જીવંતિકા વ્રતની વિધિ: મહત્વ અને વ્રત કથા
વ્રત વિધિ:
આ વ્રતનો પ્રારંભ શ્રાવણ માસના શુક્રવારથી કરી શકાય છે. સંજોગો વસાત પ્રથમ શુક્રવારે વ્રત ન થાય તો બીજા શુક્રવારથી પણ વ્રતની શરૂઆત કરી શકાય છે. સવારે વહેલા ઊઠીને, સ્નાન કરીને જીવંતિકા માતાની તસવીર આગળ પાંચ દિવેટનો દીવો પ્રગટાવો. ત્યારપછી અબીલ-ગુલાલ પુષ્પોથી પૂજા કરવી.મા જીવંતિકાને પ્રાર્થના કરી તેમની કથા સાંભળવી. વ્રત કરનાર સ્ત્રીએ દિવસે પીળાં વસ્ત્રો, પીળા અલંકારો અને પીળા રંગની ચીજવસ્તુઓનો ત્યાગ કરવો.
લાલ રંગના વસ્ત્રો પહેરવા. પીળાં રંગના માંડવા નીચે સૂવું નહીં કે ચોખાનું પાણી ઓળંગવું નહીં.કથા સાંભળ્યા પછી માની પાંચ દિવેટોના દીવાથી આરતી કરવી. ત્યારબાદ ખાંડના શીરાનો કે સાકરનો પ્રસાદ વહેંચવો. પોતાના બાળકોના રક્ષણ માટે માતાજીને પ્રાર્થના કરવી. એકટાણું કરવું. આ દિવસે ખોટું ન બોલવું. કોઈની નિંદા ન કરવી. આખો દિવસ માતાનું રટણ કરવું. મા જીવંતિકાની વ્રત કરનારના બાળકો પર અમી નજર રહે છે, લાંબુ આયુષ્ય પ્રદાન કરે છે.
વ્રત કથા:
પ્રાચીન કાળની વાત છે. સુશીલકુમાર નામે એક રાજા હતો. તેને સુલક્ષણા નામે એક પત્ની હતી. રાજા-રાણી બન્ને ધાર્મિક હતા. ભગવાને તેમને સંતાન સુખ આપ્યું ન હતું. આથે તેઓ મનમાં ને મનમાં મુંઝાતા હતા.
એક દિવસ રાણીએ દાયને લાલચ આપી, તાજું જન્મેલું બાળક લઈ આવવા કહ્યું. ધનની લાલચે દાયણ એક બ્રાહ્મણના ઘરમાંથી તાજું જન્મેલું બાળક ઉઠાવી લાવી અને રાણીને આપ્યું. પછી નગરમાં જાહેરાત કરી કે રાણીને પુત્ર અવતર્યો છે. આ સમાચારથી નગરમાં આનંદભેર ઉજવણી કરવામાં આવી. બીજી બાજું બ્રાહ્મણની પત્નિ પુત્ર વિયોગમાં આંસુ સારવા લાગી.
આ બ્રાહ્મણી જીવંતિકા વ્રત કરતી હોવાથી માતા તેના બાળક રાજકુમારનુ હંમેશા રક્ષણ કરતાં હતાં.સમજ જતાં બાળક મોટો થઈ ગયો. રાજા અને પેલા બ્રાહ્મણનું મૃત્યું થયું. રાજકુમારને રાજા બનાવવામાં આવ્યો. તે પોતાના પિતા(રાજા)ના શ્રાદ્ધ માટે ગયાજી તરફ નિકળી પડ્યો. રસ્તામાં તે એક વાણિયાના ત્યાં રાત રોકાયો. એ દિવેસ વાણિયાને ત્યાં બાળક જન્મે છ દિવસ થયા હતા. ઘરમાં બધાં ઊંઘી ગયાં હતાં ત્યારે મા જીવંતિકા રાજકુમારનું રક્ષણ કરવા માટે દરવાજા પાસે ઊભા હતા. એ વખતે વિધાતા પેલા બાળકના લેખ લખવા આવી પહોંચ્યા. માતાજીએ તેમને રોકીને આવવાનું કારણ પુછ્યું. જવાબમાં વિધાતાએ કહ્યું કે હું બાળકના લેખ લખવા માટે આવી છું, જે આવતી કાલે મોતને ભેટશે.આ આ સાંભળી માતાજીએ કહ્યું કે જ્યાં મારા પગ પડે ત્યાં અમંગળ ક્યારેય થઈ શકે નહીં. માટે તારે બાળકનું દીદ્ધાયુષ્ય લખવું પડશે. વિધાતાએ માની આજ્ઞા માનવી પડી. બીજા દિવસે વાણિયાએ પોતાના બાળકને જીવતું જોયું તો તેને આશ્ચર્ય થયું.
તેને ત્યાં જન્મનાર દરેક બાળક સાતમાં દિવસે મૃત્યું પામતા હતા. આ બાળક જીવીત રહેતા તેણે રાજકુમારનો પ્રતાપ માન્યો. રાજકુમારે ત્યાંથી વિદાય લીધી. આ વેળાએ વાણિયાએ વળતા ફરી પોતના ઘરે આવવાનો ખૂબ આગ્રહ કર્યો. આથી રાજકુમારે ફરી આવવાની ખાત્રી આપી.રાજકુમાર ગયા પહોંચ્યો. શ્રાદ્ધકર્મ કર્યા પછી પિંડદાન આપતી વખતે નદીમાંથી બે હાથ બહાર આવ્યા. આ જોઈ રાજકુમારને નવાઈ લાગી. તેણે બન્ને હાથમાં પીંડ મૂકી દીધા.પાછા ફરતી વેળાએ ફરી તે પેલા વાણિયાના ઘરે આવી પહોંચ્યો. એ દિવસે વાણિયાને ત્યાં ફરી પુત્રનો જન્મ થયો હતો અને છ દિવસ થયા હતા.રાત્રે ફરી વિધાતા છઠ્ઠીના લેખ લખવા માટે આવ્યા. તેમને માતા જીવંતિકાએ ફરી રોક્યાં અને બાળકનું દીર્ધાયુષ્ય લખવાનું કહ્યું. વિધાતાએ તેમના કહેવા પ્રમાણે કર્યું. લેખ લખીને આવ્યા પછી વિધાતાએ જીવંતીકા માને પુછ્યું કે તમે આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો? મા જવાબ આપે તે પહેલા રાજકુમારની આંખ ખુલી ગઈ. તે ધ્યાનથી માના શબ્દો સાંભળવા લાગ્યો. માતાએ કહ્યું કે આ રાજકુમારની માતા મારું વ્રત કરે છે અને શુક્રવારના દિવસે પીળાં વસ્ત્રો પહેરતી નથી. પીળા માંડવા નીચે જતી નથી તથા ચોખાનું પાણી ઓળંગતી નથી. આથી હું તેનું રક્ષણ કરું છું.રાજકુમાર વિચારમાં પડી ગયો.
બીજે દિવસે વાણિયાની રજા લઈ પોતાના રાજ્યમાં આવ્યો. મહેલમાં જઈ તેણે રાણીને પૂછ્યું કે “મા, તું ક્યું વ્રત કરે છે?” માતાએ કહ્યું કે હું કોઈ વ્રત કરતી નથી. આથી રાજકુમારને ખાત્રી થઈ ગઈ કે આ મારી સગી માતા નથી. આથી તેણે પોતાની સગી માને શોધવા માટે શ્રાવણ માસના પહેલા શુક્રવારે નગરજનોને જમવાનું આમંત્રણ આપ્યું. દરેક સ્ત્રીને પીળા વસ્ત્ર પહેરીને આવવાની આજ્ઞા કરી. બધા જમવા આવ્યા ત્યારે રાજકુમારે સેવકોને પૂછ્યું કે કોઈ બાકી નથી ને? ત્યારે સેવકોએ કહ્યું કે એક બ્રાહ્મણી પીળા વસ્ત્રો પહેરી જમવા આવી શકે તેમ નથી. તેણએ આજે પીળા વસ્ત્રો પહેરવા નહીં તેવું વ્રત લીધું છે.આ સાંભળી રાજકુમાર ખુશ થઈ ઊઠ્યો. તેણે બીજા રંગના કપડાં મોકલાવ્યા. તે પહેરી બ્રાહ્મણી આવી. તેના આવવાની સાથે જ એવો ચમત્કાર થયો કે બધાને ખ્યાલ આવી ગયો કે આ જ રાજકુમારની માતા છે. ત્યાર પછી રાજકુમારે રાણીને પુછ્યું કે આવું કેમ કર્યું? તેના જવાબમાં રાણી રડતાં રડતાં બધી વાત કરી. રાજકુમાર બ્રાહ્મણીને મા કહીને ભેટી પડ્યો. તેને પોતાની સાથે મહેલમાં રાખી.