ગુજરાત

પ્રાકૃતિક ખેતી થકી શિક્ષકશ્રી હરેશભાઇ પટેલે ખેડૂતોને નવી દિશા ચિંધી

સાબરકાંઠા જિલ્લાના ઇડરના ગોધમજી ગામના શિક્ષકશ્રી હરેશભાઇ પટેલે પ્રાકૃતિક ખેતી અપનાવી ખેડૂતોને નવો રાહ ચિંધ્યો છે. હરેશભાઇ તેમના પત્નિ,માતા વ્યવસાયે શિક્ષક છે. હરેશભાઇ તેમના ખેડૂત મજૂર બાબુભાઇની મદદથી આ ખેતી અને ૧૧ ગીર ગાયોનું પાલન કરે છે.

 

હરેશભાઇ જણાવે છે કે ખેતી તેમને વારસામાં મળેલ વ્યવસાય છે. તેથી તેઓ ૨૦૧૯ પહેલા રાસાયણીક ખેતી કરતા હતા. જેમાં ઉત્પાદન મળતું પરંતુ તેની સામે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો તેમજ હાઈબ્રીડ બિયારણોનો ખર્ચો ખૂબ જ વધી જતો હતો. જેના કારણે નફો બિલકુલ ઓછો મળતો હતો. રાસાયણિક ખેતીમાં બટાટા, ઘઉં, મરચા, મગફળી, કપાસ વગેરેની ખેતી કરતા હતા.

 

વધુમાં જણાવે છે કે, વર્ષ ૨૦૧૯ના જાન્યુઆરી મહિનામાં અમદાવાદ ખાતે સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ અંગેની રાજ્યવ્યાપી પાંચ દિવસની શિબિર હતી. આ શિબિરમાં હું અને મારા ખેતરમાં કામ કરતાં બાબુભાઈ નિસરતા બંને જણા પાંચ દિવસ તાલીમ લીધી. આ તાલીમ બાદ અમે નક્કી કર્યું કે આપણે હવે પ્રાકૃતિક ખેતી કરીશું. શિબિરમાંથી આવીને પહેલા તો થોડી એક રાસાયણિક ખાતરની થેલીઓ હતી તે ખાતર વેચી દીધું અને દેશી ગાય લાવ્યા જેથી પ્રાકૃતિક ખેતી થઈ શકે.

 

ઉતરાયણના થોડા દિવસ બાકી હતા એટલે અમે અખતરા માટે અડધા વિધાથી પણ ઓછી જમીનમાં ઘઉં વાવ્યા જેમાં અમે બીજામૃત પટ આપ્યો અને જેટલા પિયત થયા તે બધા પિયતમાં જીવામૃત આપ્યું. પાછળથી વાવેતર હોવા છતાં રાસાયણિકમાં જેટલા ઘઉંનું ઉત્પાદન થતું એટલું ઉત્પાદન પ્રાકૃતિક કૃષિથી થયું. ઉનાળામાં અમે અડધા વિધાથી ઓછી જમીનમાં ઉનાળુ મગફળી અને એક વીઘામાં વિવિધ ૧૬ પ્રકારની શાકભાજીનું વાવેતર સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ પ્રમાણે કર્યું. શાકભાજી વધારે થવા લાગી તો ખેતર ઉપર જ એનું છૂટક વેચાણ ચાલુ કર્યું. ગ્રાહકોએ અમારી જોડેથી શાક લીધું એમના પ્રતિભાવ પણ ખૂબ જ સારા રહ્યા. પહેલા વર્ષે એક વીઘામાથી સરેરાશ દૈનિક રૂ.૪૦૦/-નું શાકભાજી વેચાણ થવા લાગ્યું. ઉનાળુ મગફળીમાં બાજુમાં રાસાયણિક ખેતીથી મગફળી પકવેલી તેટલો જ ઉતારો અમારી મગફળીનો રહ્યો. આ પ્રયોગ બાદ અમે નક્કી કર્યું હવે પછી અમારે રાસાયણિક ખેતી કરી જમીનને બગાડવી નથી. જો પ્રાકૃતિક કૃષિ થી રાસાયણિક જેટલું ઉત્પાદન મળતું હોય તો શું કામ રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ પાછળ ખોટા પૈસા નાખી દેવા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x