ગુજરાત

મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર

 

c-VIGIL ઍપ અને અન્ય સરળ માધ્યમોને કારણે સામાન્ય નાગરિકોમાં ચૂંટણી પ્રક્રિયા પ્રત્યે સારી સજાગતા : શ્રીમતી પી. ભારતી
ઈ.વી.એમ.-વી.વી.પેટના ફર્સ્ટ રેન્ડમાઈઝેશનની કામગીરી પૂર્ણ : ઉમેદવારોની યાદી આખરી થયા પછી સેકન્ડ રેન્ડમાઈઝેશન હાથ ધરાશે
રાજ્યમાં 114 જનરલ ઓબ્ઝર્વર્સ, 36 પોલીસ ઓબ્ઝર્વર્સ અને 69 ખર્ચ ઓબ્ઝર્વર્સ

અત્યાર સુધીમાં આચારસંહિતાના ભંગની એકપણ ગંભીર ફરિયાદ નથી આવી : રૂ.7,188 લાખની જપ્તી : 611 ફ્લાઈંગ સ્કૉડ અને 802 સ્ટેટીક સરવે ટીમ કાર્યરત
સરકારી ઈમારતો પરથી 2,28,911 અને ખાનગી મિલકતો પરથી 44,233 પોસ્ટર્સ, બેનર્સ દૂર કરાયા
ગુજરાતમાં ચૂંટણીમાં સૌપ્રથમ વખત ચૅટબૉટનો ઉપયોગ : કોઈપણ વ્યક્તિ ઑટોમેટેડ ચૅટથી તમામ માહિતી મેળવી શકશે

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022 ના બન્ને તબક્કાના મતદાન માટેની ચૂંટણી પ્રક્રિયા નિશ્ચિત શિડ્યુલ પ્રમાણે ચાલી રહી છે. બન્ને તબક્કા માટે ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા હાલમાં ચાલુ છે. તમામ જિલ્લાઓમાં ચૂંટણી તંત્ર દ્વારા આ કામગીરી આયોજનબદ્ધ રીતે ચાલી રહી છે. મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ આજે ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, આદર્શ આચારસંહિતાનું ચુસ્ત પાલન થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં આચારસંહિતાના ભંગની એક પણ ગંભીર ફરિયાદ આવી નથી. એટલું જ નહીં, c-VIGIL મોબાઇલ એપ જેવા સરળ અને હાથવગા માધ્યમો હોવાથી સામાન્ય નાગરિકોમાં પણ આદર્શ આચાર સંહિતાના પાલન પ્રત્યે સારી સજાગતા જોવા મળી છે. મતદાન જાગૃતિ માટેના અમારા પ્રયત્નોને પણ સમાજના તમામ વર્ગોમાંથી પ્રોત્સાહક પ્રતિભાવ મળી રહ્યો છે. તમામ જિલ્લાઓમાં ચૂંટણી તંત્ર પ્રશંસનીય કામગીરી કરી રહ્યું છે.

આ પત્રકાર પરિષદમાં ગુજરાત પોલીસના એ.ડી.જી. (કાયદો અને વ્યવસ્થા) તથા સ્ટેટ પોલીસ નોડલ ઑફિસર શ્રી નરસિમ્હા કોમર, અધિક મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી કુલદીપ આર્ય, સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી અશોક પટેલ તથા સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી અજય ભટ્ટ અને માહિતી નિયામક શ્રી આર.કે.મહેતા ઉપસ્થિત રહ્યા હતા.

ઈ.વી.એમ.- વી.વી.પેટનું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન પૂર્ણઃ
મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીએ જણાવ્યું હતું કે, તમામ જિલ્લાઓમાં ઈ.વી.એમ. અને વી.વી.પેટના ફર્સ્ટ રેન્ડમાઈઝેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાએ માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોની હાજરીમાં આ કામગીરી પૂર્ણ કર્યા પછી ઈ.વી.એમ અને વી.વી.પેટ મશીનો જે –તે મતવિસ્તારના ચૂંટણી અધિકારીઓને સોંપવાની કામગીરી અત્યારે ચાલી રહી છે. તમામ મશીનોની યાદી પણ રાજકીય પક્ષોને આપવામાં આવી રહી છે. ભારતના
ચૂંટણી પંચની તમામ સુચનાઓના ચુસ્ત પાલન સાથે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ કામગીરી ચોકસાઈપૂર્વક ચાલી રહી છે. હરિફ ઉમેદવારોની યાદી આખરી થયા પછી તેમના પ્રતિનિધિઓની હાજરીમાં ઈ.વી.એમ અને વી.વી.પેટના સેકન્ડ રેન્ડમાઈઝેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

મતદાર ફોટો ઓળખકાર્ડ:
મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા અન્વયે 12 ઓગસ્ટથી 09 ઑક્ટોબર દરમ્યાન 16,51,905 મતદાર ફોટો ઓળખકાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. તમામ EPIC પ્રિન્ટ થઈ ગયા છે અને મતદારોને પોસ્ટ ઑફિસ મારફતે સ્પીડ પોસ્ટ દ્વારા વિનામૂલ્યે પહોંચતા કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

વરિષ્ઠ મતદારો, દિવ્યાંગ મતદારો માટે વિશેષ વ્યવસ્થાઃ
80 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગજનો અને કોવિડ-19 પ્રભાવિત કે શંકાસ્પદ કક્ષામાં સમાવિષ્ઠ મતદારો પણ પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શ્રીમતી પી.ભારતીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગજનો મળીને 12,26,911 મતદારો નોંધાયા છે. દરેક જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા સંભાળી રહેલાં કર્મચારીઓ આવા મતદારોની રૂબરૂ મુલાકાત લઈ રહ્યાં છે. અત્યારસુધીમાં 7,77,604 મતદારોની રૂબરૂ મુલાકાત લેવામાં આવી છે. જે મતદારો મતદાન મથક સુધી જઈ શકે તેમ નથી તેવા મતદારો ફોર્મ 12-ડી ભરી રહ્યાં છે. અત્યારસુધીમાં આવા 4,93,310 મતદારોને ફોર્મ-12 ડી આપવામાં આવ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x