રાજ્યમાં કોરોના બન્યો ઘાતક, નોંધાયા 600થી વધારે પોઝિટિવ કેસ
ગુજરાત અને ભારત દેશમાં કોરોના વાયરસનાં સંક્રમણ દિવસે દિવસે ઘાતક થઈ રહ્યું છે. ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના નવા 668 કેસ નોંધાયાની વિગતો સામે આવી છે. 515 દર્દીઓ વાયરસનાં સંક્રમણને હરાવી સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,22,381 નાગરિકો હરાવી ચુક્યાં છે. જો કે સતત વધી રહેલા કેસના કારણે રિકવરી રેટ ઘટીને 98.79 ટકાએ પહોંચી ચુક્યો છે. રાજ્યમાં આજે 44,053 નાગરિકોને કોરોના વાયરસ વિરોધી રસીના કુલ ડોઝ આપવામાં આવ્યા હતા.
રાજ્યના આરોગ્ય વિભાગે જારી કરેલા આંકડા મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 668 નવા કેસ નોંધાયા છે. જોકે આ સમયગાળા દરમિયાન કોરોનાના કારણે આજે કોઈ દર્દીનું મોત નિપજ્યું નથી. 24 કલાક દરમિયાન 515 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં હાલ કુલ 4046 એક્ટિવ કેસ છે, આ બધા દર્દીઓ હાલ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી 10,948 લોકોના મોત કોરોનાના કારણે થયા છે.
છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 257 નવા કેસ નોંધાયા છે. જ્યારે વડોદરા અને સુરતમાં પણ કોરોનાના કેસોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. વડોદરા કોર્પોરેશનમાં 61 નવા કેસ નોંધાયા છે.સુરતમાં 98, ગાંઘીનગર 46, કરછ 13 અને વલસાડમાં 18, ભાવનગરમાં 27, ભરૂચમાં 4, જામનગર,ખેડા, મોરબીમાં 7, નવસારીમાં 13, રાજકોટમાં 11, આણંદમાં 04 પોઝિટિવ કેસો નોંધાયા હતા.