ગાંધીનગર

ગામડાઓમાં મંજુરી વગર સબ પ્લોટિંગ કરી ગ્રાહકો સાથે છેતરપિંડી, GUDA વિસ્તારમાં પરવાનગી વગરના બાંધકામો તોડાશે

GUDAના હદ વિસ્તારમાં આવતા ગામોમાં ગુડાની મંજુરી લીધા વગર જ સબ પ્લોટિંગ કરીને પ્લોટના વેચાણની સ્કીમો તથા તેવી જ રીતે સબ પ્લોટ પાડીને મકાન બાંદકામ કરવાનો રાફડો ફાટયાની વાત ધ્યાને આવતા ગુડા દ્વારા પરવાનગી વગરના બાંધકામો તોડી પાડવાની ચેતવણી અપાઇ છે. જમીન ઓનલાઇન એનએ કરાવીને જિલ્લા પંચાયતની રજા ચિઠ્ઠી મેળવી લઇ ગ્રાહકો સાથે છેતરપિંડી કરાઇ રહી છે.

મુખ્ય કારોબારી અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે, કે ગાંધીનગર શહેરી વિકાસ સતામંડળની હદમાં આવતા ગામડાઓમાં ગુડાની કોઇ જ મંજુરી લીધા વગર જ બિન અધિકૃત રીતે સબ પ્લોટિંગ કરવામાં આવ્યા બાદ તેનું વેચાણ કરવામાં આવી રહ્યાનું અને તે પૈકીના પ્લોટ્સમાં સતામંડળની મંજુરી મેળવ્યા વગર જ બાંધકામ પણ કરવામાં આવી રહ્યાનું તથા આવા બાંધકામ અલગ અલગ તબક્કામાં ચાલી રહ્યા હોવાનું પણ ધ્યાનમાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું છે, કે ગુડા વિસ્તારમાં જનરલ એગ્રીકલ્ચર ઝોન અને પ્રાઇમ એગ્રીકલ્ચર ઝોન નિયત કરવામાં આવેલા છે અને તે વિસ્તારમાં સીજીડીસીઆરની જોગવાઇ મુજબ સબ પ્લોટિંગ મળવાપાત્ર નથી.

એગ્રીકલ્ચર ઝોનમાં કોઇએ પ્લોટની સ્કીમ મુકી હોય અથવા બાંધકામ કરવામાં આવી રહ્યું હોય તો તે તમામ પ્રક્રિયા તુરંત બંધ કરવાની રહેશે. જો બિન અધિકૃત રીતે પ્લોટ પાડવામાં આવશે અથવા ત્યાં બાંધકામ કરવામાં આવશે તો આવા બાંધકામ ગુડા દ્વારા દુર કરીને સબ પ્લોટિંગના સંબંધમાં પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

પ્લોટ કે મકાન ખરીદી કરનાર ગ્રાહકે ખરાઇ કરવી અનિવાર્ય ગુડાની મંજુરી અને બાંધકામ પરવાનગીના મુદ્દે જમીનનો પ્લોટ અથવા મકાન કે અન્ય હેતુનું બાંધકામ ખરીદનાર ગ્રાહકે તે મિલકતની અધિકૃતતા અંગે ગુડાની કચેરીમાં જઇને ખરાઇ કરવાનું અનિવાર્ય છે. કેમ કે આગામી સમયમાં ગુડા દ્વારા આ મુદ્દે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. બાંધકામ તોડી પાડવામાં આવે તેમાં પણ ખરીદનાર અને વેંચનારની જવાબદારી રહેશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x