સરકારી શાળાઓ કેવી એ એમાં ભણનાર બાળકો નક્કી કરશે કે આપ અને ભાજપના રાજકારણીઓ…?
ગુજરાતના રાજકારણમાં હવે સ્કૂલ પોલીટીક્સનું નવુ સમીકરણ ઉમેરાયુ હોય તેમ કદાજ પહેલીવાર શિક્ષણના મામલે રાજકારણ શરૂ થયું છે. ભાજપવાળા ક્યારેય કોંગ્રેસ શાસિત રાજ્યોમાં શાળાઓની હાલત જોવા ગયા નથી. પણ દિલ્હીમાં કેજરીવાલ સરકારની શાળાઓ જોવા ભાજપના પૂર્વ શિક્ષણમંત્રીઓની ટીમ દિલ્હી ગઇ હતી. તેની સામે દિલ્હીના સિક્ષણ મંત્રી મનિષ સિસોદિયાએ શિક્ષણમંત્રી જિતુભાઇ વાઘાણીના મત વિસ્તાર ભાવનગરમાં જઇને શાળાઓનું મુલાકાત લઇને પ્રહારો કર્યા અને હવે તેઓ ભાજપ પ્રમુખ સીઆર પાટિલના આમંત્રણને માન આપીને સત્તાવાર રીતે સરકારી સ્કૂલો જોવા પધારશે…..!
રાજકીય રીતે જોઇએ તો આ અગાઉ ગુજરાતના રાજકારણમાં શિક્ષણ કે શાળાઓની હાલત કોઇ મુદ્દો બન્યો નથી પણ પહેલીવાર સ્કૂલ પોલીટીક્સનું નવુ સમીકરણ ઉમેરાઇ રહ્યું હોય તેમ જણાઇ રહ્યું છે. કોની સરકારી સ્કૂલ સારી એ એમાં ભણનાર બાળકો અને વાલીઓ નક્કી કરશે કે રાજકિય નેતાઓ..? સવાલ તો બનતા હૈ…
ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. ચૂંટણી પ્રચારમાં આમ આદમી પાર્ટીએ પુરી તાકાત લગાવીને મેદાનમાં ઉતરી છે. સત્તાધારી ભારતીય જનતા પાર્ટી અને આ ચૂંટણીમાં પહેલી વાર નસીબ અજમાવી રહેલી આમ આદમી પાર્ટી એક બીજા પર પ્રહાર કરવાનો એકેય મોકો છોડતા નથી.આ તમામની વચ્ચે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાને ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલે ગુજરાતનો પ્રવાસ કરવા અને અહીંની સરકારી સ્કૂલો જોવાનું નિમંત્રણ આપ્યુ હતું, જેનો સ્વિકાર સિસોદીયાએ કર્યો છે અને આશા રાખી છે કે, ભાજપના નેતાઓ તેનાથી પલ્ટી નહીં મારે.
ડેપ્યુટી સીએમ સિસોદીયાએ કહ્યું કે, તેમને ખુશી છે કે, વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં રાજકીય ચર્ચામાં શિક્ષણ એક એજન્ડા બની ગયુ છે, કારણ કે તેમણે પાટીલને દિલ્હીની સરકારી શાળાઓનો પ્રવાસ કરવા અને તેને જોવા માટે આમંત્રણ આપ્યુ હતું કે, આ સ્કૂલ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફક્ત પાંચ વર્ષના નેતૃત્વમાં વિશ્વ સ્તરીય બનાવી છે.