ગુજરાત ઉપર વાવાઝોડાનું સંકટ! આગામી 48 કલાકમાં ‘બિપોરજોય’ ધારણ કરી શકે છે ગંભીર સ્વરૂપ
અરબી સમુદ્રમાં હાલમાં ચક્રવાતની સ્થિતિ છે જેના કારણે હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે. ‘બિપોરજોય’ નામનું ચક્રવાત ધીમે ધીમે ભારત તરફ આગળ વધી રહ્યું છે. હવામાનની આગાહી મુજબ 4 રાજ્યોમાં તેની મોટી અસર પડી શકે છે. હવામાન વિભાગના મતે સૌથી મોટો ખતરો ગુજરાત પર છે. આશંકા છે કે, તેની અસર મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગોવા પર પણ પડી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે, આગામી 48 કલાકમાં આ ચક્રવાત વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. ગુજરાતમાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટની 15 ટીમો તૈનાત કરવામાં આવી છે. આ સાથે રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટની 11 ટીમોને પણ એલર્ટ પર રાખવામાં આવી છે.
હવામાન વિભાગની ચેતવણી બાદ માછીમારોને ઊંડા સમુદ્રમાંથી પરત ફરવાનું કહેવામાં આવ્યું છે. આ ચક્રવાત પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાંથી ધીમે ધીમે ઉત્તર અને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવા વરસાદ અને ગાજવીજ સાથે છાંટા પડવાની સંભાવના છે. હાલ આ વાવાઝોડું પોરબંદરથી દક્ષિણ-પશ્ચિમ દિશામાં 930 કિ.મી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ તોફાનના કારણે 135 થી 145 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જેની અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી શકે છે.
અમદાવાદમાં હવામાન વિભાગના સાયન્સ સેન્ટરના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, આ ચક્રવાતને કારણે 10, 11 અને 12 જૂને પવન 45 થી 55 નોટ પ્રતિ કલાકની ઝડપે ચાલી શકે છે. પવનની ઝડપ પણ 65 નોટ સુધી જઈ શકે છે. ચક્રવાતને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. આ અંગે તમામ બંદરોને જાણ કરવામાં આવી છે. તેમને ચેતવણીના સંદેશા જારી કરવાનું કહેવામાં આવ્યું છે.