ગુજરાતમાં ચાર વર્ષમાં ડેન્ગ્યુ -મલેરિયાના ૫૬ હજારથી વધુ કેસ
ગુજરાતમાં ચોમાસા દરમિયાન મેલેરિયા-ચિકનગુનિયા-ડેન્ગ્યુના કેસોમાં વધારો થવાનો ક્રમ આ વર્ષે પણ એવો જ રહ્યો હતો. હાલમાં સિવિલમાં સારવાર લઈ રહેલા સરેરાશ 550 થી 600 દર્દીઓ મચ્છરજન્ય રોગોથી પીડાય હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત ખાનગી હોસ્પિટલો અને દવાખાનાઓમાં પણ મચ્છરજન્ય રોગોના દર્દીઓની સંખ્યા વધી રહી છે.આ વર્ષે ગુજરાતમાં ડેન્ગ્યુના સૌથી વધુ 1212, મેલેરિયાના 1001 અને ચિકનગુનિયાના 624 કેસ નોંધાયા છે.
આ વર્ષે 5392 ડેન્ગ્યુ કેસ સાથે ઝારખંડ ટોચ પર છે, ત્યારબાદ તામિલનાડુ 3396 સાથે અને મહારાષ્ટ્ર 2927 સાથે છે. આ વર્ષે દેશભરમાંથી ડેન્ગ્યુના 30627 કેસ નોંધાયા છે અને 12 લોકોના મોત થયા છે. તે જ સમયે, મેલેરિયા માટે કુલ 67.76 લાખ લોહીના નમૂના લેવામાં આવ્યા છે અને આ વર્ષે 1001 કેસ નોંધાયા છે. છેલ્લા પાંચ વર્ષમાં મેલેરિયાથી ચાર લોકોના મોત થયા છે. જો કે, 2021 અને આ વર્ષે અત્યાર સુધીમાં મેલેરિયાથી એક પણ મૃત્યુ નોંધાયું નથી.આ વર્ષે ચિકનગુનિયાના 9502 શંકાસ્પદ કેસોમાંથી 624 કેસ મળી આવ્યા છે.
ગત વર્ષે ચિકનગુનિયાના 4044 કેસ નોંધાયા હતા. તબીબોના જણાવ્યા મુજબ અમદાવાદની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મચ્છરજન્ય રોગોના કેસ સતત વધી રહ્યા છે. જો કે પાછલા વર્ષોની સરખામણીમાં સ્થિતિ ચિંતાજનક નથી. છેલ્લા કેટલાક સમયથી સોલા સિવિલમાં મચ્છરજન્ય રોગોની સારવાર લેતા દર્દીઓની સંખ્યા 550 થી 600ની આસપાસ છે. પહેલા આ સંખ્યા 450ની આસપાસ હતી.