આજે કેવડા ત્રીજ : જાણો.. વ્રતનું પૌરાણિક મહાત્મ્ય અને તેની કથા
હિંદુ પંચાંગ પ્રમાણે ભાદરવા મહિનાના સુદ પક્ષની ત્રીજ તિથિએ કેવડા ત્રીજનું વ્રત કરવામાં આવે છે. કુંવારી કન્યાઓ મનોવાંછિત પતિ મેળવવા અને પરિણીતાઓ અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કરવા આ વ્રત કરે છે.આ વ્રતમાં આખો દિવસ પાણી પીધા વિના નકરડો ઉપવાસ કરી કેવડાની પૂજા કરવામાં આવે છે.
સાંજે કાળી માટીથી શ્રીગણેશ અને ભગવાન શિવ-પાર્વતીની મૂર્તિઓ બનાવીને પૂજા કરવામાં આવે છે. અને આખી રાત જાગરણ કરીને ચારેય પ્રહરની એટલે કે દર 3 કલાકે પૂજા કરવામાં આવે છે.કેવડા ત્રીજ વ્રત મહાદેવ શિવ અને દેવી પાર્વતીના ફરી મિલાપના ઉત્સવ રૂપે ઊજવવામાં આવે છે. દેવી પાર્વતીએ મહાદેવને પતિના રૂપમાં પામવા આ વ્રત કર્યું હતું. આથી, પાર્વતીજીના તપથી પ્રસન્ન થઈ શિવજીએ તેમને પત્ની રૂપે સ્વીકાર્યા હોવાની માન્યતા છે.
કેવડા ત્રીજની વ્રતકથા
એક વખત કૈલાસ પર્વત પર ભગવાન શંકર અને માતા પાર્વતી સોગઠાબાજી રમવા બેઠાં હતા. રમત ખૂબ રસાકસીભરી જામી હતી. ત્યાં જ અચાનક પાર્વતીજીને કંઈક યાદ આવતાં તેઓ ભગવાનને પૂછી બેઠાં, “સ્વામી, તમને પામવા માટે ક્યું વ્રત કર્યું હશે તે મને યાદ નથી.”ભોળાનાથે પાસા ફેંકતા કહ્યું, “હા, મને ખ્યાલ છે. એક વખત નારદજીએ તમારા પિતા હિમાલયની મુલાકાત લીધેલી. ત્યારે નારદજીએ તમારા પિતાજી આગળ મારા ખૂબ વખાણ કર્યા હતા.
એ વખતે તમે પણ ત્યાં હાજર હતા. તમે પણ મારા વખાણ સાંભળ્યા અને એ વખતે તમે મારી સાથે લગ્ન કરવાનું મનોમન નક્કી કર્યું. નારજીએ વખાણ મારા કર્યા પણ તમારા પિતાનો આગ્રહ એવો હતો કે તમારા લગ્ન વિષ્ણુ સાથે થાય. આથી તમે નારદજી પર ખૂબ ગુસ્સે થયા.ભોળાનાથ વધુમાં આગળ જણાવે છે કે ત્યારબાદ તમે તમારી મુંજવણ તમારી સહેલીને કહી. સહેલીએ બધી ચિંતા છોડી વનમાં ફરવા જવાનો તમારી આગળ પ્રસ્તાવ મૂક્યો. જે તમે માન્ય રાખ્યો. એ પછી તમે વનમાં ફરવા ગયા. ત્યાં એક જગ્યાએ માટીનો ઢગલો પડ્યો હતો. તમે એ માટીના ઢગલા આગળ આવીને બેઠાં અને સાથે રમતાં રમતાં માટીનું એક શિવલિંગ બનાવી દીધું. ત્યાર પછી તેની પૂજા કરવા માટે કેવડો, બીલીપત્ર વગેરે લાવ્યા. ભક્તિભાવે આ બધુ વસ્તુઓ શિવલિંગ પર ચઢાવી.
ભાદરવા સુદ ત્રીજનો એ દિવસ હતો. તેમે એ દિવસે ગુસ્સામાં કઈ ખાધુ ન હતુ. છતાં તમે પ્રસન્ન ચિત્તે ભૂખ્યા પેટે મારી પૂજા કરી.આથી હું તમારા પર પ્રસન્ન થયો અને તમને વરદાન માંગવા કહ્યું. ત્યારે તમે વિનમ્રભાવે ફક્ટ એટલું જ માંગ્યું કે “હે ભોળાનાથ, જો મેં આપને ખરા અંતરથી ભજ્યા હોય અને ખરા હ્રદયથી પ્રેમ કર્યો હોય તો આપ મારા સ્વામી બનો.” તથાસ્તુ કહી પછી હું અદ્રશ્ય થઈ ગયો. ત્યારબાદ તમારા પિતા તમને શોધતા ત્યાં આવી ચડ્યા અને તમને કંઈ પૂછે એ પહેલાં જ તમે એમને જણાવી દીધું કે હું તન-મનથી મારા ભોળા શંભુને વરી ચૂકી છું. માટે હવે હું અન્ય સાથે લગ્ન નહીં કરી શકું. અને થોડા દિવસમાં તેમણે તમારા લગ્ન મારી સાથે કરી દીધા.