રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ થયા કોરોના સંક્રમિત
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કોરોના સંક્રમિત થયા છે. રથયાત્રાના ગણત્રીના દિવસો અગાઉ જ તેઓ કોરોના સંક્રમિત થતા હવે તેઓ હોમ ક્વોરન્ટાઇન થયા છે. સામાન્ય લક્ષણો જણાતા તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં રિપોર્ટ પોઝિટિવ આવતા આખરે તેઓએ હોમ ક્વોરન્ટાઇન થવાનો નિર્ણય લીધો છે.
રાજ્યમાં કોરોનાના કેસો છેલ્લા કેટલાય સમયથી વધી રહ્યા હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ લોકો કોરોના નથી તે પ્રમાણે વર્તી રહ્યા છે. કોરોનાથી બચવાના ઉપાયોનું નિયમીત અને ચુસ્ત પણે પાલન કરી રહ્યા નથી. જેને કારણે કોરોનાએ ફરી માથુ ઉંચક્યું હોવાનું અનુમાન છે. જો કે, રાજ્યભરમાં મોટાભાગના લોકોને કોરોનાની રસી મુકી દીધી હોવાના કારણે નવી લહેર આવવાની શક્યતાઓ નહિવત છે.
આજે બપોરે ઉચ્ચસ્તરીય મિટીંગમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી. જે બાદ તેઓ કોરોના પોઝીટીવ થયા હોવાનું સામે આવ્યું છે. તેઓને હળવા લક્ષણો જણાતા તેઓનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેનું પરિણામ પોઝીટીવ આવતા તેઓનો ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.
ભૂપેન્દ્ર પટેલના સ્વાસ્થ્ય અંગે સત્તાવાર માહિતી હજી સુધી પ્રાપ્ત થઇ શકી નથી. ભૂપેન્દ્ર પટેલ કોરોના પોઝીટીવ થવાના કારણે આગામી કેટલાક દિવસો સુધી જાહેર કાર્યક્રમોથી દુર રહેશે. બે દિવસ બાદ યોજાનાર અમદાવાદના ઐતિહાસીક રથયાત્રામાં પણ તેઓ હાજરી નહિ આપી શકે.