ગાંધીનગર: ફાયર ઓફિસર મહેશ મોડનાં 20 વર્ષના સામ્રાજ્યનો અંત, કૈઝાદ દસ્તૂરની નિમણૂંક કરાઈ
ગાંધીનગર :
ગાંધીનગર ફાયર બ્રિગેડમાં મહેશ મોડ છેલ્લા વીસેક વર્ષથી ગાંધીનગરમાં ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા. જોકે, તેમની કામગીરીને લઈને અનેક ફરિયાદો ઉઠી હતી. છેલ્લે તો ગિફ્ટ સિટીમાં આવેલી રેવા બિલ્ડીંગની પ્રિ-ફાયર એનઓસી માટે બિલ્ડીંગનાં ફાયર કન્સલટન્ટ પાસે પાંચ લાખની લાંચ માંગ્યા ઉપરાંત 34 માળની બિલ્ડિંગનું ફાયરનું કામ પણ માંગવામાં આવ્યું હતું. જેનાં પગલે ફાયર કન્સલટન્ટ દ્વારા એન્ટી કરપ્શન બ્યુરો સમક્ષ જરૂરી પુરાવાઓ સાથે રીજિયોનલ ફાયર ઓફિસર મહેશ મોડ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે અન્વયે એસીબીની ટીમ દ્વારા લાંચનું છટકું ગોઠવીને ચીફ ફાયર ઓફિસર મહેશ મોડ અને તેના સાળા કમલ ગઢવીની ધરપકડ કરી હતી. મહેશ મોડના વીસ વર્ષના સામ્રાજયનો અંત લાવી દીધો છે. હાલમાં બન્ને સાબરમતી જેલમાં કારાવાસ ભોગવી રહ્યા છે.
રાજયના પાટનગર ગાંધીનગરમાં ફાયર ઓફિસર હોવું અનિવાર્ય હોવાથી ગઈકાલે કોર્પોરેશન તંત્ર દ્વારા ગાંધીનગર ફાયર બ્રિગેડનાં જમાદાર રાજેશ પટેલને ફાયર ઓફિસર તરીકે ચાર્જ પણ સોંપી દેવાયો હતો. જોકે, સીનીયોરીટી મુજબ રાજેશ પટેલ ફાયર ઓફિસરનો ચાર્જ સંભાળી શકે તેમ ન હોવાનો પાછળથી મનપા તંત્રને અહેસાસ થયો છે. જેનાં પગલે આજે ફરી પાછો ગાંધીનગર કોર્પોરેશન દ્વારા પોતાનો જ નિર્ણય બદલવાની ફરજ પડી હતી અને જમાદાર રાજેશ પટેલ પાસેથી ગાંધીનગર ફાયર ઓફિસરનો ચાર્જ પરત લઈ લેવાયો છે.
મહત્ત્વની જગ્યા પર કોર્પોરેશન તંત્ર દ્વારા અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસના ડીવીઝન ફાયર ઓફિસર કૈઝાદ એમ દસ્તૂરને ગાંધીનગર મહાનગરપાલિકામાં ફાયર ઓફિસર તરીકે વધારાનો હવાલો સોંપી દેવામાં આવ્યો છે અને નવા ફાયર ઓફિસર તરીકે કૈઝાદ દસ્તૂરે ચાર્જ પણ આજે વિધિવત રીતે સંભાળી લીધો છે.