સાબરમતીનું પાણી અત્યંત પ્રદૂષિત છ, તરવૈયાઓને ત્વચામાં ચેપ લાગી શકે
આપણી સંસ્કૃતિમાં નદીને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. પરંતુ નદીઓને પ્રદૂષિત કરવામાં પણ આપણે મોખરે છીએ. ગુજરાતમાં કુલ 20 નદીઓ અત્યંત પ્રદૂષિત છે અને તેમાં સાબરમતીનો પણ સમાવેશ થાય છે. સાબરમતી નદીમાં પ્રદૂષણનું સ્તર એટલું વધી ગયું છે કે તેને નેશનલ ગેમ્સમાં સ્પર્ધા યોજવા માટે ‘અનફિટ’ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. અગાઉના સમયપત્રક મુજબ 36મી નેશનલ ગેમ્સની ટ્રાયથલોન સ્પર્ધા સાબરમતીમાં યોજાવાની હતી. પરંતુ એવી આશંકા હતી કે સાબરમતી નદીમાં તરવાથી તરવૈયાઓને સ્કિન ઈન્ફેક્શન થઈ શકે છે. આ પછી હવે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી-ગાંધીનગર ખાતે ટ્રાયથલોનની સ્વિમિંગ સ્પર્ધા યોજાશે.હાલમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભાવનગર, સુરત, રાજકોટમાં 36મી નેશનલ ગેમ્સની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. નેશનલ ગેમ્સની યજમાની ગુજરાતને જુલાઈમાં ફાળવવામાં આવી હતી.
તે સમયથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી નદીના પાણીની ગુણવત્તા ચકાસવા માટે સતત વિવિધ પરીક્ષણો કરવામાં આવી રહ્યા હતા. પરંતુ વિવિધ ‘ટેસ્ટ’માં સાબરમતીનું પાણી ગુણવત્તામાં ‘ફેલ’ થયું હતું. જેના કારણે આયોજકોએ સાબરમતી નદીમાં ટ્રાયથલોનની સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન ન કરવાનો નિર્ણય લીધો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર સાબરમતી નદીમાં બોટિંગની સ્પર્ધા પણ યોજાઈ રહી છે. પરંતુ સ્પર્ધકો પાણીના સીધા સંપર્કમાં નહીં આવે એટલે બોટિંગ સ્પર્ધા સાબરમતી નદીમાં જ થશે. જ્યારે સ્વિમિંગમાં, સ્પર્ધકો પાણીના સીધા સંપર્કમાં આવે છે અને તેમની ત્વચામાં ચેપ લાગવાનું જોખમ હોવાથી આયોજકોએ ત્યાં સ્પર્ધા યોજવાનું જોખમ લેવાનું ટાળ્યું છે.પ્રાપ્ત વિગતો મુજબ દર છ મહિને સાબરમતી નદીમાં ગટરનું પાણી છોડવામાં આવે છે. જેના કારણે તેનું પાણી લીલું થઈ ગયું છે.
આ પાણીમાં તરવું તરવૈયાઓની ત્વચા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આયોજકોએ આશા વ્યક્ત કરી હતી કે ચોમાસામાં નવા પાણીના આગમન સાથે સાબરમતી નદીનું પાણી સ્પર્ધા યોજવા માટે પૂરતું સ્પષ્ટ થશે. જોકે, ચોમાસા છતાં સાબરમતી નદીનું પ્રદૂષણનું સ્તર યથાવત રહેતાં છેલ્લી ઘડીએ ટ્રાયથ્લોન ઇવેન્ટ IIT-ગાંધીનગરને ફાળવવાનો નિર્ણય લેવાયો હતો.9 થી 11 ઓક્ટોબર દરમિયાન યોજાનારી ટ્રાયથલોન સ્પર્ધામાં કુલ 62 સ્પર્ધકો ભાગ લેવાના છે. ટ્રાયથ્લોનમાં સ્વિમિંગ સ્પર્ધા સામાન્ય રીતે સ્વિમિંગ પૂલને બદલે ખુલ્લા જળાશયમાં યોજવામાં આવે છે. જો કે નદીનું પાણી પ્રદુષિત હોવાથી આયોજકો પાસે સ્વિમિંગ પુલમાં ટ્રાયથ્લોન યોજવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો ન હતો. એવી માહિતી પણ બહાર આવી છે કે ટ્રાયથલોન સ્પર્ધામાં સાયકલિંગ IIT કેમ્પસની બહાર યોજી શકાય કે કેમ તે અંગે શંકા છે. IIT-ગાંધીનગરની બહારનો રસ્તો ઉબડખાબડ છે અને સ્પર્ધકોને ઈજા થવાનું જોખમ છે.