ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
આગામી તા.૨૨ અને ૨૩ જુલાઈ દરમિયાન સુરત, નવસારી, ડાંગ, વલસાડ અને તાપીમાં ભારે વરસાદની આગાહી રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે. ત્યારે ગુજરાતમાં વરસાદની સ્થિતિ મામલે મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ નિવેદન આપતા કહ્યું છે કે સાબરકાંઠા, કચ્છ, બનાસકાંઠામાં આજે વરસાદ થયો છે, દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. તો અતિભારે વરસાદ વાળા જિલ્લાઓમાં 23-24-25 તારીખના રોજ રેડ એલર્ટ અપાયું છે આપત્તિ વ્યવસ્થાપન મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ SEOC, ગાંધીનગર ખાતે મીડિયાને સંબોધતા કહ્યું હતું કે, રાજ્યમાં અનેક વિસ્તારોમાં હાલ ધીમી ધારે વરસાદ થઇ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સમયમાં ભારે વરસાદ પડવાની સંભાવના ધરાવતા જિલ્લા પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચના અનુસાર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આ માટે મુખ્યમંત્રી દ્વારા સંબંધિત કલેક્ટરો અને વહીવટી તંત્રને સજ્જ રહેવા જણાવાયું છે. રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ કહ્યું હતું કે, આગામી તા.૨૨ અને ૨૩ જુલાઈ દરમિયાન સુરત, નવસારી, ડાંગ, વલસાડ અને તાપીમાં ભારે વરસાદની આગાહી છે.
જ્યારે તા. ૨૩ અને ૨૪ જુલાઈ દરમિયાન કચ્છ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં તથા તા.૨૪-૨૫ જુલાઈના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ થવાની સંભાવનાને કારણે રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ સંભવિત પરિસ્થિતિમાં નાગરિકોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેમજ ઉદભવનારી તમામ પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ છે.રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ ઉકાઈ ડેમની વિગતો આપતા કહ્યું હતું કે, ઉપરવાસમાં પડેલા વધુ વરસાદના કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા ડેમમાંથી તબક્કાવાર બે લાખ કયુસેક જેટલું પાણી છોડાઈ રહ્યું છે પરંતુ આ પરિસ્થિતિમાં સુરતવાસીઓએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમમાં હાલ કુલ ૫૬ ટકા જળરાશીનો સંગ્રહ થયો છે જે સૌ ગુજરાતીઓ માટે આનંદની વાત છે. સૌરાષ્ટ્રમાં ખોડિયાર, હિરણ અને આંબાજળ ડેમ હાઈ એલર્ટ પર મુકવામાં આવ્યા છે.