતિનિધિત્વ ધરાવે છે, આ મંડળ દ્વારા ગામમાં શિક્ષણ, આરોગ્ય, પોષણ, રમત-ગમત જેવા વિવિધ મુદ્દાઓ પર કાર્ય કરી દરેક ક્ષેત્રે કિશોરીઓનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરે છે. ગ્રામ પંચાયતની ચૂંટણી મુજબ બાલિકા પંચાયતની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહિલા અને બાળવિકાસ વિભાગના સચિવ –વ- કમિશ્નર કે.કે.નિરાલાએ રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણીનો હેતુ સ્પષ્ટ કરતા જણાવ્યુ હતું કે, ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા દિકરી જન્મ તેમજ શિક્ષણને પ્રોત્સાહન આપવા, બાળ લગ્ન નાબૂદ કરવા, દીકરીઓના કાનૂની અધિકારો, પોષણ અને તબીબી સંભાળ, સંરક્ષણ અને સન્માન સુનિશ્ચિત કરવા તેમજ તે પરત્વે જાગૃતિ લાવવા વર્ષ ૨૦૦૮ થી તા.૨૪ મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય દીકરી દિવસની ઉજવણી કરવામાં આવે છે.
રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી નિમિત્તે યોજાયેલ આ કાર્યક્રમમાં રાજ્યના તમામ જિલ્લાઓમાંથી ૧૦ દિકરીઓ મળી કુલ ૩૬૦ જેટલી દીકરીઓ તેમજ મહિલા અને બાળ અધિકારીની કચેરીના અધિકારીશ્રી અને કર્મચારીઓએ વર્ચ્યુઅલ માધ્યમથી સહભાગી બનીને પરિસંવાદ કર્યો હતો. દીકરીઓ અંગેની રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ વિશે ખાસ પ્રશ્નોત્તરી યોજાઈ હતી. જેનુ મંત્રીશ્રી દ્વારા માર્ગદર્શન પુરૂ પાડીને રાજયની દીકરીઓને વધુ પ્રોત્સાહિત કરવા માટે વિવિધ સ્પર્ધાત્મક કાર્યક્રમો આયોજીત કરવા તેમજ રાજ્યમાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી/સિધ્ધિઓને રાજ્ય સ્તરે બિરદાવવા તેમજ રાજ્યના તમામ જિલ્લાઓમા બાલિકા પંચાયત માળખું ઉભુ કરવા જરૂરી સુચનાઓ આપી હતી.