શક્તિસિંહ ગોહિલને ગુજરાત કોંગ્રેસના નવા અધ્યક્ષ બનાવાયા
ગાંધીનગર :
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદની ચર્ચાનો આજે અંત આવ્યો છે, ગુજરાત કોંગ્રેસને નવા પ્રદેશ પ્રમુખ મળ્યા છે. મળતી વિગતો મુજબ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદ માટે ગુજરાતના જાણીતા ચહેરાનુ નામ સામે આવ્યું છે. ગુજરાત કોંગ્રેસનું સુકાન શક્તિસિંહ ગોહિલને સોંપવામાં આવ્યું છે.
ગુજરાત કોંગ્રેસના અગ્રણી નેતાઓ દિલ્હી દરબારમાં પહોંચ્યા હતા, જ્યાં હાઈકમાન્ડે ગુજરાત પ્રદેશ પ્રમુખની નિમણૂક કરી છે. નોંધનીય છે કે, ગુજરાતના કોંગી નેતાઓની હાઇકમાન્ડ સાથે મહત્વની બેઠક થઈ હતી. આ બેઠકને લઈ જગદીશ ઠાકોર, અમિત ચાવડા, અર્જુન મોઢવાડીયા, શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ દિલ્હીમાં હાજર રહ્યાં હતાં. તેઓ હાલ રાજ્યસભાના સાંસદ છે તેમજ AICCના રાષ્ટ્રીય પ્રવક્તા પણ છે. 1991 થી 1995 દરમિયાન સરકારના વિવિધ વિભાગ સંભાળ્યા હતા તેમજ નાણાં, આરોગ્ય, શિક્ષણ, નર્મદા વિભાગના મંત્રી તરીકે રહી ચુક્યા છે. 2007થી 2012 સુધી વિધાનસભામાં વિપક્ષના નેતા રહી ચુક્યા છે તેમજ 1989માં ગુજરાત રાજ્ય યુવા કોંગ્રેસના મહાસચિવ પણ રહી ચૂક્યા છે. શક્તિસિંહનો જન્મ 4 એપ્રિલ 1960માં ભાવનગર જિલ્લાના લિમડા ગામે થયો હતો. લિમડાના શાહી પરિવારના તે મોટા પુત્ર છે. શક્તિસિંહે B.sc, LLM, કોમ્પ્યૂટરમાં ડિપ્લોમા અને પત્રકારત્વમાં ડિપ્લોમા કર્યું છે. ગોહિલ 1986માં ભાવનગર જિલ્લા યુવા કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ હતા અને 1989માં ગુજરાત રાજ્ય યુવા કોંગ્રેસના મહાસચિવ પણ રહી ચૂક્યા છે.