ગાંધીનગરગુજરાત

ગાંધીનગરના સર્વાંગી વિકાસની ઝાંખી આપતું ડ્રાફ્ટ બજેટ માન. કમિશનરશ્રીએ સ્ડેન્ડિંગ કમિટી સમક્ષ રજુ કર્યું

ગાંધીનગર શહેરના સર્વાંગી વિકાસને ધ્યાનમાં લઈને ગાંધીનગરના માન. મ્યુનિસિપલ કમિશનરશ્રી સંદીપ સાગલે સાહેબ દ્વારા વર્ષ 2022-23નું રિવાઇઝ બજેટ તેમજ વર્ષ 2023-24નું ડ્રાફ્ટ બજેટ સ્ડેન્ડિંગ કમિટી સામે રજુ કરવામાં આવ્યું હતું. બજેટ રજુ કરતી વખતે માન. કમિશનરશ્રીએ જણાવ્યું હતું કે, ગાંધીનગર મહાનગરપાલિકાની હદમાં ૧૮ ગ્રામ્યવિસ્તારો, ૧ નગરપાલિકા વિસ્તાર તથા ૫૦ વિસ્તારનો સમાવેશ થયો છે. જેના કારણે મહાનગરપાલિકાના કાર્યક્ષેત્રમાં વધારો થયો છે ત્યારે નવા સમાવેશ થયેલાં વિસ્તારોમાં વિકાસ કાર્યોની પ્રગતિ ઉપર ફંડના અભાવે અસર ન થાય તે રીતના શ્રેષ્ઠ નાણાંકીય આયોજન તથા વ્યવસ્થાપન કરી વિકાસ કાર્યોની સાથે કોર્પોરેશનનો વહીવટ તથા ખર્ચામાં નિયમિતતા જાળવી રાખી મહાનગરપાલિકાની વિકાસયાત્રા ચાલું રહે તે મુજબનું આયોજન વર્ષ ૨૦૨૩-૨૪નાં અંદાજપત્રમાં કરેલ છે.

આ ડ્રાફ્ટ બજેટની હાઇલાઇટ્સ નીચે મુજબ છે.
• દિવ્યાંગો,અનાથ બાળકો,નિરાધાર વૃધ્ધો,HIVના દર્દીઓ જેવાં મુખ્યધારાથી દૂર વંચિતોની સુખાકારી માટે ખાસ જોગવાઇ કરવામાં આવેલ છે.
• શહેરી પછાત વિસ્તારોમાં માળખાગત સુવિધાઓ જેવી કે ગટર, પાણી, સફાઇ અને ઝુંપડપટ્ટીઓ રોગ મુક્ત થાય તેવા કામો માટે આયોજન કરવામાં આવેલ છે.
• શહેરના પેરીફેરી વિસ્તારના ગામોમાં પણ પાયાની સુવિધાઓથી વંચિત ન રહે તે માટે વિવિધ વિકાસ કાર્યો જેવાકે પે એન્ડ યુઝ ટોઇલેટ, પાણી અને ગટર વ્યવસ્થા તેમજ અન્ય કામો કરવા માટે આયોજન કરવામાં આવેલ છે.
• જી.પી.એમ.સી કાયદાની કલમ ૬૩(૨) મુજબ અનુસુચિત જાતિ, અનુસુચિત આદી જાતિઓ તથા આર્થિક રીતે પછાત વર્ગોના લોકોની વસ્તી વાળા વિસ્તારોમાં માળખાકીય તેમજ મૂળભૂત સુવિધાઓ જેવી કે સફાઇ, તબીબી સહાય તથા ગંદા વિસ્તારોની નાબૂદી માટે આયોજન કરવામાં આવેલ છે.
• ઘરવિહોણા લોકોને આશ્રય મળી રહે તે માટે મહાનગરપાલિકા વિસ્તારમાં શેલ્ટર હોમ બનાવવા માટે આયોજન કરવામાં આવેલ છે.
આપણું શહેર સ્વચ્છ રહે તે માટે અસરકારક વ્યૂહરચના બનાવી તથા હવામાન પ્રદૂષણ આજે જ્યારે ચિંતાનો વિષય બનેલ છે.ત્યારે શહેરમાં પ્રદૂષણને અંકુશમાં રાખવાના અનેક પગલાંઓ લઇ તે અંગેના આયોજનને પ્રભાવી રીતે અમલમાં મૂકી ‘‘આપણું શહેર સ્વસ્થ, સ્વચ્છ અને પ્રદૂષણમુક્ત ગાંધીનગર’’ બને તે રીતનું આયોજન વર્ષ ૨૦૨૩-૨૪નાં પ્રસ્તુત બજેટમાં કરવામાં આવેલ છે.
શહેરીકરણને કારણે, વાહનોની સંખ્યામાં દિન-પ્રતિદિન થઇ રહેલ વધારાને કારણે વાહનોમાંથી નીકળતા ધુમાડા સહિત અન્ય કારણે પ્રદૂષણ વધી રહ્યુ છે. ત્યારે પ્રદૂષણ નિયંત્રણમાં આવે તથા આપણું શહેર સુંદર બને અને શહેરના ગ્રીન કવરમાં વધારો થાય અને ગાંધીનગરનું Greenest Capital નું બિરૂદ જળવાઇ રહે તે માટે શહેરમાં વધુ સંખ્યામાં સીનીયર સીટીઝન પાર્ક, ચિલ્ડ્રન પાર્ક સહીતની સુવિધાવાળા બગીચાઓ અને નર્સરી બનાવવામાં આવી રહ્યા છે. જેમાં જાપાનની મીયાવાંકી પધ્ધતિથી પ્લાનટેશન કરવાનું આયોજન કરેલ છે, જેનાથી તાપમાનમાં ઘટાડો થશે તેમજ હવા અને અવાજના પ્રદૂષણનું સ્તર ઘટશે. વધુમાં, કાર્બન ઉત્સર્જનમાં પણ ઘટાડો કરવા મદદરૂપ નિવડશે. આમ, આપણું શહેર મનુષ્ય, પ્રાણી, પક્ષી, જીવ-જંતુ તમામ માટે રહેવાલાયક આદર્શ શહેર બનશે. વર્ષ ૨૦૨૨-૨૩ માં કોર્પોરેશન વિસ્તારમાં ૧૮ જેટલાં બગીચાઓની નવીનીકરણની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. જયારે આગામી સમયમાં નવા સમાવીષ્ટ થયેલાં વિસ્તારોમાં ૬ નવા બગીચા અને ૯ બગીચાઓના નવીનીકરણની કામગીરી આયોજનને કારણે શહેરના ગ્રીન કવરમાં વધારો થશે.
શહેરની ટ્રાફિક ગીચતા અને પ્રદૂષણમાં ઘટાડો થાય તથાં વધુમાં વધુ શહેરીજનોમાં ઇલેકટ્રીક વાહનનો ઉપયોગ પ્રચલિત બને અને પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરતાં થાય તે માટે GSRTC સાથે સંકલન કરી ૩૦ જેટલી બેટરી ઓપરેટેડ વ્હીકલ (ઈ-બસ) ચાલુ કરવાનું આયોજન કરેલ હતું જેમાંથી ચાલુ વર્ષે ૨૦ જેટલી બેટરી ઓપરેટેડ વ્હીકલ (ઈ-બસ) કાર્યરત કરેલ છે.વધુમાં, નવા સમાવેશ થયેલા વિસ્તારો અને વસ્તી વધારાને ધ્યાનમાં રાખીને પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની પુરતી સુવિધા સારી રીતે મળી રહે તે માટે ઉભી થતી જરૂરિયાતને પહોંચી વળવા માટે આયોજન કરવામાં આવશે.
શહેરીજનોના આરોગ્યને કેન્દ્રસ્થાને રાખી વિવિધ પગલાંઓ અન્વયે વધુને વધુ અર્બન હેલ્થ સેન્ટરો બનાવી આરોગ્યની સેવાઓનો વ્યાપ વધારવા વાવોલ અને કુડાસણમાં નવાં અર્બન હેલ્થ સેન્ટરોનું બાંધકામ તથા પેથાપુર અને સુઘડના અર્બન હેલ્થ સેન્ટરોનું નવીનીકરણનું આયોજન છે.
આજે મોટાં શહેરો પાણીની અછતની સમસ્યાનો સામનો કરી રહેલ છે. નીતિ –આયોગના રિપોર્ટ અનુસાર હવે જો શહેરો દ્રારા પાણીના સંગ્રહના આયોજન અંગે વિચારવામાં નહિ આવે તો આગામી વર્ષોમાં મોટા શહેરોમાં જમીનમાં રહેલ પાણીના સ્તર સુકાઇ જશે અને શહેરોને પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરવો પડશે. આથી આપણે આપણા શહેર માટે પાણીના સંગ્રહ અંગે ગંભીર થઇ જળ સંચય અભિયાન અંગે આયોજન કરવું અનિવાર્ય બનેલ છે. નેશનલ વોટર મિશનના “Catch the Rain’’ અભિયાનના ભાગરૂપે અત્રેની મહાનગરપાલિકા દ્વારા ગત વર્ષોમાં કુલ ૭૦ જેટલાં રીચાર્જ વેલનું કામ પૂર્ણ કરવામાં આવેલ છે તેમજ સ્માર્ટસીટી અંતર્ગત ૫૦ જેટલાં રીચાર્જ વેલના કામોનું આયોજન કરવામાં આવેલ છે. મહાનગરપાલિકાના વિસ્તારમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે સેક્ટર- ૧ થી ૩૦માં ચોકકસ લંબાઈની આંતરિક રસ્તા ઉપરની બાકી રહેલી સ્ટ્રોમવોટર લાઈનની કામગીરી પ્રગતિમાં છે તથા ખોરજ તથા ઝુંડાલના ટી.પી. વિસ્તારમાં અને સેક્ટર – ૨૬ ખાતે સ્ટ્રોમ વોટર લાઈનની કામગીરીનું આયોજન છે. મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ સ્ટ્રોમ વોટર લાઇનને તળાવ સાથે જોડાણ કરવા તેમજ તળાવનું ઇન્ટરલીંકીગ કરવાની કામગીરીનું પણ આયોજન કરવામાં આવેલ છે. પરિણામ સ્વરૂપે નકામા વહી જતા વરસાદી પાણીના સંગ્રહ થકી શહેરના પાણીના સ્તર ઉંચા આવશે.
મહાનગરપાલિકાના વિસ્તારના નાગરીકોની સુવિધા માટે નવા સમાવિષ્ટ થયેલાં વિસ્તારોમાં પાણી પુરવઠા તથા ડ્રેનેજ લાઇનના રૂ.૩૦૦.૯૧ કરોડના વિવિધ કામોનું આયોજન વર્ષ ૨૦૨૩-૨૪ ના અંદાજપત્રમાં કરવામાં આવેલ છે.
વર્ષ ૨૦૨૨-૨૩ના મંજુર થયેલ રેવન્યુ આવક રૂ.૨૧૫.૨૧ કરોડની સામે રિવાઇઝ્ડ અંદાજ મુજબ રૂ. ૨૭૩.૦૩ કરોડ થવા પામેલ છે. એટલે કે રેવન્યુ આવકમા ૨૬.૮૭%નો વધારો થવા પામેલ છે. એ જ રીતે કેપિટલ આવક રૂ.૭૩.૫૭ કરોડની સામે રિવાઇઝ્ડ અંદાજ મુજબ રૂ.૩૭૧.૪૪ કરોડ થવા પામેલ છે. જે કેપિટલ આવકમા ૪૦૫%નો વધારો સુચવે છે. વર્ષ ૨૦૨૨-૨૩ના મંજુર થયેલ રેવન્યુ ખર્ચ રૂ.૧૪૬.૨૧ કરોડની સામે રિવાઇઝડ અંદાજ મુજબ રૂ.૧૬૭.૧૭ કરોડ થવા પામેલ છે. એટલે કે રેવન્યુ ખર્ચમા ૧૪.૩૭%નો વધારો થવા પામેલ છે. એ જ રીતે કેપિટલ ખર્ચ રૂ.૩૯૪.૪૭ કરોડની સામે રિવાઇઝડ અંદાજ મુજબ રૂ. ૩૦૦.૨૨ કરોડ થવા પામેલ છે. જે કેપિટલ ખર્ચમા ૨૩.૮૯%નો ઘટાડો સુચવે છે. આમ, વર્ષ ૨૦૨૨-૨૩ના મંજુર થયેલ બજેટ રૂ.૫૪૦.૬૮ કરોડની સામે રિવાઇઝડ અંદાજ મુજબ રૂ.૪૬૭.૩૯ કરોડ થયેલ છે. જે એકંદરે ૧૩.૫૬ ટકાનો ઘટાડો સુચવે છે.
આમ, ગાંધીનગર મહાનગરપાલિકાના સમતોલ તથા સર્વાગીં વિકાસ માટેનાં લક્ષ્યને ધ્યાનમાં લઇ આંતર માળખાકીય સુવિધાના કામો, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના કામો, અમૃત યોજના તેમજ અન્ય ગ્રાન્ટ હેઠળ શરૂ થનાર કામો તેમજ સામાજીક અને આરોગ્યલક્ષી સુવિધાઓના કામો તેમજ વિકાસના કાર્યોના સંકલિત આયોજન અને કાર્યક્ષમ તથા પારદર્શી વહીવટ સાથે નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩નું રીવાઇઝ અંદાજો સહ કોઇપણ જાતના કર કે દરમાં વધારો સૂચવ્યા વગર રૂ.૨૬૪.૧૪ કરોડની પુરાંત સાથે નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪નું રૂ.૯૪૪.૦૨ કરોડનું ડ્રાફ્ટ અંદાજપત્ર રજુ કરવામાં આવ્યું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *