ચોથું નોરતું, આજે કુષ્માંડા માતાજીની કરો પૂજા-અર્ચના, બધી મનોકામના થશે પૂર્ણ
નવરાત્રીના ચોથા દિવસે માતા દુર્ગાના ‘કુષ્માંડા’ રૂપની પૂજા કરવામાં આવે છે. પોતાના ઉદરમાંથી બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમને કુષ્માંડા દેવીના નામથી ઓળખવામાં આવે છે. કહેવાય છે કે જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ નહોતું, ચારે બાજુ ઘનઘોર અંધારું હતું. ત્યારે માતા કુષ્માંડાએ પોતાના હાથોથી આ સૃષ્ટિની રચના કરી હતી. અષ્ટભૂજા રૂપમમાં માતા કુષ્માંડાનું રૂપ આઠ દિશાઓ દર્શાવે છે. માં કુષ્માંડાની આઠ ભુજાઓ છે. તેમના હાથમાં કમંડળ, ધનુષ, બાણ, કમળનું ફૂલ, અમૃતપૂર્ણ કળશ, ચક્ર, ગદા અને જપ માળા છે. કુષ્માંડા માતાજીનું વાહન સિંહ છે.
માતાજીના આ રૂપનું મહત્વ
માતા કુષ્માંડાની પૂજાથી ભક્તોને તમામ સિદ્ધિયો મળે છે. માતા કુષ્માંડાની કૃપાથી લોકો નીરોગી થાય છે અને આયુ-યશમાં વધારો થાય છે. જેથી માતાજીની ભક્તિભાવથી પૂજા કરવી જોઈએ. આ દિવસે માતાને માલપુઆનો પ્રસાદ અને લીલા રંગના ફળનો ભોગ ધરાવવો જોઈએ. માં કુષ્માંડાની પૂજા કર્યા બાદ દુર્ગા ચાલિસા અને માતા દુર્ગાની આરતી જરૂર કરવી જોઈએ.
માતા કુષ્માંડાની પૂજા વિધિ
સૌથી પહેલા ઘરમાં કળશ સ્થાપના કરીને ગણપતિની પૂજા કરો. ત્યારબાદ માતાની સાથે અન્ય દેવી દેવતાઓની પૂજા કરો. તેમની પૂજા બાદ દેવી કુષ્માંડાની પૂજા શરૂ કરો. સૌથી પહેલા હાથોમાં ફૂલ લઈને માતા કુષ્માંડાને પ્રણામ કરો. ત્યારબાદ પૂજન અને વ્રતનો સંકલ્પ લો અને વૈદિક રીતે સપ્તશતી મંત્રોથી માતા કુષ્માંડા સહિત સમસ્ત સ્થાપિત દેવતાઓની પૂજા કરો. ધૂપ દીપ, ફળ, પાન, દક્ષિણા, ચઢાવો અને મંત્રોચ્ચારની સાથે પુષ્પાંજલિ અર્પણ કરો. ત્યારબાદ માતાને પ્રસાદ અર્પણ કરો અને આરતી કરો. ત્યારબાદ પરિવારના સભ્યો અને અન્ય લોકોને આ પ્રસાદ વહેંચી દો.