ગાંધીનગર સિવિલની નર્સે નોકરીના બહાને રૂપિયા ખંખેર્યા, પોલીસ ફરિયાદ નહીં નોંધાતાં પોલીસ સામે રોષ
ગાંધીનગર :
ગાંધીનગર સિવિલમાં ફરજ બજાવતી નર્સ દ્વારા નોકરી અપાવવાનુ કહીને નાણાં ખંખેરવામા આવ્યા હોવાની ફરિયાદો ઉઠી છે. સિવિલમાં કોન્ટ્રાક્ટમાં ફરજ બનાવની નર્સને કાયમી નોકરી અપાવવાનુ વચન આપ્યુ હતુ. જેને લઇને કામ કરવા 2થી લઇને 5 લાખ રૂપિયા ખંખેરી લીધા બાદ ઉલ્ટા ચોર કોટવાલ કો દાંટે જેવી સ્થિતિ ભોગ બનનારની થઇ છે. ત્યારે રુપિયા આપીને ભરાઇ ગયેલા 8 લોકોએ નર્સ સામે ફરિયાદ નોંધવા અરજી આપી છે. પરંતુ સેક્ટર 7 પોલીસના હાથ નર્સ સુધી પહોંચવામા ટૂંકા પડી રહ્યા છે.
સિવિલની નર્સ સામે ફરિયાદ નોંધાવવા ગયેલા ભોગ બનનાર ગાંધીનગરના મહેન્દ્રસિંહ વાઘેલાએ કહ્યુ હતુ કે, 2021મા સરકારી નર્સિગની ભરતી પડી હતી. જેમા મારી સાળીએ ફોર્મ ભર્યુ હતુ. તે સમયે અમે જાણ્યુ હતુ કે, સિવિલમાં ફરજ બજાવતી નર્સ નયના ડોડીયાર પાસ કરાવી નોકરી અપાવે છે. જેથી અમે સંપર્ક કરતા મારી પાસે 5 લાખ માગી ભરોસો આપ્યો હતો કે, તમારી સાળીને નોકરી હુ અપાવીશ. પરંતુ હાલ મને 3 લાખ આપો, બાકીના 2 લાખ પછી આપવાના રહેશે.જ્યારે પરિણામ આવ્યુ ત્યારે મારી સાળીનુ નામ ન હતુ. પછીથી નાણા પરત માગતા વાયદાઓ બતાવાય છે.
વિજાપુરના પાર્થ પટેલે પોલીસમાં અરજી આપતા જણાવ્યુ છેકે, હુ હાલમાં સિવિલમાં કોન્ટ્રાક્ટમા સ્ટાફ બ્રધર્સ તરીકે નોકરી કરુ છુ. પરિણામે નર્સ નયના ડોડીયારને ઓળખતો હતો. જ્યારે નર્સે મને કહ્યુ હતુ કે, સિવિલમાં કાયમી નોકરી કરવી હોય તો હુ તમને કાયમી કરાવી દઇશ. તેની સામે તમારે મને 2 લાખ આપવા પડશે. નર્સ નોકરી કરતા હોવાના કારણે વિશ્વાસ આવતા એક વર્ષ પહેલા 2 લાખ રૂપિયા આપ્યા હતા. પરંતુ ના નોકરી કાયમી મળી કે ના રૂપિયા પાછા મળ્યા.અમદાવાદ રાણિપમા રહેતા સ્મિત ક્રિશ્ચને જણાવ્યુ છેકે, મને બીએસસી નર્સિગમા બેંગ્લોર એડમીશન અપાવી કાયમી નોકરીનુ વચન આપ્યુ હતુ. જેના માટે 2 લાખની માગણી કરતા આપવામા આવ્યા હતા. પરંતુ સમય વિતતા એડમીશન બાબતે પૂછવામા આવ્યુ હતુ. તે સમયે નર્સ નયના ડોડીયારે કહ્યુ હતુ કે, મે આગળ જેને રૂપિયા આપ્યા છે, તેમનુ મૃત્યુ થયુ છે, હવે હુ કાંઇ નહિ કરી શકુ. જ્યારે નાણા પરત માગ્યા તો બહાના બતાવવામા આવતા હતા અને ના એડમીશન થયુ કે ના રૂપિયા પરત મળ્યા.
તે ઉપરાંત ગાંધીનગરના સેક્ટર 3મા રહેતી જ્યોતિકા પટેલ, રાણિપમા રહેતો ટાઇસન ક્રિશ્ચન દ્વારા પણ નાંણા અપાયા હતા. એક વર્ષ કરતા વધારે સમય થયો હોવા છતા નાણા પરત આપવામા આવ્યા નથી. જ્યારે જાન્યુઆરી મહિનામા સેક્ટર 7 પોલીસ મથકમા નર્સ નયના ડોડીયાર સામે ફરિયાદ નોંધવા અરજી આપ્યા બાદ પણ પોલીસ પગલાં લેતી નથી.