કૃષિ ક્ષેત્રે અગ્રેસર: જિલ્લાનું પાક ઉત્પાદન રાજ્યની સરેરાશ કરતાં વધુ
કૃષિ નિષ્ણાતોએ જણાવ્યું કે ગાંધીનગર જિલ્લામાં મુખ્યત્વે રેતાળ લોમ જમીન છે. છેલ્લા 30 વર્ષોમાં અહીં સરેરાશ વરસાદ 760 મીમી છે અને તે મોટે ભાગે જૂનથી સપ્ટેમ્બરના સમયગાળામાં પડે છે. આ સિવાય મે મહિનામાં મહત્તમ તાપમાન 40 થી 45 ડિગ્રી રહે છે. ગાંધીનગર જિલ્લો એગ્રો ક્લાઈમેટ ઝોન 4 માં સમાવિષ્ટ છે. મતલબ કે જિલ્લાની આબોહવા અર્ધ શુષ્ક છે. જો કે, તે કૃષિ ક્ષેત્રે અગ્રેસર છે. ખરીફ, રવિ અને ઉનાળુ પાકોના ઉત્પાદનમાં રાજ્યની સરખામણીએ જિલ્લાનું પાક ઉત્પાદન વધ્યું છે. કૃષિ વિભાગના સૂત્રોએ જણાવ્યું છે કે ગાંધીનગરના ખેડૂતો ઘઉં, બટાટા, ડાંગર, મગફળી, કપાસ, દિવેલા પાકોમાં હેક્ટરદીઠ વધુ ઉત્પાદન મેળવી રહ્યા છે.
જાન્યુઆરીમાં સરેરાશ તાપમાન 10 ડિગ્રીથી વધુ છે. જિલ્લાના મુખ્ય અનાજ પાકોમાં બાજરી, ડાંગર, ઘઉં અને કઠોળના પાકોમાં તુવેર, મગ, ચણા, મઠ અને અડદનો સમાવેશ થાય છે. મગફળી, એરંડા, બટાકા, કપાસ અને તમાકુ મુખ્ય રોકડીયા પાક છે. કુલ ભૌગોલિક વિસ્તાર 2.16 લાખ હેક્ટર છે. તેમાં 1.63 લાખ હેક્ટર ચોખ્ખો ખેતીલાયક વિસ્તાર છે. ખરીફ, રવિ અને ઉનાળુ સિઝનમાં સરેરાશ 1.29 લાખ, 0.71 લાખ અને 0.24 લાખ હેક્ટરમાં વિવિધ પાકોનું વાવેતર થાય છે. કુલ વિસ્તારનો 76 ટકા વિસ્તાર વિવિધ કૃષિ પાકોની ખેતી હેઠળ આવે છે. ખેતી હેઠળના કુલ વિસ્તારના 66 ટકા વિસ્તારમાં વિવિધ સિંચાઈ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. બાકીના જિલ્લામાં વરસાદ આધારિત ખેતી છે. જિલ્લામાં મગફળી, એરંડા, બાજરી, કપાસ, ડાંગર, ઘઉં, બટાટા અને તમાકુ જેવા વિવિધ પાકોની ખેતી કરવામાં આવે છે.